Bilkis Bano Latest News: બિલકિસ બાનો કેસમાં 11 દોષિઓની મુક્તિ કરવાનું કારણ જણાતું એફિડેવિટ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું હતું. જોકે, આ સુપ્રીમ કોર્ટને ગુજરાત સરકારનો આ જવાબ યોગ્ય લાગ્યો નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે માંગ્યું હતું એ વસ્તુ તો આવી જ નથી. જવાબ ભારે ભરખમ છે. અનેક નિર્ણયોનો ઉલ્લેખ કરીને સરકાર પોતાની વાત જણાવી રહી છે. જોકે, કોર્ટે આ મામલાની સુનાવણી 8 નવેમ્બર સુધી સ્થગિત દીધી છે. મંગળવારે 18 ઓક્ટોબરના રોજ આ મામલાની સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપના 11 દોષિતોની મુક્તિને પડકારતી અરજી પર ગુજરાત સરકારે પ્રતિક્રિયા આપી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે સરકારને રાજ્યના પ્રતિ-સોગંદનામાને ચારે બાજુથી રજૂ કરવા જણાવ્યું હતું.
ગુજરાત સરકારે તાજેતરમાં 2002માં થયેલા ગોધરા કાંડ દરમિયાન બિલકિસ બાનો સાથે સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને મુક્તિ આપી હતી. જે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા એમાં જસવંત નાયી, ગોવિંદ નાયી, શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વોહાનિયા, પ્રદિપ મોર્ધિયા, બકાભાઈ વોહાનિયા, રાજૂભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદ્રનાનો સમાવેશ થાય છે. આ મામલાને લઈને માકપા નેતા સુભાસિની અલી, સ્વતંત્ર પત્રકાર અને ફિલ્મ નિર્માતા રેવતી લૌલ અને પૂર્વ દર્શનશાસ્ત્રના પ્રોફેસર અને કાર્યકર્તા રુપરેખા વર્માએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે 25 ઓગસ્ટે માંગ્યો હતો જવાબ
સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટે અરજી પર ગુજરાત સરકાર અને 11 દોષિતો પાસેથી જવાબ માંગ્યો હતો. પોતાના જવાબી એફિડેવિટમાં ગુજરાત સરકારે કહ્યું હતું કે 1992ની મુક્તિ નીતિ અનુસાર મામલામાં બધા 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે દોષિતોએ 14 વર્ષ જેલમાં વિતાવ્યા છે અને આ દરમિયાન તેમનો વ્યવહાર ખૂબ જ સારો હતો.
સોગંધનામામાં વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમની મુક્તિની પણ મંજૂરી આપી હતી. એફિડેવિટથી એ જાણવા મળે છે કે કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને આ મામલાની સુનાવણી કરનાર નિચલી અદાલતે 11ને મુક્ત કરવાના ગુજરાત સરકારના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું હતું એફિડેવિટ
ગોધરા હિંસા દરમિયાન બિલકિસ બાનો ગેંગરેપ દરમિયાન ઉમરકેદની સજા મેળવનાર 11 દોષિતોની મુક્તી પર ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી હતી. રાજ્ય સરકારે આ એફિડેવિટમાં કહ્યું હતું કે આ લોકોનો વ્યવહાર સારો હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ બધા લોકો ગોધરાની સબજેલમાં બંધ હતા.
આ દોષિઓની મુક્તિ રાજ્ય સરકારની ક્ષમા નીતિ અંતર્ગત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે કહ્યું કે આ મામલે ત્રીજી પાર્ટી કેસ દાખલ ન કરી શકે. આનાથી સુભાષિણી અલીને કોઈ લેવાદેવા નથી. દાખલ કરવામાં આવેલી અરજી એક ષડયંત્ર અને રાજનીતિનો ભાગ છે.