/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-90.jpg)
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક કાયદા અંગે લો કમિશને 30 દિવસની અંદર જાહેર સૂચનો મંગાવ્યા છે.
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક કાયદા મામલે એક મોટા સમાચાર આવ્યા છે. ઇન્ડિયન લો કમિશને યુનફોર્મ સિવિલ કોડ નવેસરથી જાહેર સૂચન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. 22માં લો કમિશને સમાન નાગરિક કાયદો લાગુ કરવા અંગે જનતા અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંગઠનોના સભ્યો સહિત વિવિધ હિતધારકો પાસે જાહેર સૂચનો મંગાવ્યા છે.
ચૂંટણી નજીક આવતા UCCનો મુદ્દો ફરી ઉઠ્યો
લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી તેમ તેમ દરેક રાજકીય પક્ષે ઇલેક્શન જીતવાના કાવાદાવા શરૂ કરી દીધા છે. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમાન નાગરિક કાયદાનો મામલો ફરી ઉઠતા માહોલ ગરમાયો છે.
UCC અંગે નવેસરથી વિચારણા કરશે લો કમિશન
લો કમિશને એક નિવેદનમાં કહ્યું કે, ઉપરોક્ત ચર્ચાપત્ર જારી કરવાની તારીખથી 3 વર્ષ કરતા વધારે સમય વિતિ ગયા બાદ, વિષયની પ્રાસંગિકતા તેમજ મહત્વ અને આ મુદ્દે વિવિધ અદાલતના આદેશોને ધ્યાનમાં રાખતા 22મા લો કમિશને આ મુદ્દે નવેસરથી ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનિય છે કે, 22માં લો કમિશનના કાર્યકાળ 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેણે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા એક પત્ર મોકલ્યા બાદ સમાન નાગરિક કાયદા સંબંધિત મુદ્દાઓની તપાસ શરૂ કરી દીધી છે.
30 દિવસની અંદર સૂચનો મોકલી શકાશે
લો કમિશને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, 22માં લો કમિશને એકવાર ફરી યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક કાયદા મુદ્દે સાર્વત્રિક સ્તેરથી વ્યક્તિઓ, માન્યતાપ્રાપ્ત ધાર્મિક સંગઠનો પાસેથી જાહેર સૂચનો મંગાવવાનું નક્કી કર્યું છે. તેમાં રસ ધરાવતા વ્યક્તિ અને સંગઠનો આ પરિપત્ર ઇશ્યૂ થવાની તારીખથી 30 દિવસના સમયગાળાની અંદર પોતાના વિચારો-સૂચનો મોકલી શકે છે.
ભાજપ માટે ચૂંટણીલક્ષી મુખ્ય મુદ્દો
યુસીસી એ ભાજપ માટે ચૂંટણી લક્ષી મુદ્દાઓનો એક મુખ્ય મુદ્દો રહેશે. રામ મંદિરનો વિવાદ ઉકેલાઇ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદિત કલમ-370 હટાવી દેવામાં આવી છે. હવે માત્ર સમાન નાગરિક કાયદો જ ભાજપ માટે ચૂંટણીલક્ષી મુખ્ય મુદ્દાઓ પૈકીનો એક છે જે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અગાઉ 21માં લો કમિશને આ મુદ્દાની તપાસ કરી રહી અને રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ મુદ્દો, સમાન નાગરિક કાયદા અંગે બે વખત તમામ હિતધારકોના સૂચનો મંગાવ્યા હતા. આ કમિશનનો કાર્યકાળ ઓગસ્ટ 2018માં સમાપ્ત થઇ ગયો હતો, ત્યારબાદ 'પરિવાર કાયદામાં સુધારા' મુદ્દે 2018માં એક ચર્ચાપત્ર જારી કરવામાં આવ્યુ હતુ.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
યુનિફોર્મ સિવિલ કોડનો મતલબ છે, તમામ નાગરિકો માટે લગ્ન, તલાક, દત્તક લેવા, સંપત્તિ વારસામાં આપવી અને ઉત્તરાધિકારી જેવી વ્યક્તિગત બાબતોને નિયંત્રિત કરતા કાયદાઓનું એક સામાન્ય માળખું તૈયાર કરવું પછી વ્યક્તિ ગમે તે ધર્મનો હોય. હાલ ભારતમાં કેટલાક ધર્મમાં વ્યક્તિગત સ્તર અમુક નિયમો જે-તે ધર્મના અનુયાયીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us