ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે હેટ સ્પીટ મામલે સજા થયેલા આઝમ ખાનને પોતાના ધારાસભ્ય પદથી હાથ ધોવા પડ્યા હતા. અખિલેશ યાદવની ટીમના મહત્વના નેતા આઝમ સામે નિર્ણય ઉત્તર પ્રદેશ વિધાનસભા તરફથી લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના રામપુરમાં આઝમ ખાન પર હેટ સ્પીચનો મામલો નોંધાયો હતો.
હેટ સ્પીચના દોષી, ત્રણ વર્ષની સજા
હેટ સ્પીચ મામલામાં 28 ઓક્ટોબરે એમપી એમએલએની સ્પેશિયલ કોર્ટે આઝમ ખાન ઉપર ભડકાઉ ભાષણ આપવા, સમાજમાં નફરત ફેલાવવા મામલે દોષી ઠેરવ્યા હતા. કોર્ટે તેમને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. જોકે, કોર્ટે આઝમ ખાનને સજાની સામે હાઇકોર્ટમાં અપીલ કરવા માટે આઠ દિવસનો સમય પણ આપ્યો હતો.
જોકે, સજા સંભળાવ્યા બાદ એમપીએમએલએ કોર્ટે તેમને નિયમો પ્રમાણે જામીન આપી દીધા હતા. સપા નેતા સામે વર્ષ 2017 પછી લગભગ 80 કેસોમાં પહેલો કેસ છે જેમાં સજા સંભળાવવામાં આવી છે. બાકીના બધા કેસો ન્યાયાલયમાં વિચારાધીન છે.
નિયમો કહે છે?
સુપ્રીમ કોર્ટના એક નિર્ણય અનુસાર જો સાંસદો અને ધારાસભ્યોને કોઈપણ કેસમાં 2 વર્ષથી વધુની સજા થશે તો તેમનું સભ્યપદ રદ થઈ જશે. કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(4)ને ફગાવી દીધી હતી. આ કલમ ક્રિમિનલ કેસમાં સજા પામેલા સાંસદો, ધારાસભ્યો માટે ઢાલ સમાન હતી.
આઝમ તાજેતરમાં જ રામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. અગાઉ તેઓ રામપુર લોકસભા બેઠક પરથી સાંસદ હતા. પરંતુ 2022ની ચૂંટણી જીત્યા બાદ તેમણે સાંસદ છોડી દીધું હતું. તેમના દ્વારા ખાલી કરાયેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ ત્યારે સપાને મોટો ઝટકો લાગ્યો હતો. ભાજપે બેઠક જીતી હતી.
આઝમ ખાન વિરુદ્ધ આ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો
એપ્રિલ 2019 માં આઝમ ખાન વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 153-A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 505 (1) અને કલમ 125 (ચૂંટણી સાથે જોડાયેલા વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સિવાય આઝમ ખાન પર ચૂંટણી અધિકારી અનિલ કુમાર ચૌહાણને ધમકાવવા અને અસભ્ય ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. આ ઉપરાંત તેના પર ઉશ્કેરણીજનક નિવેદનો કરીને વિસ્તારના લોકોમાં અશાંતિ ફેલાવવાનો પણ આરોપ છે.