scorecardresearch

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સરેરાશ કેટલી સ્પીડમાં દોડે છે? દરેક રૂટ પર સ્પીડ અલગ-અલગ કેમ? RTIમાં થયો ખુલાસો

Vande Bharat trains speed : હાલ રેલવે મંત્રાલયદ્વારા કુલ 14 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન તેની મહત્તમ સ્પીડે કેમ દોડતી નથી અને દરેક રૂટ પર સ્પીડ અલગ-અલગ કેમ હોય છે. ચાલો જાણીયે

vande bharat express trains
હાલ રેલવે મંત્રાલય દ્વારા કુલ 14 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી રહી :છે.

રેલવે મંત્રાલય દ્વારા ઘણી બધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને આગામી સમમયાં આવી વધુ ટ્રેન શરૂ કરવાની યોજના ચાલી રહી છે. આવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ અંગે એક રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI)માં મોટો ખુલાસો થયો છે. દેશના અનેક રૂટ પર દોડતી સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં સરેરાશ 83 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ દાખલ કરાયેલી અરજીના જવાબમાં આ માહિતી સામે આવી છે. RTI હેઠળ મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મહત્તમ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવાની ક્ષમતા હોવા છતાં, દરેક રૂટ પરના રેલવે ટ્રેકની અલગ-અલગ સ્થિતિને કારણે તેની સરેરાશ ઝડપ બદલાય છે.

ક્યાંક 64 તો ક્યાંક 95 કિમી પ્રતિ કલાકની સરેરાશ સ્પીડ

RTIથી પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ CSMT- સાઈનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસની સરેરાશ સ્પીડ 64 કિમી પ્રતિ કલાક છે, જે અન્ય તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો કરતા ઓછી છે. તે જ સમયે, દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, જે સૌથી પહેલા શરૂ થઈ હતી તે સરેરાશ 95 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. દેશની તમામ વંદે ભારત ટ્રેનોમાં આ સૌથી વધારે સ્પીડ છે. રાણી કમલાપતિ (હબીબગંજ)- હઝરત નિઝામુદ્દીન વંદે ભારત એક્સપ્રેસ 94 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ હાંસલ કરીને બીજા નંબરે છે.

મહત્તમ મંજૂર થયેલી સ્પીડ પ્રતિ કલાક 130 કિમી

RTIના જવાબમાં અધિકારીઓએ જણાવ્યું છે કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરંતુ કોમર્શિયલ ઓપરેશન દરમિયાન તેને મહત્તમ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની મંજૂરી મળી છે. મધ્યપ્રદેશના ચંદ્ર શેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં પ્રાપ્ત માહિતી મળી છે. જે અનુસાર આવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેનની સરેરાશ ગતિ 2021-22માં 84.48 kmph અને 2022-23માં 81.38 kmph હતી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક મલ્ટિ-યુનિટ ટ્રેન છે. આ ટ્રેન ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે, જ્યારે રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશને તેની ડિઝાઈન તૈયાર કરી છે.

આ પણ વાંચોઃ વંદે ભારતની જેમ વંદે મેટ્રો ટ્રેન 2023ના અંતે સુધીમાં શરૂ થશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો મોટો ખુલાસો

રાજધાની અને શતાબ્દી કરતાં સ્પીડ સારી

અધિકારીઓના જણાવ્યા અનુસાર વંદે ભારત ટ્રેનોની સરેરાશ સ્પીડ રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીમાં સારી છે. અધિકારીઓનું કહેવું છે કે, મુસાફરી કરતી વખતે કોઈપણ ટ્રેન કે પરિવહનનું કોઈપણ માધ્યમ હંમેશા તેની મહત્તમ ગતિ જાળવી શકતું નથી. એટલા માટે એવરેજ સ્પીડ મહત્તમ સ્પીડ કરતા ઓછી હોવી એ એકદમ સ્વાભાવિક છે. વંદે ભારત એક્સપ્રેસ રેલ્વેની મહત્વકાંક્ષી યોજના છે. આવી 14 ટ્રેનો હાલમાં મુખ્ય રૂટ પર દોડી રહી છે. અત્યારે આ ટ્રેનોમાં માત્ર ચેર કાર છે, પરંતુ ટૂંક સમયમાં સ્લીપર કોચ શરૂ થવા જઈ રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલ નેટવર્કને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વંદે ભારત જેવી ટ્રેનોની ગતિમાં વધારો થશે. તેમણે ઉમેર્યું કે, વંદે ભારત ટ્રેનનું એડવાન્સ વર્ઝન મહત્તમ 200 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરવામાં સક્ષમ હશે.

Web Title: Vande bharat express trains speed indian railways rti

Best of Express