Gyanvapi Masjid Case : વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મસ્જિદ પરિસરના એએસઆઈ સર્વેની મંજૂરી આપી દીધી છે. મુસ્લિમ પક્ષે સર્વે કરાવવાનો વિરોધ કર્યો હતો. કોર્ટના નિર્ણય મુજબ વિવાદિત વિસ્તારને બાદ કરતાં સમગ્ર કેમ્પસનો સર્વે કરવામાં આવશે.
કોર્ટનો મોટો નિર્ણય, ક્યારે થશે સર્વે?
આ કેસમાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે મને કહેવામાં આવ્યું છે કે મારી અરજીને મંજૂરી આપવામાં આવી છે અને કોર્ટે વજુ ટેન્ક છોડીને (જેને સીલ કરી દેવામાં આવ્યું છે) જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો એએસઆઈ સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે.
હવે આ કેસની આગામી સુનાવણી 4 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે. તેથી એએસઆઈને પણ 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. હિન્દુ પક્ષ લાંબા સમયથી આ માંગ કરી રહ્યો હતો, આવી સ્થિતિમાં કોર્ટના આદેશથી આ વિવાદને નિષ્કર્ષ પર લાવવા માટે મોટી પહેલ કરવામાં આવી છે.
શું છે આ આખો મામલો?
જાણકારી માટે જણાવી દઇએ કે આ મામલાની શરૂઆત આ વર્ષે 16 મે ના રોજ શરૂ થઇ હતી જ્યારે ચાર મહિલાઓએ કહ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગ સિવાય સ્થળ પર એએસઆઈ સર્વે કરાવવામાં આવે. આ અરજી પર 14 જુલાઈએ સુનાવણી થઈ હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. હવે આ જ મામલે શુક્રવારે સૌથી મહત્વનો નિર્ણય આવ્યો અને સર્વેને મંજૂરી આપવામાં આવી.
મુસ્લિમ પક્ષનો વાંધો શું છે?
જોકે આ મામલે મુસ્લિમ પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે જો જ્ઞાનપવાપી સંકુલનો પુરાતત્વીય સર્વે કરવામાં આવે તો તેવા સંજોગોમાં જ્ઞાનવાપીના માળખાને મોટું નુકસાન થઇ શકે છે. આ જ તર્કના આધારે હિન્દુ પક્ષની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે જ્ઞાનવાપી સંકુલનો પુરાતત્વીય સર્વે કરવામાં આવે તો ખોદકામ વગેરેથી જ્ઞાનવાપીના માળખાને ભારે નુકસાન થઈ શકે છે. તેથી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરનો પુરાતત્વીય સર્વે કોઈ પણ રીતે ન થવો જોઈએ. પરંતુ શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે તે દલીલો સ્વીકારી ન હતી અને હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.





