Sanatan Dharma: સનાતન વિવાદને લઈને દેશના રાજકારણમાં હંગામો જોવા મળી રહ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના એક નિવેદને ચૂંટણીની મોસમમાં ઇન્ડિયા ગઠબંધનને મુશ્કેલ સ્થિતિમાં મુકી દીધું છે. તો બીજી તરફ ભાજપે હિન્દુત્વની પિચને વધુ મજબૂત કરતા આ મુદ્દાને ઉપાડી લીધો છે. હાલ પાર્ટીના દરેક નેતા ઉદયનિધિના નિવેદન દ્વારા સમગ્ર વિપક્ષ પર પ્રહાર કરી રહ્યા છે. આ યાદીમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે.
સનાતને કોઇઓ મિટાવી શકે નહીં – યોગી આદિત્યનાથ
સીએમ યોગીએ ભારપૂર્વક જણાવ્યું છે કે સનાતનને કોઈ મિટાવી શકે નહીં. તેમણે કહ્યું કે આ લોકો માત્ર સરકારના કામને ઓછું બતાવવા માટે સનાતન તરફ આંગળી ચિંધવાનું કામ કરી રહ્યા છે. પરંતુ વિરોધ કરતી વખતે તેઓ ભૂલી જાય છે કે રાવણને પણ અહંકાર થઇ ગયો હતો, બાબર-ઔરંગઝેબે પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સનાતનને ક્યારેય કોઈ મિટાવી શક્યું નહીં. આવામાં આ તુચ્છ લોકો કેવી રીતે સનાતનને મિટાવી શકશે.
આ પણ વાંચો – ડીએમકેના એ રાજાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, એચઆઈવી અને રક્તપિત્ત સાથે સનાતન ધર્મની સરખામણી કરી
વિપક્ષ પર પ્રહાર કર્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના નિવેદનમાં કહ્યું કે સત્ય હંમેશા એક જ રહે છે. આ લોકો મૂર્ખ છે જે સૂર્ય પર જ થૂંકવાનું કામ કરી રહ્યા છે. પરંતુ આમ કરતી વખતે તેઓ એ વાત ભૂલી રહ્યા છે કે થૂંક તેમના ઉપર જ પડશે. રાવણે પણ ભગવાનને પડકાર ફેંક્યો હતો પણ તેનું બધું જ ખતમ થઈ ગયું હતું. સનાતન ધર્મ એક એવું સત્ય છે જેને કોઈ મિટાવી શકે નથી.
શું છે સમગ્ર વિવાદ?
થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ સનાતન અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ઉદયાનિધિએ સનાતનની તુલના મેલેરિયા-ડેન્ગ્યુ સાથે કરી હતી. સનાતનને ભેદભાવનું કારણ કહ્યું હતું, તેની નજરમાં તેનો અંત લાવવો જરૂરી છે. આ નિવેદન બાદથી જ રાજકારણ વધારે ઉગ્ર બન્યું છે અને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.