Uttarkashi Tunnel Rescue workers Update : ઉત્તરાખંડની ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલમાંથી બહાર આવેલા પ્રથમ શ્રમિકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે સાથે વાતચીત પણ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મજૂરોની તબિયત સારી છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ અને રાજ્યના મુખ્યમંત્રી ઘટના સ્થળે હાજર છે અને સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે.
શ્રમિકોને ટનલની બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. સુરંગ દરમિયાન થયેલા ઘટનાક્રમને નજીકથી જોનારા એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મજૂરો સ્વસ્થ છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારા લગાવ્યા હતા.
આ પહેલા સોમવારે ‘રેટ હોલ માઇનિંગ’ નિષ્ણાતો કાટમાળના સ્થળે પહોંચ્યા હતા. ચારધામ યાત્રા માર્ગ પર બનાવવામાં આવી રહેલી આ ટનલના અવરોધિત ભાગમાં પડેલા 10-12 મીટરના કાટમાળને સાફ કરવા માટે ‘રેટ હોલ માઈનિંગ’ના આ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. અગાઉ, ટનલમાં આડું ડ્રિલિંગ કરતી ઓગર મશીન શુક્રવારે કાટમાળમાં ફસાઈ ગયા પછી, બચાવ ટીમોએ વૈકલ્પિક માર્ગ બનાવવા માટે રવિવારથી ઊભી ડ્રિલિંગ શરૂ કરી હતી. મેન્યુઅલી ડ્રિલિંગ કરતી વખતે પાઇપને દબાણ કરવામાં આવ્યું હતું.
કામગીરી ઓછામાં ઓછા 3-4 તબક્કામાં પૂર્ણ થશે
અક્ષત કાત્યાલ, એમડી, એક્યુરેટ કોંક્રીટ સોલ્યુશન્સે જણાવ્યું હતું કે, “…પાઈપ કોઈપણ અવરોધ વિના ખૂબ જ કાળજીપૂર્વક નાખવામાં આવી છે. જેને અંદર ધકેલવામાં આવે છે, એક પ્રગતિ દેખાય અને પાઇપ પસાર થાય છે. કામદારોને બચાવવાની કામગીરી શરૂ થઇ ગઈ છે. બચાવ કામગીરી ઓછામાં ઓછા 3-4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
આર્નોલ્ડ ડિક્સે સ્થાનિક દેવતાને પ્રાર્થના કરી
કામદારોને ગમે ત્યારે ટનલમાંથી બચાવી શકાય છે. રેસ્ક્યુ ઓપરેશન પહેલા આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે મંદિરની બહાર પ્રાર્થના કરી હતી.
સીએમ ધામી ટનલની અંદર ગયા
સિલ્ક્યારા રેસ્ક્યુ સાઇટ પર પહોંચેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ ટનલની અંદર ગયા હતા. મેડિકલ ટીમ પણ ટનલની અંદર ગઈ. કામદારોના પરિવારજનોને ટનલની બહાર બોલાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત) અને PMOના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબે સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવ્યા.
એમ્બ્યુલન્સ સિલ્ક્યારા ટનલમાં પ્રવેશી
ઘણી એમ્બ્યુલન્સ સિલ્ક્યારા ટનલમાં પ્રવેશી રહી છે. NDRF, SDRF અને અન્ય ઘણી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે. સીએમ ધામી પણ બચાવ સ્થળ પર પહોંચ્યા હતા
ટનલમાં પાઇપ નાખવાનું કામ પૂર્ણ – ધામી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ સાઇટ પર પહોંચ્યા. CMએ કહ્યું કે, “બાબા બૌખ નાગજીની અપાર કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને બચાવ કાર્યમાં લાગેલી તમામ બચાવ ટુકડીઓની અથાક મહેનતના પરિણામે, કામદારોને બહાર કાઢવા માટે સુરંગમાં પાઈપ નાખવાનું કામ ચાલી રહ્યું હતુ જે પૂર્ણ થયેલ છે. ટૂંક સમયમાં તમામ મજૂર ભાઈઓને બહાર કાઢવામાં આવશે.
NDRF-SDRFની ટીમ ટનલની અંદર પ્રવેશી
ઉત્તરાખંડના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે ચાલી રહેલ રેસ્ક્યુ ઓપરેશન લગભગ પૂર્ણ થઈ ગયું છે. વર્ટિકલ ડ્રિલિંગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. NDRF-SDRF ટીમ ટનલની અંદર પ્રવેશી છે. સિલ્ક્યારા ટનલની અંદર બે એમ્બ્યુલન્સને પણ લઈ જવામાં આવી છે.
પીએમ મોદીએ સીએમ ધામીને ફોન કર્યો હતો
PMએ ઉત્તરકાશી ટનલ બચાવ કામગીરી વિશે માહિતી માટે CMને ફોન કર્યો. સીએમઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફોન કર્યો અને સિલ્ક્યારામાં સુરંગમાં ફસાયેલા કામદારોની રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લીધી.