ઉત્તર પ્રદેશ: અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મંગળવારે શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અંગે રાજ્ય સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનને બાજુ પર મૂકી દીધું અને OBC માટે અનામત વિના ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સૌરવ લવાનિયાની ડિવિઝન બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય બાદ સમાચાર આવી રહ્યા છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાંજે એક બેઠકમાં હાજરી આપશે.
ઓબીસી માટે અનામત તમામ બેઠકો સામાન્ય ગણવામાં આવશે
સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલાને અનુસર્યા વિના OBC આરક્ષણના મુસદ્દાને પડકારતી PILsના પગલે આ નિર્ણય આવ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે મંગળવારે 70 પેજનો ચુકાદો આપ્યો છે. નિર્ણય બાદ હવે ઓબીસી માટે આરક્ષિત તમામ બેઠકો સામાન્ય ગણવામાં આવશે. આ નિર્ણયની સાથે હાઈકોર્ટે તાત્કાલિક નગરપાલિકાની ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા જરૂરી છે
ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તે શહેરી સ્થાનિક સંસ્થા (ULB) ચૂંટણીઓમાં OBC અનામત પ્રદાન કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચવેલ ‘ટ્રિપલ ટેસ્ટ’ ફોર્મ્યુલાનું પાલન કરી રહી છે. પરંતુ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે OBC અનામત આપવા માટે ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા અપનાવી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા અનુસાર, રાજ્યએ એક કમિશનની રચના કરવી પડશે જે અન્ય પછાત વર્ગોની સ્થિતિ પર પોતાનો રિપોર્ટ આપશે અને તેના આધારે અનામત લાગુ કરવામાં આવશે. આરક્ષણ આપવા માટે, ટ્રિપલ ટેસ્ટ એટલે કે ધોરણોને 3 સ્તર પર રાખવામાં આવશે, જેને ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. આ કસોટીમાં જોવાનું રહેશે કે રાજ્યમાં ઓબીસીની આર્થિક-શૈક્ષણિક સ્થિતિ શું છે? તેમને અનામત આપવાની જરૂર છે કે નહીં? તેમને અનામત આપી શકાય કે નહીં? સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે, ઓબીસી અનામત માટે નિર્ધારિત શરતોને પૂર્ણ કર્યા વિના અનામત આપી શકાય નહીં.
આ પણ વાંચો – covid 19 india : મુસાફરી અને ઓક્સિજન સ્ટોક પર કેન્દ્રના આદેશો: આજનો કોવિડ ઘટનાક્રમ, સરકારે શું કરી તૈયારીઓ?
ભાજપે શું કહ્યું?
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે, તેઓ તેની સમીક્ષા કરશે અને અમે હંમેશા ચૂંટણી માટે તૈયાર છીએ, અમે દરેક વર્ગને સાથે લઈને ચાલનારા લોકો છીએ. બીજી તરફ આ મામલે કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે અમે પછાતના હક માટે લડવા હંમેશા તૈયાર છીએ. તેમના આ નિવેદન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, કેશવ પ્રસાદ મૌર્ય પછાત લોકોને અધિકાર આપી શકે નહીં. ભાજપ સરકાર દલિતોનું અનામત પણ છીનવી લેશે.