Uttarkashi Tunnel Rescue : રેસ્ક્યુ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મીની એન્ટ્રી, 15 દિવસની ડેડલાઈન અને પ્લાન એ, બી અને સી

Uttarkashi Tunnel Rescue : ઓગર મશીન દ્વારા ઘણું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે પરંતુ હવે તેમાં પણ ટેક્નિકલ ખામી આવી ગઇ છે. હવે રેસ્ક્યુ ટીમ હોરિજોન્ટલ ડ્રિલિંગ દ્વારા મિશનને આગળ વધારવા જઈ રહી છે

Written by Ashish Goyal
November 26, 2023 19:05 IST
Uttarkashi Tunnel Rescue : રેસ્ક્યુ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મીની એન્ટ્રી, 15 દિવસની ડેડલાઈન અને પ્લાન એ, બી અને સી
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે (Express Photo: Chitral Khambhati)

Uttarkashi Tunnel Collapse : ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે. પહેલા જે રેસ્ક્યુને બેથી ત્રણ દિવસમાં પૂરું થવાની વાત થતી હતી હવે તે સીધું 15 દિવસ આગળ વધી ગયું છે. ઓગર મશીન દ્વારા ઘણું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે પરંતુ હવે તેમાં પણ ટેક્નિકલ ખામી આવી ગઇ છે. હવે રેસ્ક્યુ ટીમ હોરિજોન્ટલ ડ્રિલિંગ દ્વારા મિશનને આગળ વધારવા જઈ રહી છે.

રેસ્ક્યૂ ટીમ પાસેથી જાણો, શું છે તૈયારી

સિલ્કયારા ટનલ રેસ્ક્યૂ ઓપરેશન અંગે એડિશનલ સેક્રેટરી ટેકનિકલ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મહમૂદ અહમદે જણાવ્યું હતું કે અમને આશા છે કે આગામી બે દિવસથી એટલે કે 28 નવેમ્બરથી ડ્રિલિંગ શરૂ થશે. આ એક લાંબી પ્રક્રિયા છે, અમારી પાસે 15 દિવસનો લક્ષ્ય છે. અમે ડ્રિફ્ટ ટનલ પણ બનાવવા માંગીએ છીએ, ડિઝાઇન બનાવી લેવામાં આવી છે અને મંજૂરી આપવામાં આવી છે. અમે આ વિવિધ પાસાઓ પર કામ કરી રહ્યા છીએ, બડકોટ બાજુથી ડ્રિલિંગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમે ગઈકાલથી વધુ 2-3 વિકલ્પો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમે એસજેવીએનએલને અમારા માટે 1-1.2 મીટર વ્યાસનું વર્ટિકલ ડ્રિલિંગ કરવા જણાવ્યું છે. અમે એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાંથી વધુ સારી ડ્રિલિંગ થઈ શકે છે. લગભગ 15 મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. અમે એક એવી જગ્યાની ઓળખ કરી છે જ્યાંથી અમારો અંદાજ છે કે કુલ 86 મીટર ડ્રિલિંગ થવાનું છે. આ આગામી 2 દિવસમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો –  લુડો, તાશ અને ચેસ, ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના માનસિક સ્વાસ્થ્યનું પણ રાખવામાં આવી રહ્યું છે ધ્યાન

સૌથી મોટો પડકાર શું છે?

હાલના સમયે ટનલના પ્રવેશદ્વાર પર સતત પાણી લીકેજ થવાથી સૌની ચિંતા પણ વધી ગઈ છે. તે અલગ બાબત છે કે બચાવ ટીમ તેને સામાન્ય ઘટના તરીકે ગણી રહી છે અને તેના પર વધુ ધ્યાન આપી રહી નથી. ટનલમાં જ ફસાયેલા ઓગર મશીનને કાપવાની પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તે સમજવું મહત્વપૂર્ણ છે કે આ અમેરિકન મશીને ટનલમાં લાંબા સમય સુધી ડ્રિલિંગ પૂર્ણ કર્યું છે. પરંતુ હવે જ્યારે ટનલમાં મશીન ફસાઈ ગયું છે ત્યારે સતત આવી રહેલા સળીયાઓએ તેના પડકારને વધારી દીધો છે.

પ્લાન એ, પ્લાન બી અને પ્લાન સી

આ કારણે હવે ત્રણ પ્લાન પર કામ થઇ રહ્યું છે. પ્રથમ પ્લાન હેઠળ મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવશે. આના દ્વારા માત્ર કાટમાળ જ નહીં હટાવવામાં આવશે પરંતુ ઓગર મશીનના તે ભાગોને પણ બહાર કાઢવામાં આવશે જે હાલ ટનલમાં ફસાયેલા છે. પ્લાન બી વર્ટિકલ ડ્રિલિંગ વિશે છે જ્યાં પહાડની ઉપર જ 82 મીટરનું ખોદકામ કરવામાં આવશે. આ કામમાં એક મશીનનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ત્રીજા પ્લાનની વાત કરીએ તો બડકોટ છેડેથી પણ રેસ્ક્યૂ ટીમ ખોદકામ કરી રહી છે. ત્યાંથી ડ્રિલ કરવામાં 12થી 13 દિવસનો સમય લાગી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ