Farmers Protest : સરકાર પર એમએસપીની કાનૂની ગેરંટી સહિત વિવિધ માંગણીઓ સ્વીકારવા માટે દબાણ લાવી શકાય તે માટે સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે ભારત બંધની જાહેરાત કરી હતી. આ કારણે પંજાબમાં બસો રસ્તાઓ પર જોવા મળી ન હતી અને મુસાફરોને ભારે હાલાકી પડી હતી. ખેડૂતોના વિરોધ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં 6 મહિના માટે હડતાળ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમ રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિભાગો, નિગમો અને સત્તાવાળાઓને લાગુ પડશે.
આ અંગે અધિક મુખ્ય સચિવ કાર્મીશ ડો.દેવેશ ચતુર્વેદીએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે જો કોઇ કર્મચારી એસ્મા એક્ટ લાગુ થયા બાદ પણ હડતાળ કે પ્રદર્શન કરતા જોવા મળશે તો આ એક્ટના ઉલ્લંઘન બદલ વોરંટ વગર હડતાળ કરનારની ધરપકડ કરવામાં આવશે.
દેશની સુરક્ષા અને કાયદામાં પોલીસ મહત્વની ભૂમિકા ભજવે છે : સીએમ યોગી
એક નિવેદન અનુસાર મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે દેશમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાનો શાનદાર માહોલ બનાવવામાં વિવિધ પોલીસ દળોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકોની ધારણા નક્કી કરવામાં પોલીસ દળની પણ મહત્વની ભૂમિકા છે અને આ ધારણા બનાવવામાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ માટે તેમણે બેવડી માનસિકતા સાથે કામ કરવું પડે છે.
આ પણ વાંચો – ભારત બંધથી દેશને થાય છે નુકસાન, જાણો શું છે ઇતિહાસ અને બંધારણીય માન્યતા
તેમણે કહ્યું હતું કે પોલીસ દળો અસામાજિક તત્ત્વો સાથે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ પોતાનું કામ કરે છે, જ્યારે તેમની અરજી પર સામાન્ય લોકો સાથે વાતચીત કરે છે અને તેમને ન્યાય પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે તેનાથી સામાન્ય માનવીનાં મનમાં એક નવો વિશ્વાસ પેદા થાય છે. તે પોલીસ દળની સંવેદનશીલતા પણ દર્શાવે છે.
પંજાબ, હરિયાણામાં ખેડૂતોનું ભારત બંધ
પંજાબમાં ઘણી જગ્યાએ બજારો અને દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી. પઠાણકોટ, તરણ તારણ, બઠિંડા અને જલંધરમાં ખેડૂતોએ અનેક સ્થળોએ દેખાવો કર્યા હતા અને રાજમાર્ગો અવરોધિત કર્યા હતા. તેઓએ તેમની માંગણીઓ ન સ્વીકારવા બદલ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
હરિયાણાના હિસારમાં હરિયાણા રોડવેઝના કર્મચારીઓએ ‘ભારત બંધ’ને સમર્થન આપ્યું હતું, જેના કારણે બસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારતીય કિસાન યુનિયનના સભ્યોએ હરિયાણાના અનેક ટોલ પ્લાઝા પર ધરણા કર્યા હતા અને અધિકારીઓ પર મુસાફરો પાસેથી ટોલ ટેક્સ ન વસૂલવા માટે દબાણ કર્યું હતું.





