Ayodhya Ram Mandir : અયોધ્યામાં આગામી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહથી કોંગ્રેસે પોતાને દૂર કરી લીધા છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ આ આમંત્રણને ફગાવી દીધું છે. આ ઘટનાક્રમના એક દિવસ બાદ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સહયોગી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ એક ભાજપ-આરએસએસનો કાર્યક્રમ બની ગયો છે.
ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)એ આ સમારંભમાં હાજરી નહીં આપવાની વાતને સમર્થન આપ્યું છે. તેના બદલે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના કાલારામ મંદિરમાં રહેશે. એવું માનવામાં આવે છે કે તે એક એવું સ્થળ છે જ્યાં ભગવાન રામ અયોધ્યાથી તેમના વનવાસ દરમિયાન રોકાયા હતા. અહીં જ ડો.બાબાસાહેબ આંબેડકર અને મરાઠી સામાજિક કાર્યકર સાને ગુરુજીએ 1930ના દાયકામાં દલિતોને મંદિરો સુધી પહોંચવા અપાવવા માટે એક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
શિવસેના (યુબીટી)ના એક વરિષ્ઠ નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમારો નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો છે. અમારા નેતાઓ નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આરતી કરશે અને કાલારામ મંદિરની મુલાકાત લેશે. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતી 23 જાન્યુઆરીએ શિવસેના (યુબીટી) નાસિકમાં શિબરનું આયોજન કરશે અને સાંજે એક રેલી યોજશે.
6 જાન્યુઆરીએ મુંબઈના શિવાજી પાર્ક વિસ્તારમાં પોતાની માતા મીના ઠાકરેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ઉદ્ધવે પહેલા જ કહ્યું હતું કે તેઓ 22 જાન્યુઆરીએ કાલારામ મંદિરની મુલાકાત લેશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ ખુશીની ક્ષણ છે કારણ કે 25-30 વર્ષના સંઘર્ષ પછી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. એટલે તે જ દિવસે અમે નાસિકના કાલારામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરીશું. આ એ જ મંદિર છે જેના માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર અને સાને ગુરુજીએ મંદિરમાં (દલિતોને) પ્રવેશ આપવા માટે સંઘર્ષ કર્યો હતો અને કહ્યું હતું કે રામ બધાના છે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર : શ્રી રામ જન્મભૂમિ વિશે તમારે જાણવા જેવી મુખ્ય બાબતો
ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે તેઓ એ વાતમાં પડવા માંગતા નથી કે કોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોને નહીં. આપવામાં આવ્યું છે. કારણ કે આ ગર્વ અને આસ્થાનો મામલો છે. અમે રામ મંદિરને લઇને ખુશ છીએ પરંતુ હું ઘણા દિવસોથી વિનંતી કરું છું કે તે આસ્થાનો વિષય બન્યો રહેવો જોઈએ અને રાજનીતિક રંગ ના લેવો જોઈએ. મારું જ્યારે પણ મન થશે ત્યારે અમે અયોધ્યા જઈશું.
ઇન્ડિયા ગઠબંધનના સહયોગી દળ સીપીઆઈ(એમ)એ સૌથી પહેલા 24 ડિસેમ્બર 2023ના રોજ જાહેરાત કરી હતી કે ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળી ચૂકેલા તેના મહાસચિવ સીતારામ યેચુરી આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.
કોંગ્રેસે બુધવારે મંદિરન કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ અને આરજેડી જેવા ઇન્ડિયા ગઠબંધનના અન્ય વિરોધ પક્ષોએ પણ સંકેત આપ્યો હતો કે તેઓ દૂર રહી શકે છે. આમંત્રણનો અસ્વીકાર કરતી વખતે કોંગ્રેસે દલીલ કરી હતી કે ધર્મ એ વ્યક્તિગત બાબત છે પરંતુ રામ મંદિર ભાજપ અને આરએસએસનો રાજકીય પ્રોજેક્ટ છે. જેને લોકસભાની ચૂંટણીની પહેલા સંઘના કાર્યક્રમમાં ફેરવવામાં આવી રહ્યો છે.
મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરના ઉદ્ઘાટનને દાવપેચ તરીકે રજૂ કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા સુબોધ કુમાર મહેતાએ કહ્યું કે અમે કોંગ્રેસની લાઇનનું સમર્થન કરીએ છીએ, જે હંમેશાથી કહેતા આવ્યા છીએ તેને અનુરૂપ છે. આમ આદમી પાર્ટી જોડાશે કે નહીં તે અંગે સ્પષ્ટ નથી, જ્યારે તેમણે કહ્યું હતું કે તેમના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હજી સુધી આમંત્રણ મળ્યું નથી.





