કલ્પના સોરેન : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. ED હેમંત સોરનની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં જો ED હેમંત સોરેનની ધરપકડ કરે છે તો, રાજ્યની કમાન તેમની પત્ની કલ્પના સોરેનને સોંપવામાં આવી શકે છે. સૂત્રોના હવાલાથી એવા પણ સમાચાર છે કે, હેમંત સોરેને ધારાસભ્યોની બેઠકમાં માહિતી આપી છે કે ધરપકડના કિસ્સામાં તેઓ તેમની પત્નીને આદેશ આપશે.
આવી સ્થિતિમાં કલ્પનાની સરખામણી રાબડી દેવી સાથે થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. 1996 માં લાલુ પ્રસાદની ધરપકડ બાદ રાબડી દેવી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. કલ્પના સોરેન ધારાસભ્ય નથી અને જો તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લે છે, તો તેમણે 6 મહિનાની અંદર પેટાચૂંટણી જીતીને વિધાનસભાના સભ્ય બનવું પડશે. આ મામલામાં એક ટ્વિસ્ટ એ પણ છે કે, ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ એક વર્ષથી ઓછા સમયમાં પૂરો થઈ રહ્યો છે, તેથી પેટાચૂંટણીની શક્યતા નકારી પણ શકાય છે.
કલ્પના સોરેન કોણ છે?
હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન કોઈ રાજકીય પૃષ્ઠભૂમિની નથી અને મૂળ ઓડિશાના મયુરભંજ જિલ્લાની છે. કલ્પના સોરેનનો જન્મ 1976 માં રાંચીમાં થયો હતો. તેમના પિતા બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે. કલ્પનાના લગ્ન 7 ફેબ્રુઆરી 2006 ના રોજ હેમંત સોરેન સાથે થયા હતા. કલ્પના અને હેંમત સોરેનને નિખિલ અને અંશ નામના બે બાળકો છે. કલ્પના બિઝનેસ અને ચેરિટી વર્ક સાથે જોડાયેલી છે.
કલ્પનાનું શિક્ષણ?
ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી અમ્પા મુર્મુના પ્રથમ સંતાન કલ્પનાએ તેમનું પ્રારંભિક શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય, બારીપાડામાંથી કર્યું હતું. આ પછી તેણે ભુવનેશ્વરની એક કોલેજમાંથી B.Tech નો અભ્યાસ કર્યો. બિઝનેસ મેનેજમેન્ટમાં રસ હોવાને કારણે તેમણે એમબીએની ડિગ્રી પણ લીધી. તે ઝારખંડમાં એક બિઝનેસવુમન અને સોશિયલ વર્કર તરીકે પણ ઓળખાય છે. તે રાંચીની એક પ્લે સ્કૂલની ઓપરેટર પણ છે અને એક ખાનગી કંપનીની ડાયરેક્ટર પણ છે. આ સાથે, તે ઓર્ગેનિક ખેતીમાં પણ રસ ધરાવે છે અને તેના માટે કામ પણ કરે છે. તે મહિલા અને બાળ સશક્તિકરણ કાર્યક્રમોમાં પણ નિયમિતપણે ભાગ લે છે.
આ પણ વાંચો – Parliament Budget Session : સંસદ બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ મહિલાઓના યોગદાન પર મુક્યો ભાર, વિપક્ષ પર સાધ્યું નિશાન
કલ્પના પાસે કેટલી મિલકત છે?
Myneta.com પર 2019 માં આપેલા ચૂંટણી એફિડેવિટ મુજબ, કલ્પના સોરેન પાસે વિવિધ બેંકોમાં તેમના બેંક ખાતાઓમાં 2,55,240 રૂપિયા છે. પોસ્ટ ઓફિસના ખાતામાં 6 લાખ 79 હજાર 873 રૂપિયા છે. LIC અને ICICI પાસે 24 લાખ રૂપિયાની પોલિસી છે. તેમના નામે મારુતિ સિયાઝ કાર પણ છે. કલ્પના સોરેન પાસે 24,85,000 રૂપિયાની 655 ગ્રામ સોનાની જ્વેલરી છે. 9 લાખથી વધુની કિંમતની 20 કિલો ચાંદી છે. કલ્પનાના નામે 3 કોમર્શિયલ બિલ્ડીંગ પણ છે. જેની કુલ કિંમત એફિડેવિટમાં 4,87,00,000 રૂપિયા જણાવવામાં આવી છે.