Supreme Court CJ BR Gavai : સોમવારે એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સવારની સુનાવણી દરમિયાન આ વ્યક્તિએ ચીફ જસ્ટિસ બીઆર ગવાઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ વ્યક્તિને પકડી તરત જ કોર્ટરૂમની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે થોડી મિનિટો માટે કાર્યવાહી અટકી ગઈ હતી, ત્યારબાદ સુનાવણી ફરી શરૂ થઇ હતી.
સૂત્રોના કહેવા મુજબ, વકીલ મુખ્ય ન્યાયાધીશની ખુરશી નજીક ગયો હતો અને પોતાના જૂતા ઉતારીને જજ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. લાઇવ લૉના સમાચાર અનુસાર, હાજર વકીલોએ જણાવ્યું હતું કે કોર્ટરૂમની બહાર લઈ જતી વખતે, તે વ્યક્તિએ બૂમો પાડી હતી, “હિન્દુસ્તાન સનાતન ધર્મનું અપમાન સહન કરશે નહીં”. કેટલાક સાક્ષીઓએ દાવો કર્યો હતો કે તેણે જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે અન્ય લોકોએ કહ્યું હતું કે તે કાગળનો રોલ ઉછાળી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ વકીલનો ડ્રેસ પહેર્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠ વકીલો દ્વારા કેસોની સુનાવણી કરી રહી હતી. વકીલ સ્ટેજ નજીક પહોંચ્યો, તેણે પોતાનું જૂતું ઉતાર્યું અને તેને ન્યાયાધીશ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો. કોર્ટરૂમમાં હાજર સતર્ક સુરક્ષા જવાનોએ તરત જ હસ્તક્ષેપ કર્યો હતો અને હુમલો અટકાવ્યો હતો. વકીલને તરત જ કોર્ટ પરિસરની બહાર લઈ જવામાં આવ્યો હતો. હોબાળો હોવા છતાં ચીફ જસ્ટિસે કોઈ જવાબ આપ્યો ન હતો અને કોર્ટમાં હાજર વકીલોને તેમની દલીલો ચાલુ રાખવા જણાવ્યું હતું. “આ બધાથી વિચલિત ન થાઓ. આપણે વિચલિત નથી થયા. આ બાબતો મને અસર કરતી નથી. ”
સુપ્રીમ કોર્ટના CJI પર કેમ જૂતું ફેંક્યું?
સુપ્રીમ કોર્ટના સિક્યોરિટી યુનિટે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. વકીલ વિશે વધુ માહિતી અને તેના હુમલાના સંભવિત કારણોની રાહ જોવાઈ રહી છે.
આ ઘટના સંભવતઃ ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી માથા કાપી નાખવામાં આવેલી પ્રતિમાને પુનઃસ્થાપિત કરવા સંબંધિત અગાઉના કેસમાં મુખ્ય ન્યાયાધીશ ગવાઈએ કરેલી ટિપ્પણીથી પ્રેરિત થઈ હતી. ચીફ જસ્ટિસ ગવાઈના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને ઘણા લોકોએ ચીફ જસ્ટિસ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. બે દિવસ બાદ કોર્ટમાં વિવાદ પર બોલતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તેમનો અનાદર કરવાનો કોઈ ઈરાદો નથી.