Uniform Civil Code : યુનિફોર્મ સિવિલ કોડ મામલે ભાજપને પોતાના જ નડી શકે છે? સમજો આખી કહાની

Uniform Civil Code (UCC) : ભારતભરમાં એક યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાવવાના ભાજપના સપનામાં તેમના જ સહયોગી સાથ ન આપે તેવો ઘાટ સર્જાઈ શકે છે. મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ માં ભાજપના સહયોગી સમાન નાગરીક કાયદો લાવવાના વિરોધમાં છે.

Written by Kiran Mehta
Updated : June 30, 2023 17:14 IST
Uniform Civil Code : યુનિફોર્મ સિવિલ કોડ મામલે ભાજપને પોતાના જ નડી શકે છે? સમજો આખી કહાની
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યના સહયોગી રોડા નાખી શકે છે

Uniform Civil Code : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, શું એવું ઘર ક્યારેય ચાલી શકે છે, જ્યાં પરિવારના દરેક સભ્ય માટે અલગ-અલગ કાયદા હોય? પીએમના આ નિવેદન બાદ ભલે વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહારો કરી રહી છે. પરંતુ સંકેત સ્પષ્ટ છે કે, ભાજપ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ પર આગળ વધવાનું મન બનાવી લીધું છે. UCC એવો મુદ્દો છે, જે લાંબા સમયથી ભાજપ અને સંઘ (RSS)ના એજન્ડામાં છે. ભાજપના તમામ નેતાઓ તેને 2024ની લોકસભામાં ગેમ ચેન્જર માની રહ્યા છે, પરંતુ પાર્ટી માટે ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં આ મુદ્દા પર આગળ વધવું એટલું સરળ નથી.

ઉદાહરણ તરીકે મિઝોરમને લઈ લો. તે મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ની સરકાર છે, જે ભાજપના સહયોગી છે. પરંતુ MNF પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, તે યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં નથી. મિઝોરમમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, આવી સ્થિતિમાં ભાજપ સામે પડકાર એ છે કે, તે આ મુદ્દે કેવી રીતે આગળ વધે છે.

આ વર્ષની શરૂઆતમાં જ મિઝોરમ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ સામે સર્વસંમતિથી ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, “જો ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલની દિશામાં એક પણ પગલું ભરવામાં આવે તો, તેનાથી લઘુમતીઓની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ, સંસ્કૃતિ અને પરંપરાનો અંત આવશે. જે કોઈપણ દૃષ્ટિકોણથી યોગ્ય નથી.”

પૂર્વોત્તરમાં ક્યાં-ક્યાં વિરોધ છે?

યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરનાર પૂર્વોત્તર ભારતમાં મિઝોરમ એકમાત્ર રાજ્ય નથી, નાગાલેન્ડ અને મણિપુર જેવા મોટા આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. મણિપુરમાં ભાજપની સરકાર હોઈ શકે છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી જે રીતે સ્થિતિ છે અને જે રીતે બે સમુદાયો સામ-સામે છે, યુનિફોર્મ સિવિલ કોડ પર અભિપ્રાય રચવો એ આગના દરિયાને પાર કરવા જેવું હશે.

વર્ષ 2016માં જ, આદિવાસીઓ માટે કામ કરતી સંસ્થા ‘રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ’ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને તેમના રીત-રિવાજો અને ધાર્મિક પરંપરાઓને (જેમાં બહુપત્નીત્વ અથવા એકથી વધુ પતિ રાખવાનો અધિકાર પણ સામેલ છે.) સાચવવાની માંગ કરી હતી. એવી દલીલ કરવામાં આવી હતી કે, આદિવાસીઓના પોતાના અલગ કાયદા, અલગ દેવી-દેવતાઓ અને તેમની પોતાની માન્યતાઓ છે. આ તમામ મુદ્દાઓ છે, જે યુનિફોર્મ સિવિલ કોડના કાર્યસૂચિમાં મહત્વપૂર્ણ છે. એકતા પરિષદ 11 કરોડ આદિવાસીઓનું નેતૃત્વ કરવાનો દાવો કરે છે.

શું સરકાર મધ્યમ માર્ગ અપનાવી શકે?

સૂત્રોનું કહેવું છે કે, યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમુદાય, તેમની પરંપરાઓ અને રિવાજો અંગે સરકાર કોઈ વચ્ચેનો માર્ગ અપનાવી શકે છે. આદિવાસી સમુદાયમાં નજીકથી કામ કરતા યુનિયનના એક નેતાએ પણ આજ સૂચવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તે કહે છે કે, પહેલા ડ્રાફ્ટ આવવા દો, અત્યારે જે વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે. કોણ જાણે, યુસીસીમાં આદિવાસી સમુદાયની ચિંતાઓનો ઉકેલ આવી શકે છે.

આ પણ વાંચોUCC મામલે પીએમ મોદીનું મોટું નિવેદન: ‘એક ઘર બે અલગ કાયદાથી ન ચાલે તો દેશ કેવી રીતે ચાલે, વિપક્ષ સુપ્રીમ કોર્ટનું પણ નથી સાંભળતા’

પડકાર માત્ર પૂર્વોત્તરમાં જ નથી

યુસીસી પર ભાજપને પડકાર એકલા પૂર્વોત્તરમાંથી આવી શકે તેવુ નથી. વાસ્તવમાં, આંધ્ર પ્રદેશના શાસક YSRCP એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે સમાન નાગરિક સંહિતાની તરફેણમાં નથી. વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની વાયએસઆરસીપી સાથે ભાજપના સારા સંબંધો છે. તાજેતરની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જે રીતે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી 2024 પહેલા ભાજપ YSRCPને નજીક રાખવા માંગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ