Uttarakhand Helicopter Crash In Gaurikund : ઉત્તરાખંડમાં કેદારનાથ થી પરત આવી રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમા 7 લોકો સવાર હતા, જેમા ગુજરાતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. દહેરાદુનથી કેદારનાથ જતી વખતે ગૌરીકુંડના જંગલોમાં રવિવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
કેદરાનાથથી પરત આવતું હેલિકોપ્ટર ગૌરીકુંડના જંગલમાં ક્રેશ
ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડો.વી.મુરુગેસને આ ઘટનાની પુષ્ટિ કરી છે. રાજ્ય સરકારે માહિતી આપી છે કે 15 જૂને સવારે લગભગ 5:20 વાગ્યે આર્યન એવિએશનનું VTBKA/ BELL 407 હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ક્રેશ થયું હતું. તે કેદારનાથ ધામથી ગુપ્તકાશી તરફ જઇ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલોટ (6 પુખ્ત વયના લોકો અને 1 બાળક) સહિત કુલ 7 મુસાફરો હતા. આ યાત્રીઓ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડે જણાવ્યું કે, મૃતક યાત્રીઓમાં શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિનો કર્મચારી પણ હતો.
ગઢવાલના આઈજી રાજીવ સ્વરૂપે જણાવ્યું હતું કે, યાત્રાળુઓને કેદારનાથ લઈ ગયા બાદ ક્રેશ થયેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ જવા માટે ઉડાન ભરી હતી. જે જગ્યાએ આ અકસ્માત થયો છે તે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. પોલીસ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
છેલ્લા કેટલાક દિવસોમાં કેદારનાથમાં આ ત્રીજી હેલીકોપ્ટર દુર્ઘટના છે. આ પહેલા 17 મેના રોજ ત્યારબાદ 7 જૂને હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મે મહિનામાં દહેરાદૂનથી ગંગોત્રી ધામ જઈ રહેલું હેલિકોપ્ટર ઉત્તરકાશીના ગંગનાની પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને એક ઘાયલ થયો હતો.
પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને હેલિકોપ્ટર ક્રેશ અંગે જાણકારી આપી છે. ધામીએ X પર જણાવ્યું હતું કે, “જિલ્લામાં રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે ખૂબ જ દુ:ખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ”