Telangana Assembly Elections 2023 : તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે. મતદાન પહેલા તમામ પાર્ટીઓ રાજ્યમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીને આશા છે કે તે આ વખતે તેલંગાણામાં પહેલીવાર સરકાર બનાવી શકશે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના કારણે હાલ તે સંકટમાં છે. કોંગ્રેસ પાર્ટીએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિધાનસભા ક્ષેત્રથી મોહમ્મદ અઝહરુદ્દીનને મેદાનમાં ઉતાર્યા છે જે પછી કોંગ્રેસમાં હંગામો થયો છે. અહીં પાર્ટીના નિર્ણયથી નારાજ નેતાઓ સતત કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે.
મંગળવારે બે નેતાઓ બીઆરએસમાં જોડાયા
અઝહરને ટિકિટ આપવાથી નારાજ કોંગ્રેસ પાર્ટીના બે નેતા મંગળવારે બીઆરએસમાં સામેલ થયા હતા. આ નેતાઓમાં જ્યુબિલી હિલ્સના પૂર્વ ધારાસભ્ય પી વિષ્ણુવર્ધન રેડ્ડીનો સમાવેશ થાય છે. વિષ્ણુવર્ધનની બહેન વિજયા રેડ્ડીને ખૈરાતાબાદથી કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી છે. હૈદરાબાદ સાથે સંબંધ રાખનાર અઝહર આ પહેલા તેલંગાણાથી ચૂંટણી લડ્યો નથી. તે યુપીના મુરાદાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
વિષ્ણુવર્ધન રેડ્ડી ઉપરાંત નગમ જનાર્દન રેડ્ડી પણ કોંગ્રેસ છોડીને બીઆરએસમાં જોડાયા છે. તેઓ તેલંગાણા રાજ્ય બન્યા પહેલા 1995થી 2004 સુધી આંધ્ર સરકારમાં મંત્રી રહી ચુક્યા છે અને નગરકુર્નૂલથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ મહબૂબનગર જિલ્લાની એક બેઠક પરથી ટિકિટ મેળવવાની આશા રાખી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમ ન થયું ત્યારે તેઓ બીઆરએસમાં જોડાયા હતા. આ પહેલા સોમવારે મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ટિકિટ ન મળતા પાર્ટી કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બીઆરએસએ બંને નેતાઓનું સ્વાગત કર્યું
કોંગ્રેસ છોડનારા બે નેતાઓ વિષ્ણુવર્ધન અને નગમ જનાર્દનને બીઆરએસ સુપ્રીમો અને મુખ્યમંત્રી કેસીઆર દ્વારા પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. બીઆરએસએ વિધાનસભાની 119 બેઠકોમાંથી 116 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એવી સંભાવના ઓછી છે કે તેઓ હવે કોંગ્રેસના લોકો માટે તેમના ઉમેદવારો બદલે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો બીઆરએસમાં જોડાઈ રહ્યા છે તેઓ ચૂંટણી પછી બીઆરએસ પાસેથી એમએલસી બેઠકો અને અન્ય હોદ્દાની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો – રાજસ્થાનમાં ભાજપના આ 5 મોટા ચહેરા, કેટલાકને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી
પૂર્વ ધારાસભ્ય ઇ શેખર, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પોન્નાલા લક્ષ્મીયાએ પણ પાર્ટી છોડી દીધી છે. ઇ શેખર જડચેરલાથી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પોન્નાલા લક્ષ્મીયા જનગાંવથી ટિકિટ ઇચ્છતા હતા.
આ નેતાઓને ટિકિટ ન મળે તો બળવો કરી શકે છે
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જી વેંગલ રાવ (કુક્કટપલ્લી), વેંકટ રેડ્ડી (પાર્કલ), જે રાઘવ રેડ્ડી (વારંગલ), સી કૃષ્ણા રેડ્ડી (મુનુગોડે), એમ સરસ્વતી (અસિફાબાદ) અને સુભાષ રેડ્ડી (યેલારેડ્ડી) ટિકિટ ન મળવા પર કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે.
આ પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં પરત ફરેલા કોમાટીરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીને મુનુગોડેથી ઉમેદવાર બનાવવા પર હંગામો થયો હતો. ગોપાલ રેડ્ડીને ટિકિટ મળવાથી નારાજ કૃષ્ણા રેડ્ડીના સમર્થકોએ સ્થાનિક પાર્ટી કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. અન્ય સ્થળોએથી પણ આવા જ અહેવાલો આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 15 ઓક્ટોબરે તેલંગાણામાં 55 ઉમેદવારોની પ્રથમ યાદી અને 27 ઓક્ટોબરે 45 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.