ટીએમસીના વરિષ્ઠ નેતા મુકુલ રોયના એક નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપમાં જ સામેલ થવા માંગે છે. એટલું જ નહીં તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાનો સમય માંગ્યો છે. મુકુલ રોયનું આ નિવેદન તેમના ગુમ થયાના સમાચાર બાદ આવ્યું હતું. મુકુલ રોયે કહ્યું કે તે હજુ પણ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મળવા માંગે છે. કારણ કે ભાજપમાં પરત ફરવા ઇચ્છુક છે. તેમણે જણાવ્યું કે તેમણે શુભ્રાંશુ સાથે ફોન ઉપર પણ વાત કરી હતી. તેમણે પણ ભાજપમાં જોડાવવું જોઇએ.
અનેક વખત કર્યો પક્ષપલટો
ઉલ્લેખનીય છે કે મુકુલ રોયનું ટીએમસી છોડીને બીજેપીમાં આવવું અને પછી ટીએમસીમાં પરત જતાં રહેવું કોઇ નવી વાત નથી. પૂર્વ રેલ મંત્રી મુકુલ રોય ટીએમસી નેતૃત્વથી મતભેદ બાદ 2017માં ભાજપમાં સામેલ થયા હતા. બીજેપીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. રોયે ભાજપની ટિકિટ પર 2021ની વિધાનસભા ચૂંટણી જીતી પરંતુ પરિણામોની જાહેરાતના આશરે એક મહિના બાદ ટીએમસીમાં પરત ફર્યા હતા.
ટીએમસીમાં પરત નહીં જઉંઃ રોય
મુકુલ રોયએ એક મીડિયા ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે “હું એક ભાજપનો ધારાસભ્ય છું. હું ભાજપ સાથે જ રહેવા માંગુ છું. પાર્ટીએ મને અહીં રોકાવવા માટેની વ્યવસ્થા કરી છે. હું અમિત શાહને મળવા માગું છું અને જેપી નડ્ડા સાથે પણ વાત કરવા માંગુ છું. હું થોડા સમયથી અસ્વસ્થ્ય હતો એટલા માટે રાજનીતિથી દૂર હતો. પરંતુ હવે હું સારો થયો છું અને ફરીથી રાજનીતિમાં સક્રિય થઇશ. હું 100 ટકા વિશ્વાસ આપું છું કે તૃણમૂળ કોંગ્રેસ સાથે હું કોઇ સંબંધ નહીં રાખું.”
ભાજપે કહ્યું : કોઇ રસ નથી
મુકુલ રોયના નિવેદન પર પશ્વિમ બંગાળના ભાજપના નેતા સુવેંદુ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. સુવેંદુ અધિકારીએ કહ્યું હતું કે બીજેપીને હવે મુકુલ રોયમાં કોઈ રસ નથી. જ્યારે સુકાંત મજૂમદારે કહ્યું કે મુકુલ રોયે પોતાની રાજનીતિક વિચારધારાના કારણે અમારી પાર્ટી છોડી હતી. તેમણે દિલ્હી રવાના થયા પહેલા મારી સાથે વાત ન કરી અને અન્ય કોઈ બીજેપી નેતા સાથે પણ ચર્ચા ન કરી.