ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે હાઈકોર્ટના સાત ન્યાયધીશોની બદલી કરવાની ભલામણ કરી છે. જેમાં આંધ્ર પ્રદેશની હાઈકોર્ટમાંથી જસ્ટિસ બટ્ટુ દેવાનંદ અને ડી રમેશની અનુક્રમે મદ્રાસ અને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. જો કે જેમની બદલીના પ્રસ્તાવ સામે ગુજરાત બાર કાઉન્સિલના વકીલોએ હડતાળ પાડી હતી તે જસ્ટિસ નિખિલ એસ. કારેલનો આ યાદીમાં ઉલ્લેખ નથી.
ક્યા-ક્યા ન્યાયાધીશોની બદલની ભલામણ કરાઇ
હાલ તેલંગાણાની હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ લલિતા કન્નેગંટીને કર્ણાટકની હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. નોંધનિય છે કે, મે 2020માં નિમણૂક થયા બાદ જસ્ટિસ કન્નેગંતીનું ગયા વર્ષે નવેમ્બરમાં જ તેમની પેરેન્ટ હાઈકોર્ટ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા તેલંગાણાની હાઈકોર્ટના જસ્ટિસ ડી નાગાર્જુન અને અભિષેક રેડ્ડીની પણ અનુક્રમે મદ્રાસ અને પટનાની હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે.

તો મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ. વેલુમણી અને ટી રાજાને ત્યાંથી અનુક્રમે કલકત્તા અને રાજસ્થાન હાઈકોર્ટમાં મોકલવાની ભલામણ કરાઇ છે. તેવી જ રીતે ન્યાયાધીશ રાજા, જેઓ હાલમાં મદ્રાસ હાઈકોર્ટના સૌથી સિનિયર જજ છે અને તેના એક્ટિંગ ચીફ જસ્ટિશ છે, તેમનું ટ્રાન્સફર કરવા માટે સરકારને નવા એક્ટિંગ ચીફ જસ્ટિસ અથવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની જરૂર પડશે.
ઓરિસ્સાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ મુરલીધરને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ટ્રાન્સફર કરવા માટે 28 સપ્ટેમ્બરના રોજ કોલેજિયમે કરેલી ભલામણ સરકાર પાસે હજી પેન્ડિંગ છે.
ઉલ્લેખનિય છે કે, પ્રસ્તાવિત ટ્રાન્સફરનો વિરોધ કરતી ગુજરાત બાર કાઉન્સિલની રજૂઆતને પગલે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિખિલ કારેલની બદલીની ભલામણ કરી નથી.
યાદીમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ કારેલનુ નામ નથી
એવું જાણવા મળે છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમ જસ્ટિસ નિખિલ એસ. કારેલની પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા અંગે વિચારણા કરી રહ્યું હતું અને તેમણે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારને તેમના સૂચનો માટે પત્ર લખ્યો હતો. જો કે, આ પ્રસ્તાવની સામે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ બાર એસોસિએશન હડતાળ પર ઉતરી ગયું હતું અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સભ્યોને આ મામલે રજૂઆત કરી હતી. 21 નવેમ્બરના રોજ, વકીલોના એક જૂથે હડતાળ પર જવાની પહેલા ચીફ જસ્ટિશ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમઆર શાહ સાથે મુલાકાત કરી હતી.

કોણ છે જસ્ટિસ નિખિલ એસ.કારેલ?
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કારેલનો જન્મ 9 મે, 1974ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1998માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે એડવોકેટ તરીકે નોંધણી કરી અને સર્વિસ લો, સિવિલ અને ફોજદારી કાયદાના ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી હતી. તેમણે 4 ઓક્ટોબર, 2020ના રોજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે પદભાર સંભાળ્યો હતો.