Women Reservation Bill Clears by Union Cabinet : સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સૌથી મોટી ચર્ચા સરકારના એજન્ડા વિશે છે અને આ સત્રમાં શું મોટું થવાનું છે. સોમવાર સવારથી જ સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા હતા કે સરકાર બુધવારે મહિલા અનામત બિલ લાવી શકે છે. સોમવારે સાંજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મોદી સરકારના મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સોશિયલ મીડિયા ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરી છે. ટ્વિટર પર લખ્યું છે કે મહિલા અનામતની માંગ પૂરી કરવાની નૈતિક હિંમત માત્ર મોદી સરકાર પાસે છે. જે કેબિનેટની મંજૂરીથી સાબિત થયું છે.
આ પૂર્વે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા એ પણ આ બિલની રજૂઆતને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ સત્ર બોલાવવાને લઈને સરકારના ઈરાદા પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. સંસદમાં ભાષણ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, આ સત્ર ઘણી રીતે ઐતિહાસિક બનવા જઇ રહ્યું છે.
સર્વપક્ષીય બેઠકમાં મુદ્દો જોરથી ઉઠાવવામાં આવ્યો
સંસદના પાંચ દિવસીય સત્રની પૂર્વ સંધ્યાએ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ઘણા રાજકીય પક્ષોએ સંસદના સત્ર દરમિયાન મહિલા અનામત બિલ પસાર કરવાની જોરદાર હિમાયત કરી હતી. મોદી સરકારે કહ્યું કે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદોએ મહિલા અનામત બિલની માંગણી સાથે સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સર્વપક્ષીય બેઠકમાં અનેક પક્ષોના નેતાઓએ કહ્યું કે લગભગ 27 વર્ષથી પેન્ડિંગ મહિલા અનામત બિલને રજૂ કરીને સર્વસંમતિથી પસાર કરવામાં આવે.
મહિલા અનામત બિલમાં શું છે?
મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો એટલે કે 33 ટકા અનામત રાખવાની જોગવાઈ છે. આંકડા દર્શાવે છે કે લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકા કરતા ઓછી છે, જ્યારે ઘણી રાજ્યોની વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકા કરતા પણ ઓછું છે. આ બિલ પર પક્ષકારોની માંગ પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓ આ સંસદ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ કરે છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે પણ કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ સંસદ સત્રમાં મહિલા અનામત બિલ પાસ કરે.
આ પણ વાંચો | નેહરુ-આંબેડકરથી લઈને ઈમરજન્સીનો ઉલ્લેખ, ઈતિહાસની યાદ અને ભવિષ્યનું સ્વપ્ન… પીએમ મોદીના સંબોધનની મોટી બાબતો
સૂત્રોને ટાંકીને પીટીઆઈના અહેવાલ મુજબ, કેટલાક પ્રાદેશિક પક્ષોએ મહિલાઓ માટે એકંદર અનામતમાં પછાત વર્ગો અને અનુસૂચિત જાતિઓ માટે અનામતની માંગણી કરી છે. બીજેડી નેતા પિનાકી મિશ્રાએ કહ્યું કે સંસદના નવા ભવન સાથે નવા યુગની શરૂઆત થવી જોઈએ અને મહિલા અનામત બિલ પસાર થવું જોઈએ.





