Thailand Visa free For Indian : ભારતીયો માટે થાઈલેન્ડ વિઝા ફ્રી : થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે ભારતથી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. મંગળવારે (31 ઓક્ટોબર 2023), સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને આ માહિતી આપી હતી. પીક સીઝન દરમિયાન વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે, થાઈલેન્ડે હાલ માટે વિઝા પ્રક્રિયા નાબૂદ કરી છે. આ સુવિધાનો લાભ મે 2024 સુધી મળશે.
ભારત ઉપરાંત તાઈવાનના પ્રવાસીઓને પણ ફાયદો થાય છે
ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ ભારતીય પ્રવાસીઓ હવે વિઝા વગર થાઈલેન્ડ જઈ શકશે. ભારત ઉપરાંત થાઈલેન્ડ સરકારે પણ તાઈવાનના મુસાફરો માટે આ સુવિધા આપી છે.
અગાઉ સપ્ટેમ્બર 2023માં, થાઈલેન્ડે ચીની પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી હતી. તમને જણાવી દઈએ કે, કોવિડ-19 મહામારી પહેલા થાઈલેન્ડમાં 2019 માં રેકોર્ડ 39 મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા. જે મહામારી પછી ઘટીને 11 મિલિયન થઈ ગયો.
2023 ની વાત કરીએ તો, જાન્યુઆરીથી 29 ઓક્ટોબરની વચ્ચે કુલ 22 મિલિયન મુલાકાતીઓ થાઈલેન્ડ પહોંચ્યા હતા. થાઈલેન્ડના તાજેતરના સરકારી આંકડાઓ અનુસાર, આ પ્રવાસીઓએ કુલ 927.5 બિલિયન બાહ્ટ ($25.67 બિલિયન) જનરેટ કર્યા હતા.
થાઈ સરકારના પ્રવક્તા થાઈ વાચારોન્કેએ કહ્યું, ‘ભારત અને તાઈવાનથી આવતા પ્રવાસીઓ 30 દિવસ સુધી વિઝા વિના થાઈલેન્ડની મુલાકાત લઈ શકે છે.’ આગામી મહિનાથી આ સુવિધાનો લાભ મળશે.
થાઈલેન્ડ માટે ભારત ચોથું સૌથી મોટું પ્રવાસન સ્ત્રોત બજાર છે
નોંધનીય છે કે, પર્યટનની દ્રષ્ટિએ ભારત થાઈલેન્ડ માટે ચોથું સૌથી મોટું સ્ત્રોત બજાર છે. થાઈલેન્ડના ટોપ-3 બજારોની વાત કરીએ તો મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પ્રથમ ત્રણ સ્થાને છે. થાઈલેન્ડ પણ ભારતીયો માટે સસ્તું પ્રવાસન સ્થળ છે. આ વર્ષે એટલે કે 2023માં અત્યાર સુધીમાં ભારતમાંથી 1.2 મિલિયન (લગભગ 12 લાખ) લોકો થાઈલેન્ડ ગયા છે.
તમને જણાવી દઈએ કે, થાઈલેન્ડનો ટાર્ગેટ આ વર્ષે દેશમાં 28 મિલિયન પ્રવાસીઓ લાવવાનો છે. નવી સરકારને આશા છે કે, ટ્રાવેલ સેક્ટરમાંથી નબળી નિકાસને પ્રોત્સાહન મળશે.
થાઇલેન્ડમાં ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે
દર વર્ષે ભારતમાંથી ઘણા લોકો થાઈલેન્ડની મુલાકાત લે છે. ખાસ કરીને યુવાનો માટે આ એક પ્રિય સ્થળ છે. સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળોની વાત કરીએ તો, બેંગકોક, ફૂકેટ, ચિયાંગ માઇ, ફિફી આઇલેન્ડ, પટ્ટાયા, કરાબી, હુઆ હિન, કોહ તાઓ જેવા શહેરો પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર છે. થાઇલેન્ડ એક ટાપુ છે, જેનો અર્થ છે કે, તમે સમુદ્રના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો.
અત્યારે વિઝા ફી કેટલી છે?
વિઝા ફીની વાત કરીએ તો, અત્યાર સુધી ભારતથી જતા પ્રવાસીઓએ 2 દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2000 બાથ (લગભગ 57 ડોલર) ચૂકવવા પડે છે.





