દિલ્હી હાઇકોર્ટના ‘સમલૈંગિક ’ સિનિયર એડવોકેટ સૌરભ કિરપાલ ફરીવાર ચર્ચામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે વરિષ્ઠ વકીલ સૌરભ કિરપાલની નિમણૂક કરવા માટે ફરી 11 નવેમ્બર 2021ની ભલામણને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભલામણ પર ઝડપથી કાર્યવાહી કરવાની જરૂર છે. જો આ ભલામણનો સ્વીકાર કરાય તો સિનિયર વકીલ સૌરભ કિરપાલ ભારતના પહેલા સમલૈંગિક જજ છે.
સૌરભ કિરપાલની નિમણુંક અંગે સુપ્રીમ કોર્ટનો મત
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ અનુસાર હાઇકોર્ટના ન્યાયાધીશ પદે સિનિયર વકીલ સૌરભ ક્રિપાલની નિમણુંકને ખૂબ જ સકારાત્મક રીતે જોવી જોઈએ. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની ભલામણનો પુનરોચ્ચાર કર્યો છે.
‘સમલૈંગિક’ હોવાના કારણે સરકારે તેમની બઢતી અટકાવી હોવાનો આક્ષેપ
તો બીજી બાજુ સિનિયર વકીલ સૌરભ કિરપાલે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ કે, તેઓ ‘સમલૈંગિક’ હોવાને કારણે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સરકાર પ્રમોશન આપવા ઇચ્છતી નથી. ઉપરાંત, તેમની પત્ની સ્વિસ નાગરિક હોવા સામે પણ સરકારને વાંધો છે. અલબત્ત સુપ્રીમ કોર્ટે આ વાંધાઓને બાજુમાં મૂકીને પોતાની ભલામણનો પુનરોચ્ચાર કર્યો, સાથે સાથે કેન્દ્ર સરકારનો મત પણ જાહેર કર્યો. સુપ્રીમ કોર્ટે કોલેજિયમની ભલામણો અંગે કેન્દ્ર સરકારની આપત્તિઓ જાહેર કરી હોય તેવું કદાચ ભાગ્યે જ બન્યુ છે.
સૌરભ કિરપાલની નિમણુંકનો મદ્દો 5 વર્ષથી પેન્ડિંગ
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળના ત્રણ સભ્યોના કોલેજિયમે જણાવ્યું હતું કે, સૌરભ કિરપાલની દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવાની ભલામણ પાંચ વર્ષ કરતા વધારે સમયથી પેન્ડિંગ છે. તેમની નિમણૂકની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવાની જરૂર છે. જસ્ટિસ ચંદ્રચુડની સાથે જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ કૉલેજિયમમાં છે.

સરકારે ફેર વિચારણા માટે ભલામણ પરત મોકલી હતી
કેન્દ્ર સરકારે ‘સમલૈંગિક’ વકીલ સૌરભ કિરપાલને તેમના સેક્સ્યૂલિટી અંગેની મુક્ત વિચારધારાને કારણે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાનો પ્રસ્તાવ પરત મોકલ્યો હતો. કેન્દ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો કે વકીલ સૌરભ કિરપાલના સમલૈંગિક અધિકારો સાથેના “જોડાણ”ને કારણે પક્ષપાતની શક્યતાને નકારી શકાય નહીં. તેથી કેન્દ્રએ આ પ્રસ્તાવને ફેર વિચારણા માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને પરત મોકલ્યો હતો. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રના આ વાંધાઓ સાથે અસહમતિ વ્યક્ત કરી છે.
‘સમલૈંગિક’ સિનિયર એડવોકેટ સૌરભ કિરપાલ કોણ છે
- નામઃ સૌરભ કિરપાલ
- જન્મ અને સ્થળઃ 18 એપ્રિલ, 1972 (દિલ્હી)
- Siblings
- ઉંમરઃ 50 વર્ષ
- નાગરિકતાઃ ભારતીય
- પિતા-માતાઃ ભુપિન્દ્ર નાથ કિરપાલ (ભારતના 31માં ચીફ જસ્ટીસ – મે 2002થી નવેમ્બર 2002), અરુણા કિરપાલ
- અભ્સાયઃ દિલ્હીના સેન્ટ. સ્ટીફન્સ કોલેજમાં B.Scનો અભ્યાસ કર્યા બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કાયદામાં અંડરગ્રેજ્યુએશન કર્યુ અને ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો.
- લૈંગિકતાઃ સમલૈંગિક
- લેખનઃ Sex and the Supreme Court, Fifteen judgments – Cases That shaped india’s Financial landscape
LGBTQ+ એક્ટિવિસ્ટ અને લેખક છે સૌરભ કિરપાલ
સિનિયર એડવોકેટ સૌરભ કિરપાલ LGBTQ+ એક્ટિવિસ્ટ અને લેખક છે, તેમણે ઘણી પુસ્તકો પણ લખી છે. વર્ષ 2021માં દેશના પહેલા સમલૈંગિક સિનિયર એડવોકેટ હોવાના લઇને તેઓ ચર્ચામાં આવ્યા હતા અને આ જ કારણ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણુંકમાં સૌથી મોટો અવરોધ હોવાનું જણાય છે.
દેશમાં કલમ-377 નાબૂદ કરવામાં મોટું યોગદાન
વર્ષ 1990ના દાયાદમાં ભારત પરત આવવાની પહેલા સૌરભ કિરપાલે થોડોક સમય માટે જીનિવામાં સંયુક્ત રાષ્ટ્રની સાથે પણ કામગીરી કરી હતી. ભારત પરત આવ્યા બાદ તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને કેટલાંક મહત્વપૂર્ણ કેસો પણ લડ્યા, જેમાં મોટાભાગના કાયદાકીય, બિઝનેસ, ફોજદારી અને ક્રિમિનલ હતા.
વર્ષ 2021માં પહેલીવાર ન્યાયાધીશ માટે ભલામણ કરાઇ
સૌરભ કિરપાલે પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીની ચેમ્બરમાં જુનિયર એડવોકેટ તરીકે પણ કામગીરી કરી હતી. દિલ્હી હાઇકોર્ટના 31 ન્યાયાધીશોની સર્વ સહમતિ બાદ માર્ચ 2021માં સૌરભ કિરપાલને સિનિયર એડવોકેટ તરીકે પ્રમોટ કરાયા હતા. સૌરભ કિરપાલે ભારતમાં LGBTQ+ (એલજીબીટીક્યુ)ના અધિકારોની લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે આપેલા એક ઐતિહાસિક ચુકાદા જેમાં સમલૈંગિક યૌન સંબંધોને અપરાધની શ્રૈણીમાં બહાર કર્યો હતો, તે કેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સ્વીસ નાગરિક સાથે રિલેશનશિપમાં છે સૌરભ કિરપાલ
અત્રે નોંધનિય છે કે, સૌરભ કિરપાલ લાંબા સમયથી એક સ્વીસ નાગરિક સાથે રિલેશનશીપમાં છે. તેના પાર્ટનર નિકોલર જર્મેન સ્વિત્ઝર્લેન્ડના હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ છે અને સ્વિસ ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સમાં કામ કરે છે.