Telangana New CM : તેલંગાણાના ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યાર પછી મુખ્યમંત્રી પદ માટે સતત સંઘર્ષ ચાલી રહ્યો હતો. જોકે હવે કોંગ્રેસ હાઈકમાન્ડે રેવંત રેડ્ડીના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. હૈદરાબાદમાં સીએલપીની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તેમના સિવાય અન્ય ઘણા ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લઈ શકે છે.
હૈદરાબાદમાં સમર્થકોનું પ્રદર્શન
તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીના સમર્થકોએ મંગળવારે હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન કરીને તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. એક સમર્થકે કહ્યું કે અમારી હવે બીજી કોઈ માંગણી નથી. અમે આટલા લાંબા સમય સુધી ભાજપ અને બીઆરએસ સામે લડ્યા. એક રેવંત રેડ્ડીના કારણે 65 ધારાસભ્યો જીત્યા. અમે ઇચ્છીએ છીએ કે રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી સિવાય બીજું કશું બનાવવામાં ન આવે. રેવંત રેડ્ડીએ આઠ વર્ષ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે તેમના જીવનનો હેતુ કેસીઆર (કે.ચંદ્રશેખર રાવ)ને પદભ્રષ્ટ કરવાનો અને તેમના પરિવારને રાજકારણમાંથી દૂર કરવાનો છે. તેમણે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ વાતને સાચી પાડી છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે રાજ્યમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીએસએસ)ને મોટા અંતરથી ઉખાડી ફેંકી દીધી છે.
આ પણ વાંચો – છત્તીસગઢમાં સીએમ પદ માટે વિષ્ણુદેવ સાયનું નામ આગળ ચાલી રહ્યું છે, શું ભાજપ આદિવાસી ચહેરા પર દાવ લગાવશે?
રેવંત રેડ્ડીએ રાજકીય કારકિર્દીની શરૂઆત એબીવીપીથી કરી હતી
રેવંત રેડ્ડીએ પોતાની રાજનીતિની શરૂઆત એબીવીપીથી કરી હતી. આ પછી તેઓ તેલુગુ દેશમ પાર્ટી, ટીડીપીમાં પણ રહ્યા હતા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને પાર્ટીની જીતના હીરો બન્યા હતા. રેવંત રેડ્ડીએ 2019માં લોકસભાની ચૂંટણી પણ જીતી હતી. તેઓ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ 2018ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. આ પછી વર્ષ 2019માં તેઓ કોંગ્રેસ તરફથી મલકાજગિરીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. 2020માં તેમને મોહમ્મદ અઝહરુદ્દીનની જગ્યાએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
તેલંગાણામાં કોંગ્રેસે 64 બેઠકો જીતી
તેલંગાણાની 119 સીટોમાંથી 64 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. બીઆરએસે 39 બેઠકો પર જીત મેળવી છે. ભાજપનો 8 સીટો પર વિજય થયો છે. AIMIM એ 7 સીટો પર જીત મેળવી છે. કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ 1 બેઠક મળી છે.તેલંગાણામાં કોંગ્રસને 39.40 ટકા વોટ મળ્યા છે. જ્યારે ભારત રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ)ને 37.55 ટકા વોટ મળ્યા છે. બન્ને વચ્ચે વોટ શેરનો તફાવત બે ટકાથી વધારે છે. ભાજપને આ વખતે ગત વખતની સરખામણીએ ડબલ વોટ શેર મળ્યો છે. 2018માં ભાજપનો વોટ શેર 6.98 ટકા હતો, જે આ વખતે 13.90 ટકા થયો છે. એઆઈએમઆઈએમને 2.22 ટકા અને બીએસપીને 1.37 ટકા વોટ મળ્યા છે.