West bengal goods trains collide : પશ્ચિમ બંગાળના બાંકુરામાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. પશ્ચિમ બંગાળમાં બાંકુરાના ઓંડા સ્ટેશન પાસે બે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન અકસ્માત સવારે લગભગ 4 વાગે થયો હતો. ઓંડા સ્ટેશન પાસે માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી પરંતુ માલગાડીના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. બંને ટ્રેનો કેવી રીતે અથડાઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટનાથી ઘણી ટ્રેનોના ટાઇમ ટેબલ પ્રભાવિત થયા છે.
દુર્ઘટના બાદ રેલવે દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. દુર્ઘટનાને કારણે રેલવેના ADRA ડિવિઝનમાં ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. નોંધનિય છે કે ADRA ડિવિઝનમાં પશ્ચિમ બંગાળના ચાર જિલ્લાઓ – પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા, બર્દવાન અને ઝારખંડના ત્રણ જિલ્લા – ધનબાદ, બોકારો અને સિંઘભુમનો સમાવેશ થાય છે.
ટ્રેન અકસ્માત કેવી રીતે થયો
દક્ષિણ-પૂર્વ રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અંદાજ મુજબ આ ટ્રેન અકસ્માત સિગ્નલમાં ખામીના કારણે થયો છે. રેલવે વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આ લાઈન જલ્દી ખોલવાના પ્રયાસો ચાલુ છે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર સિગ્નલ ઓવરશૂટિંગ થવાને કારણે માલગાડી આગળ ચાલી રહેલી બીજી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનાને કારણે 14 ટ્રેનો રદ કરવામાં આવી છે ઉપરાંત અન્ય 3 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.





