ED director SK Mishra : સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો આપતા કહ્યું કે સરકાર દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના ડાયરેક્ટર સંજય મિશ્રાને આપવામાં આવેલ એક્સટેન્શન ખોટું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે 2021માં એનજીઓ કોમન કોઝના કેસમાં તેમના દ્વારા આપવામાં આવેલા ચુકાદાની આ કેસમાં ઘોર અવગણના કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે સંજય મિશ્રા ફક્ત 31 જુલાઇ સુધી જ ઇડી ડાયરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી શકે છે.
તો બીજી તરફ કેન્દ્ર સરકાર સંજય મિશ્રાને આપવામાં આવેલા એક્સ્ટેન્શનને એમ કહીને યોગ્ય ઠેરવી રહી છે કે તેમની જગ્યાએ અન્ય કોઇ અધિકારી મળ્યા નથી. સરકારનું કહેવું છે કે FATF જેવા કેસમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. મિશ્રા પોતે આ મુદ્દે કામ કરી રહ્યા છે. સરકારે એમ પણ કહ્યું હતું કે સંજય મિશ્રાની જવાબદારી અન્ય લાયકાત ધરાવતા અધિકારીને સોંપવાની છે. આ માટે તેમને થોડો સમય જોઈએ છે. સરકારની દલીલ પર વિચાર કર્યા બાદ કોર્ટે સંજય મિશ્રાને 31 જુલાઈ સુધી કામ કરવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો – કલમ 370 રદ કરવાના મામલાને પડકારતી અરજીઓ : સુપ્રીમ કોર્ટ 2 ઓગસ્ટથી સુનાવણી શરૂ કરશે
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કરવામાં આવેલા ફેરફારોને મંજૂરી આપી દીધી છે. આ સુધારા દ્વારા કેન્દ્ર સરકારે એવી જોગવાઈ કરી છે કે ઈડી અને સીબીઆઈ જેવી એજન્સીઓના ડિરેક્ટર્સને પાંચ વર્ષ સુધીનું એક્સટેન્શન આપી શકાય. કોર્ટે કહ્યું કે આવા અધિકારીઓની નિમણૂક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવે છે. અધિકારીઓને જનહિતમાં એક્સટેન્શન આપી શકાય, પરંતુ આવું કેમ કરવામાં આવ્યું આ વાત સરકારને લેખિતમાં આપવી પડશે.
જસ્ટિસ બી આર ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની બેન્ચ ઈડીના ડિરેક્ટરને આપવામાં આવેલા એક્સટેન્શનનો વિરોધ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કરવામાં આવેલા ફેરફારોને પણ પડકારવામાં આવ્યા હતા. આ અરજી કોંગ્રેસના નેતા જયા ઠાકુર, રણદીપ સુરજેવાલા, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, સાકેત ગોખલે તરફથી દાખલ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે પાછલી સુનાવણી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.





