Asad Rehman : ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લામાં ગુરુવારે (8 ફેબ્રુઆરી 2024) નઝુલની જમીન પરના અતિક્રમણને હટાવવાના મામલે કથિત રીતે હંગામો થયો હતો. આ પછી ઉગ્ર હિંસા થઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વહીવટીતંત્રે આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. નઝુલ જમીનને લઈને હિંસા થઈ હતી. એવું પૂછવામાં આવી રહ્યું છે કે જે જમીન પર ડિમોલિશન થયું હતું તે નઝુલની જમીન હતી કે કેમ?
નઝુલ જમીન શું હોય છે?
નઝુલની જમીન સરકારની માલિકીની છે, પરંતુ તે સામાન્ય રીતે સીધી રાજ્યની મિલકત તરીકે રાખવામાં આવતી નથી. રાજ્ય સામાન્ય રીતે આવી જમીન નિયત સમયગાળા માટે કોઇપણ એકમને લીઝ પર આપે છે. આ સમયગાળો સામાન્ય રીતે 15 થી 99 વર્ષનો હોય છે. લીઝની મુદત પુરી થતી હોય તો સ્થાનિક વિકાસ સત્તામંડળના મહેસુલ વિભાગને લેખિત અરજી આપીને કોઈ વ્યક્તિ તેને રિન્યુ કરાવી શકે છે. સરકાર નઝુલની જમીન પાછી લેવા અથવા લીઝને નવીકરણ કરવા અથવા તેને રદ કરવા માટે સ્વતંત્ર છે. ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં વિવિધ પ્રકારના કામો માટે નઝુલ જમીન વિવિધ સંસ્થાઓને ફાળવવામાં આવી છે.
નઝુલ ભૂમિની શરૂઆત કેવી રીતે થઈ?
બ્રિટીશ શાસન દરમિયાન તેમનો વિરોધ કરનારા રાજાઓ અને રાજકુમારો ઘણીવાર તેમની સામે બળવો કરતા હતા. આ કારણે તેમની અને બ્રિટિશ સેના વચ્ચે ઘણી લડાઈઓ થઈ. યુદ્ધમાં રાજાઓને હરાવવા પર અંગ્રેજો તેમની પાસેથી જમીન છીનવી લેતા હતા. દેશને આઝાદી મળ્યા બાદ બ્રિટિશરોએ આ જમીનો ખાલી કરી દીધી હતી, પરંતુ રાજાઓ અને રાજવીઓ પાસે ઘણી વખત અગાઉની માલિકી સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજોનો અભાવ હતો. આ જમીનોને નઝુલ જમીનો તરીકે વર્ણવવામાં આવી હતી. તેની માલિકી સંબંધિત રાજ્ય સરકારોની હતી.
આ પણ વાંચો – હલ્દવાની હિંસા : મદરેસા કાયદેસર છે કે ગેરકાયદે, કોણે ઉશ્કેર્યો, હવે કેવી સ્થિતિ છે, દરેક સવાલના જવાબ
નઝુલની જમીનનો ઉપયોગ સરકાર કેવી રીતે કરે છે?
સરકાર સામાન્ય રીતે નઝુલની જમીનનો ઉપયોગ જાહેર હેતુઓ માટે કરે છે જેમ કે શાળાઓ, હોસ્પિટલો, ગ્રામ પંચાયતની ઇમારતો વગેરેના નિર્માણ માટે કરે છે. ભારતના ઘણા શહેરોમાં નઝુલ જમીન તરીકે ચિહ્નિત જમીનના મોટા ભાગોનો ઉપયોગ સામાન્ય રીતે ભાડાપટ્ટે આપવામાં આવેલી હાઉસિંગ સોસાયટીઓ માટે કરવામાં આવે છે.
નઝુલની જમીનનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે?
ઘણા રાજ્યો નઝુલની જમીન માટે નિયમો બનાવવા માટે સરકારી આદેશો લાવ્યા છે. નઝુલ લેન્ડ (ટ્રાન્સફર) રૂલ્સ, 1956 એ એક એવો કાયદો છે જેનો ઉપયોગ મોટે ભાગે નઝુલ જમીનના ચુકાદા માટે થાય છે.
જ્યાં અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું, શું તે નઝુલ જમીન તરીકે રજિસ્ટર્ડ છે?
હલ્દવાની જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર જે મિલકત પર આ બંને ઇમારતો આવેલી છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્યુનિસિપલ કાઉન્સિલ)ની નઝુલ જમીન તરીકે નોંધાયેલી છે. પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા 15-20 દિવસથી રસ્તાઓને ટ્રાફિકથી મુક્ત કરાવવા માટે પાલિકાની મિલકતો તોડવાની ઝુંબેશ ચાલી રહી છે.
ડીએમે કહ્યું કે 30 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલી નોટિસમાં ત્રણ દિવસની અંદર અતિક્રમણ દૂર કરવા અથવા માલિકીના દસ્તાવેજો પૂરા પાડવા જણાવ્યું હતું. 3 ફેબ્રુઆરીએ ઘણા સ્થાનિકલોકોએ અમારી ટીમ સાથે ચર્ચા કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. તેમણે એક અરજી કરી હતી અને કોર્ટના નિર્ણયનું પાલન કરવા સંમત થતાં હાઇકોર્ટમાં અપીલ કરવા માટે સમયની વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટની મંજૂરી બાદ અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું.
જોકે જ્યાં આ ઘટના બની હતી તે વોર્ડ નંબર 31ના કાઉન્સિલર શકીલ અહેમદે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને 14 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણીની આગામી તારીખ સુધી રાહ જોવાની વિનંતી કરી હતી.





