નવેમ્બર 2016મા એકાએક મોદી સરકારે જાહેર કરેલી નોટબંધી સૌને યાદ છે. આ નોટબંધીથી દેશના અર્થતંત્ર અને સરકારને કોઇ ફાયદો થયો કે નહીં તે ચર્ચાનો વિષય છે. નોટબંધીના નિર્ણયની સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે અને તેની સમીક્ષા કરવાની વાત જણાવી છે. નોંધનિય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકાર દ્વારા એકાએક જાહેર કરાયેલી નોટબંધીએ લોકોને બેન્કોની લાંબી લાઇનોમાં ઉભા કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે નોટબંધી મામલે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને નોટિસ પાઠવી છે.
દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ આદેશમાં બુધવારે સ્પષ્ટતા કરી કે, તે સરકારના નીતિગત નિર્ણયોની ન્યાયિક સમીક્ષા અંગેની ‘લક્ષ્મણ રેખા’ને સારી રીતે જાણે છે, પરંતુ તે 2016ના નોટબંધીના નિર્ણયની ચોક્કસપણે સમીક્ષા કરશે. કોર્ટે કહ્યું કે, અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું આ મામલો માત્ર ‘શૈક્ષણિક’ કવાયત તો ન હતી. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં જ એકાએક નોટબંધી જાહેર કરવામાં આવી હતી, જેમાં મોટા મૂલ્યની 500 રૂપિયા અને 1000 રૂપિયાની ચલણી નોટોની માન્યતા રદ કરીને તેને અર્થતંત્રમાંથી પાછી ખેંચવામાં આવી હતી.
નોટબંધી મામલે કેન્દ્ર સરકાર અને RBIને નોટીસ
સુપ્રીમ કોર્ટે નોટબંધી મામલે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને નોટિસ પાઠવી છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને આગામી 9 નવેમ્બર સુધીમાં જણાવવા આદેશ કર્યો છે કે, કયા કાયદા હેઠળ 1000 અને 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? સર્વોચ્ચ અદાલેત કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને સોગંદનામામાં પોતાનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
અરજદારોની દલીલ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટની કલમ 26(2) સરકારને કોઈપણ ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ કરવા માટે અધિકૃત કરતી નથી. કલમ 26(2) કેન્દ્રને ચોક્કસ સિરિઝની ચલણી નોટોને રદ કરવાની સત્તા આપે છે અને તમામ ચલણી નોટોને નહીં. હવે સરકાર અને રિઝર્વ બેન્કે તેનો જવાબ આપવો પડશે.
જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે, જ્યારે કોઈ કેસ બંધારણીય બેંચ સમક્ષ લાવવામાં આવે છે, ત્યારે તેનો જવાબ આપવો તેમની જવાબદારી બની જાય છે. ખંડપીઠે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકને 500 રૂપિયા અને 1000 રૂપિયાની ચલણી નોટોને બંધ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ ખંડપીઠમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરથના પણ સામેલ હતા.
આ કેસ પર પોતાનો મત રજૂ કરતા એટર્ની જનરલ આર. વેંકટરામણીએ કહ્યું કે, જ્યાં સુધી નોટબંધી સંબંધિત કાયદાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પડકારવામાં નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો ચોક્કસપણે શૈક્ષણિક રહેશે. જાહેર હિતમાં મોટા મૂલ્યની ચલણી નોટોને ડિમોનેટાઇઝ કરવા અને અર્થતંત્ર માટે હાનિકારક નાણાંના ગેરકાયદેસર ટ્રાન્સફરને રોકવા માટે 1978માં ડિમોનેટાઇઝેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે આ કવાયતને શૈક્ષણિક અથવા નિરર્થક જાહેર કરવા માટે કેસની તપાસ જરૂરી છે. કારણ કે બંને બાબતો પર સહમત થઈ શકતા નથી. બંધારણીય બેંચે કહ્યું, “આ કવાયત શૈક્ષણિક છે કે નહીં અથવા ન્યાયિક સમીક્ષાના દાયરાની બહાર છે, તે બાબતનો જવાબ આપવા માટે, અમારે તેની સુનાવણી કરવી પડશે. સરકારની નીતિ અને તેની શાણપણ આ બાબતનું એક પાસું છે.”
સોલિસિટર જનરલે કહ્યું કે શૈક્ષણિક મુદ્દાઓ પર કોર્ટના સમયને “બરબાદ” કરવો જોઈએ નહીં.
આ ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, અમે હંમેશાથી જાણીએ છીએ કે ‘લક્ષ્મણ રેખા’ ક્યાં છે, પરંતુ તે જે રીતે કરવામાં આવી હતી તેની તપાસ થવી જોઈએ. નિર્ણય લેવા માટે અમારે વકીલને સાંભળવું પડશે.” કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, શૈક્ષણિક મુદ્દાઓ પર કોર્ટનો સમય “બગાડવો” જોઈએ નહીં. મહેતાની રજૂઆત સામે વાંધો ઉઠાવતા, અરજદાર વિવેક નારાયણ શર્મા તરફથી હાજર રહેલા સિનિયર વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે તેઓ “બંધારણીય બેંચના સમયનો બગાડ” જેવા શબ્દોથી આશ્ચર્યચકિત છે, કારણ કે અગાઉની બેન્ચે આ બાબતોને બંધારણીય બેંચ સમક્ષ મૂકવી જોઈએ તેવું જણાવ્યું હતું. .
એક અન્ય પક્ષકાર તરફથી હાજર રહેલા સિનિયર વકીલ પી. ચિદમ્બરમે કહ્યું કે, આ બાબત શૈક્ષણિક નથી અને તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવાનું છે. તેમણે કહ્યું કે આવી નોટબંધી માટે સંસદમાંથી અલગ કાયદાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 9 નવેમ્બર, 2022ની તારીખ નક્કી કરી છે.
16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસને પાંચ ન્યાયાધીશોની ખંડપીઠને મોકલી આપ્યો હતો.
તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 16 ડિસેમ્બર, 2016ના રોજ નોટબંધીના નિર્ણયની કાયદેસરતા અને અન્ય બાબતો સાથે સંબંધિત પ્રશ્નો પાંચ જજની બંધારણીય બેંચને મોકલ્યા હતા. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે તે સમયે કહ્યું હતું કે, 2016ની નોટિફિકેશન ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 હેઠળ કાયદેસર રીતે જારી કરવામાં આવી હતી, પરંતુ સવાલ એ હતો કે – શું તે બંધારણની કલમ 14 અને 19ની વિરુદ્ધ હતી?
કલમ 300(એ) જણાવે છે કે- કોઈપણ વ્યક્તિને કાયદેસર રીતે સુરક્ષિત તેની મિલકતથી વંચિત રાખવામાં આવશે નહીં. એક મુદ્દાનો ઉલ્લેખ કરતાં, બેન્ચે કહ્યું હતું કે, “શું બેંક ખાતાઓમાં જમા રકમમાંથી રોકડ ઉપાડવાની મર્યાદા માટે કાયદામાં કોઈ આધાર છે અને શું તે કાયદાની કલમ 14ની કલમ 14, 19 અને 21નું ઉલ્લંઘન કરે છે?” જ્યારે કલમ- 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત છે અને કલમ-21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટેના મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે.