Terrorist Attack On Indian Army Vehicle In Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારતીય સેનાના વાહન પર આતંકવાદી હુમલાની ગંભીર ઘટના બની છે. પુંછ જિલ્લામાં દેહરા કી ગલી પાસે આતંકવાદીઓ દ્વારા સેનાના એક વાહન પર હુમલો કરવામાં આવ્યો છે તેના તેમાં 3 જવાન શહીદ થયા અને 3 સૈનિકો ઘાયલ થયા છે. આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ભારતીય સેના પર આતંકી હુમલાની ઘટનાઓ વધી રહી છે.
નોંધનિય છે કે, એપ્રિલની શરૂઆતમાં પણ પુંછ જિલ્લામાં ઇન્ડિયન આર્મીના વાહન પર “અજાણ્યા આતંકવાદીઓ” દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં ભારતીય સેનાના પાંચ સૈનિકો શહીદ થયા હતા.
સેનાએ ઘટનાસ્થળના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, “હાર્ડ ઇન્ટેલિજન્સનાં આધારે, ગઈકાલે રાત્રે જનરલ એરિયા ડીકેજીમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આજે એન્કાઉન્ટર ચાલુ છે. વધુ વિગતો પાછળથી જણાવવામાં આવશે.”
સૂત્રોએ જણાવ્યું કે એક જીપ્સી અને એક મિની ટ્રક સહિત બે વાહનો સુરનકોટના બફલિયાઝથી રાજૌરીના થાનામંડી તરફ જઈ રહ્યા હતા, જ્યાં 48 રાષ્ટ્રીય રાઈફલ્સનું હેડક્વાર્ટર આવેલું છે.જ્યારે સેનાના વાહનો ટોપા પીરની નીચે પહોંચ્યા, ત્યારે આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો.
આતંકવાદીઓએ રાજૌરી જિલ્લા અને સત્ર ન્યાયાધીશ વીકે ફૂલની તેના મિત્ર અને બે પોલીસ કર્મચારીઓ સાથે તે જ સ્થળે હત્યા કર્યાના બે દાયકા પછી ટોપા પીર નજીક હુમલો થયો છે. આ જૂથ 1 ડિસેમ્બર, 2001ના રોજ રાજૌરીથી પૂંચ જઈ રહ્યું હતું.
દેહરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચેનો વિસ્તાર રાજૌરી અને પુંછ જિલ્લાની સીમા પર સ્થિત મોટાભાગે ગીચ જંગલવાળા વિસ્તારો પૈકીનો એક છે. આ રસ્તો ચમ્રેરના જંગલો અને છેલ્લે ભાટા ધુરિયાના જંગલો તરફ દોરી જાય છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 2011 માં “આતંકવાદ મુક્ત” જાહેર કરાયેલા રાજૌરી અને પૂંચના જોડિયા સરહદી જિલ્લાઓએ ફરીથી આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો જોવાનું શરૂ કર્યું છે.
પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો આ બે જિલ્લામાં આતંકવાદી નેટવર્કને ફરી બેઠા કરવાનો પ્રયાસો કરી રહ્યા છે. સુરક્ષા દળો અને પોલીસે આ મહિનામાં જ નિયંત્રણ રેખા અને અંતરિયાળ વિસ્તારોમાં 27 આતંકવાદીઓને ઢાર કર્યા હતા. જો કે કમનસીબે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 14 જવાનો પણ શહીદ થયા છે.
ઉત્તરી સેનાના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે આ બંને સ્થળોએ ઓછામાં ઓછા 20-25 આતંકવાદીઓ સક્રિય છે.





