Crimes against women : મણિપુરમાં બે મહિલાઓ સાથે અત્યાચારનો વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. તેઓ સંસદમાં મણિપુરની સ્થિતિ પર લાંબી ચર્ચા અને વડાપ્રધાનના નિવેદનની માંગ કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે, જો મણિપુરની વાત કરવામાં આવે તો બંગાળ અને રાજસ્થાનમાં પણ મહિલાઓ પર થતા અત્યાચારની વાત થશે.
તમને જણાવી દઈએ કે, મણિપુરમાં ભાજપનું શાસન છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને રાજસ્થાનમાં કોંગ્રેસ છે. ભાજપ અને વિપક્ષ વચ્ચેની ટક્કર વચ્ચે મહિલાઓ સાથે અત્યાચાર મુદ્દે સાંસદોના સવાલનો જવાબ સરકાર તરફથી આવી ગયો છે.
ચાર સાંસદોના પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ કહ્યું કે, 2017 થી 2021 ની વચ્ચે 28 રાજ્યોમાં બળાત્કાર અથવા સામૂહિક બળાત્કાર પછી મહિલાઓની હત્યાના 1278 કેસ નોંધાયા છે. આમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને આસામ બીજા નંબરે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 218 અને આસામમાં 191 કેસ નોંધાયા છે.
ત્રીજા અને ચોથા નંબરે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર છે જ્યાં અનુક્રમે 166 અને 133 કેસ નોંધાયા હતા. આ આંકડા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ 25 જુલાઈના રોજ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં રજૂ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, 2017 થી 2021 ની વચ્ચે ભાજપે ઉત્તર પ્રદેશ અને આસામમાં સંપૂર્ણ સમય શાસન કર્યું હતું.
બંગાળ, રાજસ્થાન અને છત્તીસગઢની સ્થિતિ
રાજસ્થાનમાં બળાત્કાર અથવા સામૂહિક બળાત્કાર બાદ હત્યાના 39 કેસો નોંધાયા છે, જ્યારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં આ સમયગાળા દરમિયાન અનુક્રમે 32 અને 30 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો – લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની મંજૂરી, શું BJP-NDAને ડરવાની જરૂર છે?
સરકારના આંકડામાં કયા રાજ્યની સ્થિતિ કેવી છે?
ડૉ. ચંદ્ર સેન જાદૌન, ડૉ. સંઘમિત્રા મૌર્ય, કેશરી દેવી પટેલ અને સંજય જાધવે પૂછ્યું કે, શું દેશમાં મહિલાઓ પર અત્યાચાર, ખાસ કરીને બળાત્કાર અને હત્યાના કેસમાં વધારો થયો છે? ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ મહિલાઓની ઉત્પીડન સંબંધિત પ્રશ્નોના જવાબમાં ડેટા રજૂ કર્યો હતો.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના 2021ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં ભારતમાં પ્રતિ દિવસ સરેરાશ, દરરોજ 86 બળાત્કાર અને દર એક કલાકે મહિલાઓ વિરુદ્ધ અપરાધના 49 કેસ નોંધાયા છે.

બળાત્કારના મામલામાં રાજસ્થાન ટોચ પર
NCRB-2021ના ડેટામાં રાજસ્થાન (6,337) મહિલાઓ પર બળાત્કારના મામલામાં ટોચ પર છે. આ યાદીમાં બીજા સ્થાને મધ્યપ્રદેશ (2,947), ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર (2,496) અને ચોથા સ્થાને ઉત્તર પ્રદેશ (2,845) આવે છે.





