/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-11.jpg)
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)
લોકસભા ચૂંટણી 2024ને હજી એક વર્ષની વાર પણ મોટાભાગના રાજકીય પક્ષોએ અત્યાર સુધી જ ચૂંટણી જીતવા તૈયારીઓ શરૂ કરી દીધીછે. સમાજવાદી પાર્ટી (એસપી) એ ઉત્તર પ્રદેશમાં 2024ની સંસદીય ચૂંટણી માટે મતવિસ્તાર-વિશેષ મતદાન વ્યૂહરચના બનાવવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે, અને તેના ભાગરૂપે દરેક બેઠક પરના સાંસદો તેમાંય ખાસ કરીને ખાસ કરીને તે હરીફ પક્ષો દ્વારા જીતેલી બેઠકોના સાંસદોની કામગીરી - દેખાવ જેવી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. નોંધનીય છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદ પાર્ટીએ 80માંથી માત્ર 5 બેઠકો જીતી હતી.
જિલ્લા પ્રમુખોને ફોર્મનું વિતરણ કરાયું
લખનૌમાં ગયા અઠવાડિયે યોજાયેલી બેઠકમાં સમાજવાદી પાર્ટી દ્વારા તેના જિલ્લા પ્રમુખોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હાજર હતા. પાર્ટીના નેતાઓને તેમના સંબંધિત વિસ્તારોમાં આવતા લોકસભા મતવિસ્તારો પરના ચોક્કસ પ્રશ્નોના વિગતવાર જવાબો સાથે હાજર થવા કહેવામાં આવ્યું હતું.
આ પ્રશ્નોમાં પક્ષની સાથે સ્થાનિક સાંસદ, પાંચ મુખ્ય કામો અને સત્તાધારીઓની સિદ્ધિઓ, પાંચ મુખ્ય વચનો આપવામાં આવ્યા પણ પૂરા ન થયા, અને આગામી સાંસદ પાસેથી મતદારોની પાંચ મુખ્ય અપેક્ષાઓનો સમાવેશ થાય છે. સપા ઇચ્છે છે કે તેના નેતાઓ મોંઘવારી , બેરોજગારી વગેરે જેવા સામાન્ય મુદ્દાઓ ઉપરાંત લોકોની ચોક્કસ અપેક્ષાઓની જાણકારી મેળવે.
પ્રોફોર્મમાં મતવિસ્તારમાં ચૂંટણીના સમીકરણો સંબંધિત વિગતોની પણ અપેક્ષિત છે. આ ઉપરાંત જિલ્લા પ્રમુખોને તેમના વિસ્તારમાં સપા સંગઠન અંગે પ્રામાણિક અભિપ્રાય સાથે આવવા માટે કહેવામાં આવ્યું છે.
સપા પાસે હાલ માત્ર 3 સાંસદ
બેઠકમાં હાજર રહેલા પક્ષના એક નેતાએ જણાવ્યું હતું કે આ પ્રકારનું આયોજન નિર્ણાયક સાબિત થઈ શકે છે કારણ કે સપા પાસે હાલમાં ઉત્તર પ્રદેશમાંથી માત્ર 3 સાંસદો છે (2019માં જીતેલા 5થી ઓછા). ભાજપે 2019માં યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 62 અને તેના સહયોગી અપના દળ (એસ) એ અન્ય બે બેઠકો જીતી હતી. "એસપી જનતાની અપેક્ષાઓ અનુસાર દરેક સીટ માટે તેના મેનિફેસ્ટો અને ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરશે," નેતાએ કહ્યું.
એસપીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું: “જિલ્લા પ્રમુખો પાસેથી એકત્ર કરાયેલી માહિતીનો ઉપયોગ ઉમેદવારો નક્કી કરવા માટે પણ કરવામાં આવશે. પાર્ટી એવો મુદ્દો ઉઠાવશે, કે કેવી રીતે બીજેપી સાંસદો રાજ્ય અને કેન્દ્ર બંનેમાં તેમની સરકાર હોવા છતાં લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ ગયા છે.
2019માં સપાએ BSP અને રાષ્ટ્રીય લોકદળ (RLD) સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી હતી . જ્યારે બસપાને 10 સીટો, સપાને પાંચ અને આરએલડીને એક પણ સીટ મળી નથી.
2019 માં સપાને મળેલી બે બેઠકો, રામપુર અને આઝમગઢ - અનુક્રમે આઝમ ખાન અને અખિલેશ દ્વારા ખાલી કરાયેલી બેઠકો માટે ભાજપે ગયા વર્ષે પેટાચૂંટણી જીતી હતી.
"અમારું ધ્યાન તે બેઠકો પર રહેશે જ્યાં ભાજપ, અપના દળ (એસ) અને બીએસપી છેલ્લી વખત જીત્યા હતા (BSP હવે એસપીની સહયોગી નથી, જો કે આરએલડી એક જ સાથી પક્ષ છે)," એવું અન્ય પક્ષના નેતાએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે એસપી તેના કાર્યકર્તાઓ વિશે વિગતો એકત્રિત કરવા માંગે છે તેમાંથી એક બેઠક રાયબરેલી છે - જે કોંગ્રેસ પાસે એકમાત્ર ઉત્તર પ્રદેશની લોકસભા સીટ છે. સપાએ અહીં છેલ્લી ત્રણ વખત કોંગ્રેસને વોકઓવર આપ્યો છે, પરંતુ સંકેત આપ્યો છે કે તે તેનું પુનરાવર્તન નહીં કરે.
ચૌધરીએ કહ્યું કે હાલ તો સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, અને ગયા અઠવાડિયે જિલ્લા પ્રમુખો સાથેની સંયુક્ત બેઠક પછી, અખિલેશે જિલ્લા એકમો સાથે અલગ બેઠકો શરૂ કરી છે. શુક્રવારે તેઓ સોનભદ્ર અને મિર્ઝાપુર જિલ્લાના પાર્ટી કાર્યકર્તાઓને મળ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે જિલ્લા પ્રમુખો તરફથી પહેલેથી જ પ્રાપ્ત થયેલી માહિતીનું વિશ્લેષણ શરૂ થઈ ગયું છે અને લખીમપુર જિલ્લાના કાર્યકરો માટે તાલીમ શિબિર સોમવારથી શરૂ થવાની છે.
ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે યુપીમાં પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાજુ ભાજપ વર્ષ 2019ના દેખાવનું પુનરાવર્તિત કરવા માટે ઉત્સુક છે, જેની માટે ઉત્તર પ્રદેશ નિર્ણાયક રાજ્ય છે, તેણે સર્વે હાથ ધરવાનું શરૂ કર્યું છે અને રાજ્યમાં જનસપંર્ક અભિયાન શરૂ કરી દીધા છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us