ચૂંટણી પહેલા CAA લાગુ કરવાથી શું ફાયદો? સરળ મુદ્દાઓમાં સમજો ભાજપની વ્યૂહરચના

સીએએ કાયદાની ચર્ચાથી ફરી રાજકારણ ગરમાઈ રહ્યું છે, કેમ ભાજપ આ મામલે સતત ચર્ચા કરી રહ્યું છે, શું છે તેની પાછળની રણનીતિ, લોકસભા ચૂંટણીમાં શું ફાયદો થઈ શકે?

Written by Kiran Mehta
February 10, 2024 22:24 IST
ચૂંટણી પહેલા CAA લાગુ કરવાથી શું ફાયદો? સરળ મુદ્દાઓમાં સમજો ભાજપની વ્યૂહરચના
અમિત શાહ અને નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

સુધાંશુ મહેશ્વરી | સીએએ કાયદો : નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA ને લઈને દેશમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે, ચૂંટણી પહેલા જ CAA લાગુ કરવામાં આવશે. તેમણે જે કહ્યું તે મહત્વનું છે કારણ કે CAA એક એવું પગલું છે કે, જો તે કાયદો બનશે તો દેશમાં ઘણું બધું બદલાઈ જશે.

હવે દરેકના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે, ચૂંટણી પહેલા જ ભાજપ આ મુદ્દાને કેમ ઉછાળી રહી છે, અચાનક આ મુદ્દાને આટલો મોટો બનાવવાની કોશિશ કેમ કરી રહી છે? ગૃહમંત્રી અમિત શાહે એક નહીં અનેક પ્રસંગોએ નિવેદન આપ્યું છે કે, CAA આવી રહ્યું છે, તેમણે બંગાળની ધરતી પરથી બૂમો પાડી છે, તેમણે દેશના ગૃહમાં ઠરાવ લીધો છે અને હવે ચૂંટણી પહેલા તેમણે ફરી પોતાના ઈરાદાઓ જાહેર કર્યા છે, સ્પષ્ટ કર્યું છે.

સીએએ કાયદો શું છે?

ચાલો પહેલા સમજીએ કે, આ CAA કાયદો શું છે. CAA એટલે નાગરિકતા સુધારો કાયદો. જો આ કાયદો બને તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એમ ત્રણ મુસ્લિમ દેશોમાં રહેતા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી સરળતાથી ભારતીય નાગરિકતા મેળવી શકશે. પ્રક્રિયા તેમણે પણ પૂર્ણ કરવી પડશે, પરંતુ આ પ્રક્રિયા થોડી સરળ બનાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે, સામાન્ય માણસે દેશની નાગરિકતા મેળવવા માટે ભારતમાં 11 વર્ષ સુધી રહેવું પડશે, પરંતુ આ મુસ્લિમ દેશોમાંથી આવતા લોકો માટે આ સમયગાળો એકથી છ વર્ષનો જ રહેશે.

હવે CAA ની આ વ્યાખ્યામાં ભાજપની રણનીતિ છુપાયેલી છે. આ બિલમાં મુસ્લિમોને નાગરિકતા આપવાનો કોઈ ઉલ્લેખ નથી, આ સૌથી મોટો વિવાદ છે અને ભાજપની રણનીતિનો તે એક ભાગ છે. તે હવે જાણીતું છે કે, ભાજપ હિન્દુત્વની રાજનીતિ કરે છે, પરંતુ તેની રાજનીતિનું વિસ્તરણ CAA છે. ભાજપની અહી એક કાંકરે અનેક નિશાનો સાધવાનો સ્પષ્ટ પ્રયાસ છે.

શું છે રણનીતિ?

એક એવું નેરેટિવ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે, જ્યાં જે પણ વિપક્ષ આ બિલનો વિરોધ કરશે, તેની પર સીધે-સીધો મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લાગી જશે. અત્યાર સુધી માત્ર રામ મંદિર કાર્યક્રમમાં વિપક્ષની ગેરહાજરીને તુષ્ટિકરણ સાથે જોડવામાં આવી રહી હતી, આગામી દિવસોમાં જ્યારે CAA ને લઈને વાતાવરણ ગરમાશે ત્યારે તેને એ જ તુષ્ટિકરણની કથા સાથે ઘડવાના પ્રયાસો જોવા મળશે. એ ન ભૂલવું જોઈએ કે, જ્યારે CAA સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર વિપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો, પરંતુ બીજી તરફ મોદી સરકારે આ જ વિપક્ષ પર ખાસ વોટ બેંકને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. એટલે કે તુષ્ટિકરણના આરોપો છે, એટલે જ ચૂંટણીની મોસમમાં CAA નો ખેલ ચાલી રહ્યો છે.

ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર – વોટબેંક ગણિત

ભાજપની ચૂંટણી રણનીતિમાં પૂર્વોત્તરને પણ અવગણી શકાય નહીં. 25 બેઠકોના આખા વિસ્તારમાં એક વસ્તુ સામાન્ય છે – લઘુમતી હિન્દુ મતદારો. ત્યાં તો એવા કેટલાએ હિન્દુઓ છે જે, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસીબતોને કારણે ભારત આવ્યા છે. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આસામમાં લગભગ 20 લાખ બાંગ્લાદેશી હિન્દુઓ રહે છે. હવે આના પરથી સમજી શકાય છે કે, આગામી દિવસોમાં નોર્થ-ઈસ્ટમાં આ વોટબેંક કેટલી નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોહલ્દવાની હિંસા : મદરેસા કાયદેસર છે કે ગેરકાયદે, કોણે ઉશ્કેર્યો, હવે કેવી સ્થિતિ છે, દરેક સવાલના જવાબ

હવે આ સંદર્ભમાં ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર પણ છે. જો અમિત શાહ બંગાળની ધરતી પરથી વારંવાર CAA ની જાહેરાત કરી રહ્યા છે તો, તેની પાછળ પણ મોટી રણનીતિ છે. હવે બંગાળમાં પણ મુસ્લિમોની મોટી વસ્તી છે, તે પણ સ્પષ્ટ છે કે, તેઓ કોને મત આપે છે. પરંતુ એ જ બંગાળમાં એક વોટ બેંક પણ છે, જે CAA લાગુ થયા બાદ ભાજપને વોટ આપી શકે છે.

બંગાળમાં મતુઆ સમુદાયની વસ્તી મોટી છે. આ એ લોકો છે, જે બાંગ્લાદેશથી બંગાળ આવ્યા છે. હવે આ સમુદાયને ભારતીય નાગરિકતા મળવી જોઈએ, ભાજપે તેને મોટો મુદ્દો બનાવ્યો છે. વાસ્તવમાં, બંગાળમાં મટુઆ સમુદાયના 2 કરોડથી વધુ લોકો છે. વિધાનસભાની 40 બેઠકો અને લોકસભાની 7થી વધુ બેઠકો પર તેમની નિર્ણાયક ભૂમિકા છે. હવે જો CAA કાયદો આવશે તો, આ મતુઆ સમુદાયને પણ ભારતીય નાગરિકતા મળશે અને ભાજપ તેનો સંપૂર્ણ શ્રેય લેતો જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ