Telangana CM Revanth Reddy Cabinet : તેલંગાણા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અનુમુલા રેવંત રેડ્ડીએ રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેવંત રેડ્ડીની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. 56 વર્ષીય નેતાનો શપથ ગ્રહણ સમારોહ વિશાળ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં યોજાયો હતો. ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓમાં દામોદર રાજા નરસિમ્હા, ઉત્તમ કુમાર રેડ્ડી, કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી, સીથાક્કા, પોનમ પ્રભાકર, શ્રીધર બાબુ, તુમ્માલા નાગેશ્વર રાવ, કોંડા સુરેખા, જુપલ્લી અને કૃષ્ણા પોંગુલેટીનો સમાવેશ થાય છે. વિધાનસભાની સંખ્યા પ્રમાણે તેલંગાણામાં મુખ્યમંત્રી સહિત 18 મંત્રીઓ હોઈ શકે છે.
શપથ લેનાર 12 મંત્રીઓ કોણ છે?
મલ્લુ ભટ્ટી વિક્રમાર્કઃ વિક્રમાર્ક કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા છે. અનુસૂચિત જાતિના માલા સમુદાયના છે. તેમણે રાજ્યના ખમ્મમ જિલ્લામાં 12માંથી 11 બેઠકો જીતી હતી.
ઉત્તમ કુમાર રેડ્ડીઃ ઉત્તમ કુમાર રેડ્ડીનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં સામેલ હતું. રેડ્ડી પાર્ટીના વફાદાર અને એરફોર્સના ભૂતપૂર્વ પાયલટ છે. તેઓ અત્યાર સુધીમાં સાત વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. રેવંત રેડ્ડી પહેલા તેઓ પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ હતા. ચૂંટણી પહેલા તેઓ તેલંગાણાના નાલગોંડાથી પાર્ટીના લોકસભા સાંસદ હતા. જે બેઠક પરથી તેમણે રાજીનામું આપ્યું હતું.
શ્રીધર બાબુ: કોંગ્રેસના અન્ય વફાદાર શ્રીધર બાબુ પાર્ટીની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ હતા અને તેથી તેઓ એવા વ્યક્તિ છે જે મતદારોને આપેલા વચનોને સમજે છે. તે બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. તેઓ અવિભાજિત આંધ્ર પ્રદેશ સરકારમાં (જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી) ધારાસભ્ય પણ હતા અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી તરીકે સેવા આપી હતી. હવે ધારાસભ્ય તરીકેની તેમની પાંચમી મુદતમાં, મિસ્ટર બાબુએ મંથની બેઠક જીતી હતી, જે તેમણે 1999 અને 2009 વચ્ચે સતત ત્રણ વખત જીતી હતી.
આ પણ વાંચો – રેવન્ત રેડ્ડી : ઉગ્રપણે વફાદાર અને વિશ્વાસુ, તેલંગાણાના નવા મુખ્યમંત્રીની અગ્નિ પરીક્ષા
પોનમ પ્રભાકર: વિદ્યાર્થીકાળથી જ રાજકારણી બનેલા પ્રભાકર કરીમનગરના ભૂતપૂર્વ લોકસભા સાંસદ છે. તેમણે 2009માં આ સીટ જીતી હતી જે અગાઉ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પાસે હતી, પરંતુ 2014માં BRSના BV કુમાર અને 2019માં બીજેપીના બંદી સંજય કુમાર સામે હાર્યા હતા. તે પછાત વર્ગના છે અને ગૌડ સમુદાયમાંથી આવે છે. તેમણે હુસનાબાદ બેઠક જીતી હતી.
કોમાટિરેડ્ડી વેંકટ રેડ્ડી: તે એક અનુભવી રાજકારણી છે. તેઓ કોંગ્રેસના લોકસભા સાંસદ હતા. આ ચૂંટણીમાં તેમને ઉતારવામાં આવ્યા હતા અને તેલંગાણાના મંત્રી બનવા માટે તેમણે સંસદ પદેથી રાજીનામું આપ્યું છે. રેડ્ડીએ નાલગોંડા સીટ જીતી હતી, જે તેમણે 2018માં BRSના KB રેડ્ડી સામે હાર્યા હતા. જોકે આ પહેલા 1999 અને 2009 વચ્ચે ત્રણ વખત જીતી હતી.
દામોદર રાજા નરસિમ્હા: (અવિભાજિત) આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરસિમ્હા ઉચ્ચ શિક્ષણ અને કૃષિ પ્રધાન પણ હતા. તે તેલંગાણાના મેડક પ્રદેશના દલિત નેતા છે. તેમણે એન્ડોલે વિધાનસભા બેઠક જીતી હતી.
પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી: 2014 માં આંધ્ર પ્રદેશની સત્તારૂઢ YSR કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ખમ્મમ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા . તેઓ 2018માં BRS અને આ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. જિલ્લાના મજબૂત નેતા તરીકે તેમની ગણના થાય છે. તેમણે 56,000 થી વધુ મતોથી પલેરુ બેઠક જીતી હતી.
દાના અનસૂયા: સીથક્કાના નામથી લોકપ્રિ અનસૂયા મુલુગ જિલ્લામાં આદિવાસી સમુદાયના સભ્ય છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેને પ્રેમથી પોતાની “બહેન” કહે છે. રસપ્રદ વાત એ છે કે રાજનીતિમાં જોડાતા પહેલા અનસૂયા એક નક્સલવાદી જૂથના સભ્ય હતા. તે એક યુવાન છોકરી તરીકે જોડાયા હતા, પરંતુ મોહભંગ થતાં છોડી દીધું હતું અને હવે તે રાજકીય વિજ્ઞાનમાં પીએચડી સાથે પ્રશિક્ષિત વકીલ છે. તેઓ મુલુગ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.
થુમ્માલા નાગેશ્વર રાવ: અગાઉ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાઉ નાયડુની ટીડીપી સાથે હતા. 2014માં પ્રતિસ્પર્ધી BRSમાં જોડાતા પહેલા રાવ તે પક્ષમાંથી ત્રણ વખત ધારાસભ્ય હતા, જ્યાં તેમણે માર્ગ અને મકાન મંત્રી તરીકે સેવા આપી હતી. આ ચૂંટણી પહેલા તેઓ BRS છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, કારણ કે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. રાવે તેલંગાણાના ખમ્મમ જિલ્લામાંથી વિધાનસભા બેઠક જીતી હતી. અગાઉ તેમણે 2009માં આ જીત મેળવી હતી, જ્યારે તેઓ ટીડીપી સાથે હતા અને જ્યારે તે આંધ્ર પ્રદેશ વિધાનસભાનો ભાગ હતા.
કોંડા સુરેખા: તેલંગાણાના અનુભવી રાજકારણી સુરેખાએ વારંગલ (પૂર્વ) વિધાનસભા બેઠક જીતી હતી. જે તેમણે 2014ની ચૂંટણીમાં પ્રથમ વખત જીતી હતી. પ્રભાવશાળી રીતે તે આઠ ચૂંટણીમાંથી માત્ર બે વખત હારી છે. તેઓ પછાત વર્ગ તરીકે ઓળખાતા પદ્મશાલી સમુદાયના છે.
જુપલ્લી કૃષ્ણ રાવ: 1999 થી સતત પાંચ ટર્મ માટે કોલ્લાપુર વિધાનસભા સીટ પર ચૂંટાયા પહેલા તેમણે બેંક કર્મચારી તરીકે શરૂઆત કરી હતી. પ્રથમ ટર્મ અપક્ષ ઉમેદવાર તરીકે હતી અને છેલ્લી બે (2012 અને 2014માં) વખથ BRSના સભ્ય તરીકે જીતી હતી.
સોનિયા અને રાહુલ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શપથ ગ્રહણમાં હાજરી આપી હતી.
શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકોએ હાજરી આપી હતી.
રેવંત રેડ્ડી ખુલ્લી જીપમાં શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. જેને ફૂલોથી શણગારવામાં આવી હતી. રેડ્ડીએ લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘લોકોની સરકાર’ આજે કાર્યભાર સંભાળશે, જે લોકતાંત્રિક અને પારદર્શક શાસનને મહત્વ આપશે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને હરાવીને 119માંથી 64 બેઠકો જીતી હતી.
રેવંત રેડ્ડી સામે 6 ગેરંટી પૂરી કરવાના પડકાર
- મહિલા-કેન્દ્રિત કલ્યાણ કાર્યક્રમ હેઠળ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગેસ સિલિન્ડર 500 રૂપિયા અને જાહેર પરિવહનમાં મફત મુસાફરી આપવામાં આવશે.
- કોંગ્રેસે 10 લાખનો સ્વાસ્થ્ય વીમો આપવાનું પણ વચન આપ્યું છે.
- 5 લાખ રૂપિયા જમીન અને મકાનના બાંધકામ માટે આપવામાં આવશે.
- ગૃહ જ્યોતિ યોજના હેઠળ, પાત્ર ઘરોને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
- યુવા વિદ્યાર્થીઓને યુવા વિકાસ યોજના હેઠળ 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
- વૃદ્ધો, વિધવાઓ, વિકલાંગો, બીડી કામદારો, સિંગલ મહિલા, વણકર, એઇડ્સ અને ફાઇલેરિયાના દર્દીઓ તેમજ ડાયાલિસિસ કરાવી રહેલા કિડનીના દર્દીઓને દર મહિને રૂ. 4000નું પેન્શન આપવામાં આવશે.