Tiger Deaths In India : દેશમાં વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં જ 107 વાઘના મોત થયા છે. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે અને પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આ 107 મોતમાં વાઘના 20 બચ્ચા પણ સામેલ છે, જે ભવિષ્યમાં વાઘની વસ્તી માટે ગંભીર ખતરાના સંકેત આપે છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં દેશમાં 666 વાઘ મૃત હાલતમાં મળી આવ્યા છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)ના આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં 107 વાઘના મોત થયા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 76 વાઘના મોત થયા હતા. આ છ મહિનામાં સૌથી વધુ વાઘના મોત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાનું આંકડા દર્શાવે છે. મહારાષ્ટ્રમાં 28 વાઘના મોત થયા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 29 વાઘે જીવ ગુમાવ્યો છે.
મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
કર્ણાટક અને આસામમાં 10-10 વાઘના મોત થયા છે, જ્યારે કેરળ અને ઉત્તરાખંડમાં 9 વાઘના મોત થયા છે. આ વર્ષે જે 107 વાઘના મોત થયા હતા, તેમા 20 વાઘના બચ્ચા હતા. આંકડાઓ અનુસાર, આ વર્ષે વન્યપ્રાણી અભયારણ્યોની બહાર 60 વાઘના મોત થયા છે જ્યારે 47 વાઘ અભયારણ્યની અંદર મૃત હાલતમાં મળી આવ્યા છે. 26 જૂને કર્ણાટકના એમએમ હિલ્સની હ્યુજિયમ રેન્જમાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે.
5 વર્ષમાં વાઘની મોત ચોંકાવનારા આંકડા
આ ઘટના બાદ કર્ણાટક વન વિભાગે તપાસ બાકી રહેતા નાયબ વન સંરક્ષક અને અન્ય બે અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજિયાત રજા પર મોકલી દીધા છે. વર્ષના પહેલા છ મહિનામાં 2021માં 81 વાઘના મોત થયા હતા. આ જ રીતે 2022માં 70 વાઘ, 2023માં 103 અને 2024માં 76 વાઘના મોત થયા હતા.