Sreenivas Janyala : તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપે રાજ્યમાં પ્રવર્તમાન મુસ્લિમ અનામતનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને ગેરબંધારણીય ગણાવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરવામાં આવશે. સોમવારે જનગાંવમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે ભાજપ તેલંગાણાના લોકોની પાર્ટી છે. જ્યારે ભાજપ તેલંગાણામાં સરકાર બનાવશે, ત્યારે અમે ગેરબંધારણીય 4% મુસ્લિમ અનામત ખતમ કરીશું. તેમણે 30 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર આવે તો સીએમ તરીકે પછાત વર્ગના નેતાની નિમણૂક કરવાની ભાજપની પ્રતિજ્ઞા ફરી દોહરાવી હતી.
ગયા શનિવારે ગડવાલમાં એક રેલીમાં તેમના ભાષણમાં શાહે વચન આપ્યું હતું કે જો ભાજપ ચૂંટણી જીતશે, તો ધર્મ-વર્ગ આરક્ષણ નાબૂદ કરવામાં આવશે અને અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST)ના કોટા વધારવામાં આવશે. તેમણે કોંગ્રેસ અને શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર “પછાત વર્ગ વિરોધી” પક્ષો હોવાનો પણ આરોપ મૂક્યો અને દાવો કર્યો કે માત્ર ભાજપ જ પછાત વર્ગોને લાભ આપી શકે છે.
ગયા શનિવારે હૈદરાબાદમાં બહાર પાડવામાં આવેલા ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો સામેલ હતો. જેમાં ઘણી મફત સુવિધાઓ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના અમલીકરણનું પણ વચન આપવામાં આવ્યું હતું.
પાર્ટીના મેનિફેસ્ટોનું શીર્ષક “સકલા જનુલા સૌભાગ્ય તેલંગાણા (લોકોનું કલ્યાણ)” છે. બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જણાવે છે કે ભાજપ “ગેરબંધારણીય” ધર્મ આધારિત આરક્ષણો દૂર કરશે, જેમાં સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે 4% ક્વોટા અને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી ઢંઢેરોમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ કોટા OBC, SC અને STને આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પાર્ટી રાજ્ય માટે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરશે.
કોંગ્રેસની લઘુમતી માટેની ઘોષણા
9 નવેમ્બરના રોજ તેલંગાણા કોંગ્રેસે ચૂંટણી માટે તેનો “લઘુમતી મેનિફેસ્ટો” બહાર પાડ્યો હતો. જેમાં રાજ્યનું વાર્ષિક લઘુમતી કલ્યાણ બજેટ વધારીને રૂ. 4,000 કરોડ કરવાનું વચન આપ્યું હતું. પાર્ટીએ રાજ્યમાં સત્તા પર આવ્યાના છ મહિનાની અંદર જાતિ ગણતરી કરાવવાનું પણ વચન આપ્યું હતું. “લઘુમતી ઘોષણા” માં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ લઘુમતીઓ સહિત તમામ પછાત વર્ગો માટે નોકરીઓ, શિક્ષણ અને સરકારી યોજનાઓમાં યોગ્ય અનામતની ખાતરી કરશે.
કોંગ્રેસ, BRS, AIMIMનું સ્ટેન્ડ
અમિત શાહે આ વર્ષે એપ્રિલમાં હૈદરાબાદની હદમાં ચેવેલામાં એક રેલીમાં પહેલીવાર મુસ્લિમ આરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો તે પછી તરત જ, કોંગ્રેસ તેમજ BRS અને AIMIMએ તેમના પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચને કમજોર કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમની સમક્ષ કેસ પેન્ડિંગ છે.
આ પણ વાંચો – રાજસ્થાનમાં રાહુલ ગાંધીનો કટાક્ષ, આપણા યુવકો વર્લ્ડ કપ જીત ગયા હોત પણ પનોતીએ હરાવી દીધા
તેલંગાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી મોહમ્મદ અલી શબ્બીરે કહ્યું છે કે BC-E શ્રેણી હેઠળ સામાજિક અને આર્થિક રીતે પછાત મુસ્લિમો માટે નોકરીઓ અને શિક્ષણમાં 4% મુસ્લિમ ક્વોટા તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું છે કે 2004માં સંયુક્ત આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ તત્કાલીન સીએમ વાયએસ રાજશેખર રેડ્ડી સરકાર દ્વારા જાહેર કરાયેલ 4% મુસ્લિમ અનામત – મુસ્લિમોમાં માત્ર 14 સામાજિક અને આર્થિક રીતે પછાત જૂથોને આવરી લે છે. જેમની ઓળખ પછાત વર્ગ આયોગ દ્વારા કરવામાં આવી છે.
‘ભાજપ નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે’
શબ્બીરે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવા અને સાંપ્રદાયિક નફરત ભડકાવવા માટે આવા પ્રયાસો કરી રહ્યા છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે શાહની ટિપ્પણીથી ભાજપના “બેવડા ધોરણો” છતા થાય છે. તેમણે કહ્યું કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસમાંદા જેવા પછાત મુસ્લિમો સુધી પહોંચવાની વાત કરે છે અને બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી જાહેરાત કરે છે કે તેઓ મુસ્લિમ આરક્ષણ રદ કરશે.
ઓવૈસીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપને તેલંગાણામાં મુસ્લિમ વિરોધી “દ્વેષયુક્ત ભાષણો” આપવાની જરૂર કેમ છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળના કેન્દ્રએ એકંદર 50% ક્વોટા મર્યાદાને દૂર કરવા માટે કાયદામાં સુધારો કરવો જોઈએ.
બીઆરએસના પ્રવક્તા રવુલા શ્રીધર રેડ્ડીએ કહ્યું કે શાહનું નિવેદન એ સંકેત છે કે ભાજપ કોઈપણ રીતે સત્તા મેળવવા માંગે છે. રેડ્ડીએ કહ્યું કે અમિત શાહે મુસ્લિમ આરક્ષણને ધાર્મિક મુદ્દો બનાવી દીધો છે. તે બંધારણીય અને ગેરબંધારણીય ક્વોટા વચ્ચેનો તફાવત જાણતા નથી, કારણ કે 4% ક્વોટા બંધારણીય છે અને 50% મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી.
એપ્રિલ 2017માં તેના ચૂંટણી વચનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની BRS સરકારે ST ક્વોટા 6% થી વધારીને 10% અને મુસ્લિમો માટે ક્વોટા 4% થી વધારીને 12% કરવા માટે એક બિલ પસાર કર્યું હતું, જે 50% મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. કેન્દ્રની મંજૂરીના ન મળવાના કારણે આ બિલ પેન્ડિંગ છે.
સૌથી મોટું કારણ
તેલંગાણામાં હિંદુઓ 85.10 ટકા, મુસ્લિમો 12.70 ટકા અને ખ્રિસ્તીઓ 1.30 ટકા છે. આ સિવાય શીખ, જૈન અને પારસી જેવા અન્ય સમુદાયોની વસ્તી 0.90 ટકા છે. આવી સ્થિતિમાં, 12.70 ટકા વસ્તી કોઈપણ ચૂંટણીના પરિણામ પર મોટી અસર કરી શકે છે.





