Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના ખમ્મમમાં ભાજપની રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં સત્તારૂઢ બીઆરએસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સિવાય તેમના નિશાને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસ પણ રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે આ વખતે તેલંગાણામાં ભાજપના મુખ્યમંત્રી બનશે.
ઓવૈસીના હાથમાં કેસીઆરની કારનું સ્ટિયરિંગ : અમિત શાહ
અમિત શાહે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર પ્રહાર કરતા કહ્યું કે આજે હું કેસીઆરને કહેવા આવ્યો છું કે તેલંગાણા મુક્તિ સંગ્રામમાં તેલંગાણાના યુવાનોએ પોતાનો જીવ આપ્યો છે. રજાકારો સાથે બેસવા માટે જીવ આપ્યો નથી. 8-9 વર્ષોથી ઓવૈસી સાથે બેસીને કેસીઆરએ તેલંગાણાના મુક્તિ સંગ્રામના શહીદોનું સપનું રોળ્યા છે. ઓવૈસીના હાથમાં કેસીઆરની કારનું સ્ટિયરિંગ છે.
અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એક 4જી પાર્ટી છે – જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને હવે રાહુલ ગાંધી. કેસીઆરની પાર્ટી 2જી પાર્ટી છે – કેસીઆર અને હવે કેટીઆર. ઓવૈસીની પાર્ટી 3જી પાર્ટી છે, તે ત્રણ પેઢીથી ચાલી રહી છે. આ વખતે અહીં ના તો 4જી આવશે, ના 3જી આવશે કે ના 2જી આવશે, આ વખતે અહીં ભાજપ આવશે.
આ પણ વાંચો – પહેલા મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ અને હવે બિહારમાં ચૂંટણી લડશે AAP, કેજરીવાલની મહત્વકાંક્ષા INDIA ગઠબંધનને ડુબાડશે!
કેસીઆર સરકાર પર નિશાન સાધતા અમિત શાહે વધુમાં કહ્યું કે કેસીઆરે ગરીબોને ઘર આપવાનું વચન આપ્યું હતું. તેમણે સમાજના વિવિધ વર્ગોને ઘણા વચનો આપ્યા હતા. જોકે તે છેલ્લા નવ વર્ષમાં કોઇ પણ વાયદો પૂરો કરી શક્યા નથી.
ખડગે સાહેબ ખોટું ન બોલોઃ અમિત શાહ
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ તેલંગાણા આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણી બાદ ભાજપ અને કેસીઆર ભેગા થશે. તેમણે આગળ કહ્યું કે તમે ખડગે સાહેબ સાથે જૂઠું કેમ બોલો છો, તમે પણ જાણો છો કે કેસીઆર સાથે ઓવૈસી બેઠા છે. હું તમને કહેવા આવ્યો છું કે ભાજપ કેસીઆર અને ઓવૈસી સાથે ક્યારેય નહીં જાય. અમે મજલિસ સાથે એક પણ મંચ પર બેસી શકીએ તેમ નથી, સત્તાની તો વાત જ જવા દો.





