મંદીના ભણકારા વચ્ચે મોંઘવારીએ સામાન્ય માણસથી લઇને સરકાર પણ મોટી મુશ્કેલી અનુભવી રહી છે. સંખ્યાબંધ પ્રયત્નો કરવા છતાં સપ્ટેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.41 ટકા નોંધાયો છે. ઉંચા મોંઘવારી દર વચ્ચે ઘઉં અને ચોખાના બફર સ્ટોકમાં સતત ઘટાડાથી સરકાર અને રિઝર્વની ઉંઘ હરામ થઇ રહી છે. કારણ કે પહેલાથી જ રવી સીઝન દરમિયાન ઘઉંના ઉત્પદનમાં ઘટાડો થયો છે અને ચાલુ ખરીફ સીઝનમાં પણ ચોખાનું વાવેતર ઘટતા તેનો પાક ઓછો રહેવાની આશંકા છે. આમ ઓછા પાકને લીધે ઘઉં-ચોખાના ભાવ હજી વધુ ઉંચે જવાની અને તેના પરિણામ સ્વરૂપે મોંઘવારીની સમસ્યા વકરવાની આશંકા છે.
ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત 3 મહિના વધારીને ડિસેમ્બર 2022 સુધી લંબાવી દીધી છે. અનાજના બફર સ્ટોકમાં સતત ઘટાડા વચ્ચે રેશનિંગ કાર્ડધારકોને મફત અનાજનું વિતરણ કેવી રીતે કરાશે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે.
સરકારી ગોદામમાં ઘઉં-ચોખાનો જથ્થો 5 વર્ષને તળિયે
સરકારી ગોદામમાં ઘઉં અને ચોખાનો જથ્થો હાલ ઘટીને 5 વર્ષની સૌથી નીચી સપાટીએ ઉતરી ગયો છે. તો બીજી બાજુ અનાજની કિંમત સપ્ટેમ્બર મહિનામાં 105 મહિનાના ઉંચા સ્તરને આંબી ગઇ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ના આંકડા અનુસાર 1લી ઓક્ટોબર, 2022ના રોજ સરકારી ગોદામોમાં ઘઉં અને ચોખાનો કુલ સ્ટોક 511.4 લાખ ટન હતો, જે વર્ષ 2017 બાદ સૌથી ઓછો છે. વર્ષ 2021માં ઓક્ટોબરના આરંભે ઘઉં અને ચોખાનો બફર સ્ટોક 816 લાખ ટન નોંધાયો હતો.
1લી ઓક્ટોબરે સરકારી ગોદામમાં ઘઉંનો બફર સ્ટોક 227.5 લાખ ટન નોંધાયો છે, જે છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઓછો જથ્થો હોવાની સાથે સાથે બફર સ્ટોકના નિયમો અનુસાર આવશ્યક 205.2 લાખ ટનથી થોડોક વધારે છે. જો કે ચોખાનો બફર સ્ટોક નિયમો અનુસાર આવશ્યક જથ્થા કરતા 2.8 ગણો વધારે હતો.
ચિંતાનું કારણ શું?
ભારતીય ખાદ્ય નિગમના ગોદામોમાં અનાજના જથ્થામાં ઘટાડો એ ચિંતાનો વિષય છે. નોન- પીડીએસ (જાહેર વિતરણ વ્યવસ્થા) ઘઉં અને લોટની માટે વાર્ષિક ભાવ વધારાનો દર સપ્ટેમ્બરમાં અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે 17.41 ટકા એ પહોંચી ગઇ છે, જે છેલ્લા આઠ મહિનામાં સૌથી વધારે છે. હાલ ભાવ ઘટવાની સંભાવનાઓ મર્યાદિત છે, કારણ કે ખેડૂતોએ ત્યાર સુધી ઘઉંનું વાવેતર કર્યુ નથી અને તેનો નવો પાક માર્ચ 2023 બાદ જ બજારમાં આવશે.
અનાજનો જથ્થો ઘટ્યો છતાં મફત અનાજ વિતરણ લંબાવ્યું
સરકારી ગોદામોમાં ઘઉં અને ચોખાનો જથ્થો પાંચ વર્ષની નીચી સપાટીએ ઉતરી જવા છતાં કેન્દ્ર સરકારે રેશનિંગ કાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં અને ચોખાનું મફત વિતરણ કરવાની યોજના ફરી 3 મહિના વધારીને ડિસેમ્બર 2022 સુધી લંબાવી છે, જે સપ્ટેમ્બર 2022માં સમાપ્ત થઇ રહી હતી.
મોંઘવારી 5 મહિનાની ટોચે
સપ્ટેમ્બર મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારી દર 7.41 ટકા નોંધાયો છે, જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી ઉંચો સ્તર છે. ઉપરાંત સતત 9માં મહિને રિટેલ ઇન્ફ્લેક્શન રિઝર્વ બેન્કના લક્ષિત 6 ટકાના મોંઘવારી દર કરતા ઉંચો રહ્યો છે, જે સરકાર અને મધ્યસ્થ બેન્ક બંને માટે માથાનો દુખાવા બની ગયા છે. ઘઉંના ભાવ વધવાથી લોટ અને તેમાંથી બનતી અન્ય ખાદ્ય ચીજોના પણ ભાવ ઘણા વધી ગયા છે. જે છેવટે ઉંચા મોંઘવારીમાં પરિણમે છે. સતત નવમાં મહિને રિટેલ ઇન્ફ્લેશન નિર્ધારિય લક્ષ્યાંક કરતા ઉંચો આવતા હવે રિઝર્વ બેન્ક સરકારને જણાવશે કે મોંઘવારી શા માટે નિર્ધારિત દાયરામાં આવી રહી નથી અને તેને કાબુમાં લેવા માટે ક્યાં પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
2016 બાદ એટલે કે નોટબંધી પછી આ પ્રથમ વખત હશે જ્યારે રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકારને રિપોર્ટ મારફતે લેવામાં આવેલા નિર્ણયો વિશે જાણ કરશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2022 થી રિટેલ મોંઘવારી દર 6 ટકાથી ઉપર રહ્યો છે અને સપ્ટેમ્બરમાં તે સૌથી વધુ 7.41 ટકા આવ્યો છે. રિઝર્વ બેન્ક મોંઘવારીને અંકુશમાં લાવવા માટે મે મહિનાથી મુખ્ય વ્યાજદરોમાં વધારો કરી રહી છે. જેમાં રિઝર્વ બેન્કે રેપોરેટ ચાર તબક્કામાં 1.9 ટકા વધારીને 5.9 ટકાના સ્તરે પહોંચાડી દીધો છે.