ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે અને દરેક રાજકીય પક્ષે ચૂંટણી જીતવા માટે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડ અંગે વિવાદ સર્જાયો છે. આ વિવાદના ઉકેલ માટે દેશની સર્વોચ્ચ અદાલતે બે રાજ્યોની ચૂંટણીના માહોલ વચ્ચે પણ ઇલેક્ટ્રોલ બોન્ડના વેચાણનો સમયગાળો વધારવા વિરુદ્ધ દાખલ થયેલી અપીલ પર સુનાવણી કરવા સહમત થઇ ગઇ છે.
સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે
આ કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સોમવારે 14 નવેમ્બરે કહ્યું કે, તેઓ ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમને પડકારતી અપીલની સુનાવણી હાથ ધરશે. જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઈલેક્ટોરલ બોન્ડના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું આ અવલોકન સિનિયર વકીલ અનૂપ ચૌધરીએ ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ સંબંધિત તાજેતરના નોટિફિકેશન વિરુદ્ધ દાખલ કરેલી નવી અરજીમાં કરવામાં આવ્યું હતું.

હકીકતમાં, સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં 2018ની સ્કીમમાં સુધારો કરવામાં આવ્યો હતો. જેથી બોન્ડના વેચાણ માટે વધારાના 15 દિવસનો સમય આપી શકાય. આવી સ્થિતિમાં અનૂપ ચૌધરીએ કહ્યું કે આ સ્કીમ વિરુદ્ધ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે આ નોટિફિકેનને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવી હતી. બીજી તરફ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ચૌધરીની આ અરજી પર સુનાવણી માટે સહમત થતા કહ્યું કે અમે તે સુનાવણી કરીશું.
નોંધપાત્ર બાબત એ છે કે ફાઇનાન્સ એક્ટ- 2017ની જોગવાઈઓને પડકારતી કેટલીક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તો બીજી બાજુ માર્ચ 2021માં સુપ્રીમ કોર્ટે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઇલેક્ટ્રોલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધ માટે દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી.
ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે?
ઇલેક્ટ્રોલ બોન્ડ એ પ્રોમિસરી નોટ અથવા બેરર બોન્ડની પ્રકૃતિનું એક મની ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે કોઈપણ વ્યક્તિ, કંપની, પેઢી અથવા વ્યક્તિઓના સંગઠન દ્વારા ખરીદી શકાય છે, જો કે તે વ્યક્તિ ભારતનો નાગરિક અને જે-તે સંસ્થા ભારતમાં સ્થપાયેલી હોવી જરૂરી છે.
ઇલેક્ટ્રો બોન્ડ એટલે એક એવો બોન્ડ જેના પર એક ચલણી નોટની જેમ તેની વેલ્યૂ અથવા મૂલ્ય લખેલું હોય છે. આ બોન્ડનો ઉપયોગ વ્યક્તિઓ, કંપની – સંસ્થા અને સંસ્થાઓ વતી રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકે છે. સૌ પ્રથમવાર ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 1 થી 10 માર્ચ 2018 દરમિયાન થયું હતું.

ફાઈનાન્સ એક્ટ 2017 હેઠળ ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરબીઆઈ એક્ટ, ઈન્કમ ટેક્સ એક્ટ અને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટમાં સુધારો કરીને આવા બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. બીજા શબ્દો કહીયે તો ઇલેક્ટ્રોલ બોન્ડ એ રાજકીય પક્ષો માટે નાણાંકીય ભંડોળ ઉભું કરવાનું એક માધ્યમ છે.
ઇલેક્ટ્રોલ બોન્ડની વિશેષ બાબતોઃ-
- ઇલેક્ટ્રોલ બોન્ડ SBIની દેશમાં આવેલી કેટલીક પસંદગીની બ્રાન્ચો પર જ ઉપલબ્ધ હોય છે
- ઇલેક્ટ્રોલ બોન્ડ તેવી વ્યક્તિઓ અને સંસ્થાઓ જ ખરીદી શકે છે જેમના એકાઉન્ટ KYC વેરિફાઈડ હોય છે
- બોન્ડ ખરીદનારે બોન્ડની ખરીદીની તારીખથી 15 દિવસની અંદર તેમની પસંદગીના પક્ષને બોન્ડ્સ સોંપવાના હોય છે
- રાજકીય પક્ષ આવા ઇલેક્ટ્રોલ બોન્ડને વેરિફાઈડ બેંક ખાતા દ્વારા રોકશે
- ઇલેક્ટ્રોલ બોન્ડમાં દાન આપનારનું નામ હશે નહીં અને તેની વિગતો બેંક પાસે જ રહેશે
- આવા ઇલેક્ટ્રોલ બોન્ડ પર બેન્કો કોઈ જ વ્યાજ ચૂકવતી નથી.
- કેન્દ્ર સરકારની સૂચના મુજબ દરેક ત્રિમાસિકની શરૂઆતમાં 10 દિવસ માટે બોન્ડ ખરીદી શકાય છે
- ઇલેક્ટ્રોલ બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરના પહેલા 10 દિવસોમાં ખરીદી શકાય છે
ગુજરાતને 5 વર્ષમાં 343 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ વેચાયા
વર્ષ 2017-18થી રાજકીય પક્ષો માટે ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા નાણાંકીય ભંડોળ ઉભું કરવાની મંજૂરી અપાઇ છે. ગુજરાત માટે ગાંધીનગર સેક્ટર-10માં આવેલી એસબીઆઇની ઝોનલ કચેરીથી ઇલેક્ટ્રોલ બોન્ડનું વેચાણ કરાય છે. એક આરટીઆઇની માહિતી અનુસાર ગુજરાતમાં પાછલા નાણાંકીય વર્ષે 114.5 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ વેચાયા હતા. આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 343 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ વેચવામાં આવ્યા છે.





