ULFA-Centre-Assam govt peace accord : ભારત સરકાર, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસામ (ULFA) અને અસામ સરકાર વચ્ચે ત્રિપક્ષીય શાંતિ સમજુતી પર શુક્રવારે હસ્તાક્ષર થયા છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ પર હસ્તાક્ષર થયા છે. ઉલ્ફા તરફી જૂથનું પ્રતિનિધિત્વ તેના અધ્યક્ષ અરબિન્દા રાજખોવાની આગેવાની હેઠળના 16 સભ્યોના પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. અસમના સીએમ હિમંત બિસ્વા સરમા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજખોવા જૂથના બે ટોચના નેતાઓ ગયા અઠવાડિયાથી રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હીમાં હતા. પીટીઆઈના જણાવ્યા અનુસાર, સંગઠનના મહાસચિવ અનુપ ચેતિયાએ મંગળવારે શાંતિ સંવાદદાતા એ કે મિશ્રા સાથે વાતચીત કરી હતી.
સશસ્ત્ર આતંકવાદી સંગઠન ઉલ્ફાના ભારત અને આસામ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે 40 વર્ષમાં પ્રથમ વખત શાંતિ સમાધાન સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પૂર્વોત્તરમાં ભારત સરકારના શાંતિ પ્રયાસની દિશામાં આ એક મોટું પગલું છે. કારણ એ છે કે ઉલ્ફા છેલ્લા ઘણા વર્ષોથી નોર્થ ઇસ્ટમાં સશસ્ત્ર સુરક્ષા દળો સામે હિંસક સંઘર્ષ કરી રહ્યું છે.
ઉલ્ફા સાથે થયેલી સમજૂતી પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અસામના ભવિષ્ય માટે આ એક ઉજ્જ્વળ દિવસ છે. રાજ્ય અને ઉત્તર-પૂર્વમાં છેલ્લા ઘણા દાયકાઓથી હિંસા જોવા મળી રહી છે. જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારથી અમે પૂર્વોત્તરને હિંસામુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. છેલ્લાં પાંચ વર્ષમાં પૂર્વોત્તરમાં 9 શાંતિ સમજૂતી થઇ છે. તેમણે કહ્યું કે અસમના 85 ટકા વિસ્તારોમાંથી અફસ્પા હટાવવામાં આવ્યો. ત્રિપક્ષીય સમજૂતીથી અસમમાં હિંસાનો ઉકેલ આવશે. ઉલ્ફા દ્વારા દાયકાઓથી શરૂ કરવામાં આવેલી હિંસામાં 10,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આસામમાં બળવાનો આ સંપૂર્ણ ઉકેલ છે. તમામ વિભાગોને સમયબદ્ધ રીતે લાગુ કરવામાં આવશે. આજે ઉલ્ફાના 700 કેડરોએ આત્મસમર્પણ કર્યું હતું.
આ પણ વાંચો – સીટ વહેંચણી પર INDIA ગઠબંધન નેતાઓ સાથે વાતચીતની તારીખ આવી ગઈ, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન
ઉલ્ફા શું છે?
ઉલ્ફા અસામમાં સક્રિય આતંકવાદી સંગઠન છે. તેની સ્થાપના 7 એપ્રિલ 1979ના રોજ પરેશ બરુઆએ તેના સાથીઓ અરબિન્દા રાજખોવા, ગોલાપ બરુઆ ઉર્ફે અનુપ ચેતિયા, સમીરન ગોગોઈ ઉર્ફે પ્રદીપ ગોગોઈ અને ભદ્રેશ્વર ગોહેન સાથે મળીને કરી હતી. તેનો ઉદ્દેશ આસામને સ્વાયત્ત અને સાર્વભૌમ રાજ્ય બનાવવાનો હતો. આ માટે ઘણા મોટા હુમલા પણ થયા હતા. જોકે 31 ડિસેમ્બર 1991ના રોજ ઉલ્ફાના કમાન્ડર-ઇન-ચીફ હિરક જ્યોતિ મહેલના મૃત્યુ બાદ ઉલ્ફાના લગભગ 9,000 સભ્યોએ આત્મસમર્પણ કર્યું હતું. લગભગ 17 વર્ષ બાદ 2008માં ઉલ્ફાના નેતા અરબિંદા રાજખોવાની બાંગ્લાદેશથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને ભારતને સોંપવામાં આવ્યો હતો. આ સંગઠન પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર 1990થી કામ કરી રહી છે. તેની સામે લશ્કરી કાર્યવાહી દ્વારા અનેક વખત કાર્યવાહી પણ કરવામાં આવી છે.
વેપારીઓ આસામ છોડીને ચાલ્યા ગયા હતા
ઉલ્ફાને કારણે અસામમાં બળવો ચરમસીમાએ હતો. અસામમાં ચાના ઘણા વેપારીઓએ આસામ છોડી દીધું હતું. આ વેપારીઓને સતત ધમકી આપવામાં આવતી હતી. તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી હતી. અનેક વેપારીઓની હત્યા બાદ વિસ્તારમાં ભયનો માહોલ હતો. રાજ્ય અને અર્ધલશ્કરી દળોની કાર્યવાહી પછી પણ આને કાબૂમાં કરી શકાયું નહીં. આ પછી બંને તરફથી શાંતિ પુન:સ્થાપિત કરવાના પ્રયત્નો તીવ્ર બનાવવામાં આવ્યા હતા. અનેક રાઉન્ડની વાતચીત બાદ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવા પર સહમતિ બની છે.
આ વર્ષની શરૂઆતમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી આતંકવાદમાં ઘટાડો અને પૂર્વોત્તરમાં સાપેક્ષ શાંતિ પર ભાર મૂક્યો હતો. ગયા મહિને અમિત શાહે મેતૈઇ અલગાવવાદી જૂથ મણિપુરમાં યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. હવે ઉલ્ફા સમજૂતીથી પાર્ટીની વાતને બળ મળશે.





