હિજાબ વિવાદ, નોટબંધી સહિત 8 મહત્વપૂર્ણ કેસોમાં સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, જે 2024ની દિશા નક્કી કરશે

Supreme Court Rulings : વર્ષ 2024ની લોકસભા ચૂંટણી (loksabha Election 2024) પહેલા લગભગ 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) વર્ષ 2023માં જમ્મુ-કાશ્મીર સીમાંકન, નોટબંધી, હિજાબ વિવાદ, મથુરા-કાશીના ધાર્મિંક સ્થળના વિવાદ સહિત 8 મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો (supreme court judgement) આપી શકે છે જેની ઉંડી રાજકીય અસર થશે

Written by Ajay Saroya
December 27, 2022 19:26 IST
હિજાબ વિવાદ, નોટબંધી સહિત 8 મહત્વપૂર્ણ  કેસોમાં સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, જે 2024ની દિશા નક્કી કરશે

(શૈલેન્દ્ર ગૌતમ) વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટના ઘણા ચૂકાદાઓ આવવાના છે, જેની અસર સમગ્ર દેશની રાજનીતિ પર પડી શકે છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થયા વિના રહી શકશે નહીં. નોંધનિય છે કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા લગભગ 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. લોકસભાની કુલ સંખ્યાના 17 ટકા એટલે કે 93 સાંસદો આ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પૈકી ઘણા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી પ્રભાવિત થવાની છે. સુપ્રીમ કોર્ટના આ આઠ ચુકાદાઓ પર બધાની નજર રહેશે…

જમ્મુ અને કાશ્મીરના સીમાંકન પર ગમે ત્યારે આવી શકે છે ચૂકાદો

જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદિત કલમ- 370 હટાવ્યા બાદ ત્યાનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. અહીં સરકારે નવેસરથી સીમાંકન કરીને ઘણો ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો છે. નવી પેટર્નમાં જમ્મુમાં 43 અને કાશ્મીર ઘાટીમાં 47 બેઠકો છે. જો પીઓકેને આવરી લેવામાં આવે તો બેઠકો 114 સુધી પહોંચી જાય છે. સીમાંકનને પડકારતી પિટિશન અંગે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાઓ હાલ પેન્ડિંગ છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી બે અરજીઓમાં સીમાંકન ખોટું હોવાનું કહેવાયું છે. જો કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને ચૂંટણી પંચ તેમના પગલાને યોગ્ય માને છે. પરંતુ આ મામલે હાલ સંપૂર્ણ સત્તા સુપ્રીમ કોર્ટના હાથમાં છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે ચુકાદો 1 ડિસેમ્બર સુધી અનામત રાખ્યો હતો. હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો નવા વર્ષે ગમે ત્યારે આવી શકે છે. તેની અસર જમ્મુ-કાશ્મીર સહિત વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર પડ્યા વિના રહેશે નહીં.

હિજાબ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપશે

વર્ષ 2022માં હિજાબ વિવાદ હેડલાઇનમાં રહ્યો છે. કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ સમુદાયે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયની નિંદા કરી છે. કર્ણાટક હાઈકોર્ટે ભાજપ સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો, પરંતુ હવે આ મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો લેવાનો છે અને વર્ષ 2023માં તેનું જજમેન્ટ આવી શકે છે. આ ઘટનાક્રમ બહુ જ મહત્વપૂર્ણ બની રહેશે.

પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ- 1991નું અર્થઘટન કરશે સર્વોચ્ચ અદાલત

પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991 (ધાર્મિક સ્થળોનો કાયદો -1991) અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલ મથુરા, કાશીના ધાર્મિંગ સ્થળનો વિવાદ સતત ચાલી રહ્યો છે. આ કાયદામાં ફેરફાર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દેશમાં મંદિર-મસ્જિદ વિવાદ એક નવું સ્વરૂપ લઈ શકે છે. નોંધનિય છે કે, પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ- 1991માંથી રામ મંદિરને બાકાત રાખવામાં આવ્યું હતું. રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે અને હવે કાશી, મથુરાના ધાર્મિં સ્થળો માટે તૈયારી કરી રહ્યા છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચૂંટણી પંચમાં કેન્દ્રની ભૂમિકા અંગે નિર્ણય લેવાશે

સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2023માં આપવામાં આવનાર ચૂકાદાની ઘણી અસર થઈ શકે છે. ડીવાય ચંદ્રચુડ ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા બાદ, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલે પણ તેનો ચૂકાદો આવવાનો બાકી છે. જો સુપ્રીમ કોર્ટના ચૂકાદા કેન્દ્રની ઇચ્છા અનુસાર નહીં હોય તો વર્ષ 2024માં તેની ઉંડી અસર પડશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ એક બંધારણીય પદ છે. આમાં સરકારની દખલગીરી યોગ્ય નથી. પિટિશનમાં એવી માગણી કરવામાં આવી છે કે ચૂંટણી કમિશનરની નિમણૂક એવી જ રીતે થવી જોઈએ જે રીતે સીબીઆઈ કે અન્ય મહત્ત્વની જગ્યાઓ પર સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

મોદી સરકારની નોટબંધી યોગ્ય કે અયોગ્ય, સુપ્રીમ કોર્ટ નક્કી કરશે

મોદી સરકારે વર્ષ 2016માં કરેલી નોટબંધીના નિર્ણય અંગે વ્યાપક ચર્ચા થઈ હતી. યોગ્ય – અયોગ્યને લઈને આજે પણ ચર્ચાઓ થઇ રહી છે અને હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. વર્ષ 2016ની નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 2023માં પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. બંધારણીય ખંડપીઠ આ કેસની સુનાવણી 7 ડિસેમ્બરે પૂર્ણ કરી દીધી છે. અદાલતના ચૂકાદાની સરકાર પર ઉંડી અસર થશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકારની તરફેણમાં આવે તો વાંધો નથી, પરંતુ જો તે ઇચ્છા અનુસાર નહીં આવે તો અન્ય નિર્ણયો અંગે પણ બુમાબુમ શરૂ થઇ જશે.

આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત અંગેનો ચુકાદો પેન્ડિંગ

આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવા અંગે વિવાદ ચાલી રહ્યો છે. તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને કહ્યું છે કે જેમને આર્થિક માપદંડના આધારે અનામત આપવામાં આવી રહી છે તેઓ તેના હકદાર નથી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય ખંડપીઠ ત્રણ-બે બહુમતીથી કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું હતું. પરંતુ હવે તેમણે ડીએમકેની અરજી અંગે ચૂકાદો આપવો પડશે. જો નિર્ણય કેન્દ્રની તરફેણમાં નહીં હોય તો તેની અસર વર્ષ 2024માં જોવા મળી શકે છે.

ઉપરાંત અન્ય બે કેસોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મહત્ત્વપૂર્ણ રહેશે. બંધારણીય ખંડપીઠે મહત્વના હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓના નિવેદનો અંગે ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે વર્ષ 2023માં ચુકાદો આવશે. ઉપરાંત CRPCની કલમ-319નું બંધારણીય ખંડપીઠ દ્વારા અર્થઘટન કરવું પડશે. સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે કે અપરાધિક ફોજદારી કેસમાં દોષિત ઠરાવ્યા બાદ પણ તે કેસમાં નવી વ્યક્તિને આરોપી બનાવી શકાય કે નહીં?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ