(રવિક ભટ્ટાચાર્ટ, અત્રી મિત્રા) : પશ્ચિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણીના પરિણામ બાદ રાજ્યમાં હિંસાની ઘણી ઘટનાઓ બની છે, આ બાબત સ્પષ્ટ સંકેત આપે છે કે, હિંસા રાજ્યમાં ચૂંટણીના રાજકારણનો એક અભિન્ન અંગ બની ગઇ છે. આ અગાઉ વર્ષ 2018 અને તેની પૂર્વે વર્ષ 2013મા યોજાયેલી પંચાયત ચૂંટણી વખતે પણ પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટનાઓ બની હતી.
પંચાયત ચૂંટણીમાં હિંસા, અત્યાર સુધી 33 લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીના પરિણામ 8 જુલાઇ, 2023 શનિવારે જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. આ ચૂંટણી પરિણામ બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હિંસક ઘટનાઓમાં શનિવારે મોડી સાંજ સુધીમાં 13 લોકોના મોત થયા છે. નોંધનિય છે કે, જે દિવસે મતદાનની જાહેરાત કરવામાં આવી હતી તે 8 જૂનથી અત્યાર સુધીમાં હિંસક ઘટનાઓમાં મૃત્યુઆંક 33 સુધી પહોંચી ગયો છે.
મૃતકોમાં શાસક પક્ષ TMCના કાર્યકરો વધારે
પશ્ચિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણી પરિણામ સંબંધિત હિસામાં 13 લોકોના મોત થયા જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મૃતકોમાં શાસક પક્ષના કાર્યકરોની સંખ્યા વધારે હોઈ શકે છે. શનિવારે મૃત્યુ પામનાર 13માંથી સાત લોકો TMCના કાર્યકરો હતા.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી, હિંસા અને મોત
નોંધનિય છે કે, પશ્ચિમ બંગાળમાં વર્ષ 2013 અને 2018ની પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે સત્તાવાર રીતે અનુક્રમે 13 અને 14 લોકોના મોત થયા હતા. જો કે, રાજકીય પક્ષોના બિનસત્તાવાર આંકડાઓ, છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ ચૂંટણીઓમાં તારીખોની જાહેરાતથી માંડીને ગણતરીના તબક્કા સુધી – મતદાન સંબંધિત હિંસાનું અત્યંત ગંભીર ચિત્ર રજૂ કરે છે .
રાજકીય વિશ્લેષક અને રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર વિશ્વનાથ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “બિનસત્તાવાર આંકડાઓ અનુસાર વર્ષ 2003ની પંચાયતની ચૂંટણીમાં અંદાજે 80 લોકો મૃત્યુ પામ્યા હતા. તેવી રીતે વર્ષ 2008ની પંચાયત ચૂંટણી વખતે 45 અને વર્ષ 2013માં 31 લોકો મૃત્યુ પામ્યા હતા. તો વર્ષ 2018માં આ મૃત્યુઆંક વધીને 75 થઈ ગયો હતો.”
પશ્ચિમ બંગાળમાં માત્ર પંચાયતની ચૂંટણીમાં જ નહી પણ લોકસભા ચૂંટણી પર લોહિયાળ રહી છે. તેમણે ઉમેર્યુ કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં નવ લોકોના મોત થયા હતા, અને તેના બે વર્ષ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 16 લોકોના મોત નોંધાયા હતા. જોકે 2021 પછીની હિંસા વધુ ગંભીર હતી, જેમાં મતદાન પછીની હિંસામાં 54 લોકો માર્યા ગયા હતા.
તેમણે જણાવ્યું કે, “મતદાન સંબંધિત હિંસા અને મૃત્યુઆંકને નિયંત્રિત કરવું મુશ્કેલ બની ગયુ છે, કારણ કે રાજકીયપક્ષ કોઈપણ રીતે સત્તા પર રહેવા માંગે છે.”
નિષ્ણાતોના મતે,કેન્દ્રીય સૈન્ય દળ તૈનાત કરવા અને યોગ્ય સંચાલન અને તબક્કાવાર ચૂંટણીના આયોજનને કારણે આ વખતે ચૂંટણી દરમિયાન ઓછા મોત થયા છે.
તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું, “કોણ પણ વ્યક્તિની મૃત્યુ અત્યંત દુઃખદાયક હોય છે. તૃણમૂલ કોંગ્રેસ દરેક મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરે છે. પંચાયત ચૂંટણીના ભાગરૂપે, બંગાળનું નકારાત્મક રીતે ચિત્રણ કરવા માટે એક સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. આ વિરોધ પક્ષોની યોજના હતી, જેને તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં પહેલાં જ વખોડી કાઢી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે, વિરોધ પક્ષો “હિંસાનું માર્કેટિંગ” કરી રહ્યા છે, આ પક્ષોના નેતાઓએ મૃત્યુ અને હિંસા માટે ટીએમસી અને રાજ્ય ચૂંટણી પંચ (SEC)ને જવાબદાર ઠેરવ્યા.
આ પણ વાંચો- પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસામાં 13 લોકોના મોત, ફાયરિંગ અને બોમ્બ ધમાકા
સીપીઆઈ(એમ)ની કેન્દ્રીય સમિતિના સભ્ય સુજન ચક્રવર્તીએ કહ્યું, “ચૂંટણીનો અર્થ રક્તપાત થાય છે તે વિચાર બદલવો પડશે. પરંતુ ન તો રાજ્ય સરકાર કે ન તો SEC ઇચ્છતા હતા કે આ બદલાય…. જો કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે સમયસર કેન્દ્રીય સૈન્ય દળો મોકલ્યા હોત તો હિંસા ઘટાડી શકાઈ હોત.” રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ રાહુલ સિન્હાએ કહ્યું કે જ્યાં સુધી આ ખલનાયક સરકાર છે ત્યાં સુધી આવી પરિસ્થિતિમાંથી કોઈ રાહત મળશે નહીં.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





