Sandeshkhali : પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેમને આરોપ છે કે ફરાર ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકોએ તેમની જાતીય સતામણી કરી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદા બોઝે સોમવારે સંદેશખાલી વિસ્તારની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેઓ ત્યાંના ઘટનાક્રમને જોઇને તે સ્તબ્ધ છે. સાથે જ આ મુદ્દે બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીએમસી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
સંદેશખાલી હિંસા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે મમતા બેનર્જી હિન્દુઓના નરસંહાર માટે જાણીતા છે. હવે તે પોતાના માણસોને ટીએમસી કાર્યાલયમાં યુવા પરિણીત હિન્દુ મહિલાઓને બળાત્કાર માટે લઇ જવાની મંજૂરી આપશે. આ આ વ્યક્તિ કોણ છે જેના પર સંદેશખાલીની બંગાળી હિન્દુ મહિલાઓ પર સામૂહિક રેપનો આરોપ લગાવ્યો? અત્યાર સુધી દરેક વિચારી રહ્યા છે કે શેખ શાહજહાં કોણ છે. હવે મમતા બેનર્જીએ આ સવાલનો જવાબ આપવો પડશે, શેખ શાહજહાં ક્યાં છે?
મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સંદેશખાલીમાં કેટલીક મહિલાઓએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ વર્ણવી છે. મહિલાઓએ કહ્યું છે કે ટીએમસીના ગુંડાઓ દરેક ઘરની સૌથી સુંદર મહિલાને ઓળખવા માટે ઘરે-ઘરે ગયા હતા. તેઓએ તેમના પતિને કહ્યું કે તમે પતિ હોવા છતાં, હવે તમારી પત્ની પર તમારો કોઈ અધિકાર નથી. તેઓ દરરોજ રાત્રે મહિલાઓનું અપહરણ કરતા હતા. જ્યાં સુધી તેઓ સંતુષ્ટ થતા ન હતા ત્યાં સુધી તેઓ અમને છોડતા ન હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ તમામ આરોપ ક્ષેત્રની દલિત, એસટી, માછીમાર અને ખેડૂત સમુદાયોની મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે તાજેતરમાં જ સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેની ગેંગ દ્વારા તેમની જાતીય સતામણી કરવામાં આવી હતી અને તેમની જમીનના મોટા ભાગો પર બળજબરીથી કબજો કર્યો હતો.
આ પણ વાંચો – બિહાર ફ્લોર ટેસ્ટ : વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે શું કહ્યું
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યું – તેમનો અંતરાત્મા હચમચી ગયો
રાજ્યપાલ બોઝે ખાતરી આપી હતી કે સતાવાયેલી મહિલાઓને ન્યાય માટે તમામ સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે મેં જે જોયું તે ભયાનક, આઘાતજનક અને મારા અંતરાત્માને હલાવી દેનાર હતું. મેં એવું કશુંક જોયું જે મારે ક્યારેય ન જોવું જોઈએ. મેં એવી ઘણી વાતો સાંભળી હતી જે ક્યારેય ન સાંભળવી જોઈતી હતી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિમાં આવું બન્યું તે હું માની શકતો નથી. રાજ્યપાલે કહ્યું કે તેઓ બંધારણની જોગવાઈઓ હેઠળ કાયદા મુજબ તેમની સામે લડશે. બોઝે સંદેશખાલીની પરિસ્થિતિ અંગે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે.
ટીએમસી નેતા શેખ શાહજહાં પર જાતીય સતામણીનો આરોપ
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના સંદેશખાલીના ઘણા વિસ્તારો છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં છે. 9 ફેબ્રુઆરીએ ગ્રામજનોએ ટીએમસી નેતાઓની સંપત્તિને આગ ચાંપી દીધી હતી. સંદેશખાલીના જેલિયાખલી વિસ્તારમાં ઉશ્કેરાયેલા ટોળાએ તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા શિબોપ્રસાદ હાજરાની માલિકીના ત્રણ મરઘાં ફાર્મને આગ ચાંપી દીધી હતી. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ સ્થાનિક ટીએમસી નેતાની કેટલીક અન્ય સંપત્તિઓમાં પણ તોડફોડ કરી હતી અને આગ ચાંપી દીધી હતી.
થોડા દિવસ પહેલા ટીએમસીના અન્ય એક સ્થાનિક નેતા ઉત્તમ સરદારની સંપત્તિ પર પણ સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. શેખ શાહજહાં, ઉત્તમ સરદાર અને શિબોપ્રસાદ હાજરા સહિત ટીએમસીના સ્થાનિક નેતૃત્વના વિરોધમાં ગુરુવારે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ પર થયેલા હુમલા બાદ ટીએમસી નેતા શેખ શાહજહાં ફરાર છે. ગામલોકોનું કહેવું છે કે તેઓ ઇચ્છે છે કે શાહજહાંની સાથે ઉત્તમ સરદાર અને શિબોપ્રસાદ હાજરાની ધરપકડ કરવામાં આવે.





