Gujarat thugs cheated Maharashtra MLA : નાગપુર પોલીસે ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતાને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો અંગત મદદનીશ હોવાનું દર્શાવતો હતો અને મહારાષ્ટ્રના ધારાસભ્યને મંત્રીપદ અપાવવાની ઓફર કરીને છેતરવાનો પ્રયાસ કર્યો.
મહારાષ્ટ્રના ધારાસભ્ય વિકાસ કુંભારેની પોલીસ ફરિયાદ બાદ ગુજરાતના મોરબી જિલ્લાના રહેવાસી નીરજ સિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ધારાસભ્યને 7 મેના રોજ પહેલો ફોન આવ્યો હતો અને રાઠોડે કહ્યું હતું કે, તે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો અંગત સહાયક છે અને બાદમાં તેમને શહેરી વિકાસ મંત્રી પદની ઓફર કરી હતી.”
રાઠોડ પર આરોપ છે કે, તેણે છેલ્લા દસ દિવસમાં લગભગ પાંચ વખત કુંભારેનો સંપર્ક કર્યો હતો. આવી જ એક વાતચીતમાં, રાઠોડના એક સહાયકે પોતે નડ્ડા હોવાનો પરિચય આપ્યો અને તેમને ગુજરાતના બરોડામાં ભાજપના કાર્યક્રમ માટે ભોજનની વ્યવસ્થા કરવા કહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, ધારાસભ્યને 1.67 લાખ રૂપિયાનું બિલ ભરવાનું કહેવામાં આવ્યું હતું.
પોલીસની એક ટીમ મંગળવારે ગુજરાત આવી પહોંચી હતી અને મંગળવારે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ અને ઢોંગ કરીને છેતરપિંડી કરવા બદલ રાઠોડની ધરપકડ કરી હતી.
રાઠોડે માત્ર એક ધારાસભ્ય જ નહીં પરંતુ, મહારાષ્ટ્રના અન્ય ત્રણ ધારાસભ્યો – ટેકચંદ સાવરકર, તાનાજી મુટકુલે અને નારાયણ કુચે – તેમજ ગોવા અને નાગાલેન્ડના બે ધારાસભ્યોનો પણ સંપર્ક કર્યો અને તેમને મંત્રીપદની ઓફર કરી હતી.
“તેણે અન્ય સંપર્કો પણ કર્યો હશે અને વધુ ધારાસભ્યોનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હશે. આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ, તે પણ અમે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો