Uttarkashi tunnel Rescue : ઉત્તરાખંડના સિલ્કયારામાં ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં કાટમાળની આરપાર 6 ઇંચની પાઇપ મુકીને કામદારોને ગરમ ભોજન પહોંચાડવામાં સફળતા મેળવી છે. આ પાઇપ દ્વારા ટનલમાં એન્ડોસ્કોપિક ફ્લેક્સી કેમેરા પણ લગાવવામાં આવ્યો છે, જેમાં પહેલીવાર ટનલમાં ફસાયેલા મજૂરોની તસવીરો સામે આવી છે.
વિવિધ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વીડિયો સામે આવ્યા હતા. જેમાં બચાવ અધિકારી ટનલમાં ફસાયેલા કામદારોને રેડિયો હેન્ડસેટ સોંપવામાં આવી રહ્યા છે. વોકી ટોકી દ્વારા કામદારો સાથે વાત કરવામાં આવી રહી છે. સુરંગમાં ફસાયેલા મજૂરોની તસવીરો જોયા બાદ માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ દેશભરના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
શ્રમિકો સાથે શું થઇ વાતચીત?
મીડિયા સાથેની વાતચીતમાં વિક્રમ સિંહ નામના વ્યક્તિએ જણાવ્યું કે તેણે ટનલમાં ફસાયેલા પોતાના ભાઈ સાથે વોકી-ટોકી દ્વારા વાત કરી હતી. વિક્રમ સિંહે કહ્યું કે તેમણે કહ્યું કે તે સુરક્ષિત છે. તેમણે પરિવાર વિશે પણ સવાલ કર્યા હતા. વિક્રમે કહ્યું કે પ્રશાસને તેમને ખાતરી આપી હતી કે તેમના ભાઈ સહિત અન્ય તમામ લોકોને ટૂંક સમયમાં બચાવી લેવામાં આવશે.
આ પણ વાંચો – જાણો 10મા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ક્યાં સુધી પહોંચ્યું?
સુરંગમાં ફસાયેલા મનજીત નામના મજૂરના પિતાએ મીડિયાને જણાવ્યું કે વીડિયો જોઈને ખૂબ જ સારું લાગ્યું, દિલ ખૂબ જ સંતુષ્ટ થઈ ગયું. અમે ખૂબ ખુશ છીએ. પરિવાર પણ ખુશ છે. અન્ય એક મહિલાએ પોતાના જીજાજી સાથે વાત કર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે આજનો દિવસ પહેલા કરતા ઘણો અલગ છે. આજે એક ખૂબ જ સ્પષ્ટ અવાજ હતો. અંદર રહેલા લોકો ઠીક છે. તેઓ પૂછી રહ્યા હતા કે તેમને ક્યાં સુધી બહાર કાઢવામાં આવશે. અમે તેમને આશા આપી છે.
મુખ્યમંત્રીએ કહ્યું – મજૂરોને બહાર કાઢવાની પહેલી પ્રાથમિકતા
મંગળવારે દહેરાદૂનમાં મીડિયા સાથે વાત કરતા રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે સરકારની પહેલી પ્રાથમિકતા મજૂરોને બહાર કાઢવાની છે. હમણાં કેમેરો મોકલ્યો છે અને તેમને વોકી-ટોકી અને સંદેશાવ્યવહારના અન્ય માધ્યમો પ્રદાન કરવા માટે વધુ વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમનું મનોબળ સારું છે, દરેક વ્યક્તિ સ્વસ્થ છે અને આગળ શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવશે.





