Kedarnath Helicopter Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાના આસું હજી સુકાયાના નથી ત્યારે ઉત્તરાખંડના કેદારનાથમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની કરૂણ ઘટના બની છે. 15 જૂન, રવિવારે વહેલી સવારે હેલિકોપ્ટર કેદારનાથ ધામથી યાત્રાળુઓને લઈ જઈ રહ્યું હતું ત્યારે ગૌરીકુંડ નજીક તે ક્રેશ થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે, જેમા એક ગુજરાતી યાત્રી સામેલ છે. કુદરતની કઠણાઇ જુઓ આજ સમગ્ર દુનિયામાં ફાધર્ડ ડે ઉજવાઇ રહ્યો છે ત્યાર માત્ર 4 મહિનાના જોડિયા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ અકસ્માતમાં હેલિકોપ્ટરના પાયલોટ કેપ્ટન રાજવીર સિંહ ચૌહાણ સહિત 7 લોકોના મોત થયા હતા. કેપ્ટન રાજવીરસિંહ ચૌહાણ મૂળ રાજસ્થાનના હતા. ચૌહાણ 2009માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા અને તેમને લેફ્ટનન્ટ કર્નલના પદ પર બઢતી આપવામાં આવી હતી. તેઓ 15 વર્ષ સુધી આર્મીમાં રહ્યા હતા.
લિંક્ડઇન પર રાજવીરસિંહ ચૌહાણની પ્રોફાઇલમાંથી મળેલી માહિતી અનુસાર, તેમની ભૂમિકા ઉડાન કામગીરીની યોજના બનાવવાની હતી અને મુશ્કેલ વિસ્તારોમાં ફ્લાઇંગ મિશન હાથ ધરવાની હતી, એવા વિસ્તારોમાં જ્યાં બહુ ઓછા લોકો જઇ શકે છે.
પ્રોફાઇલમાં શું લખ્યું છે?
રાજવીર સિંહ ચૌહાણે તેમની પ્રોફાઇલમાં લખ્યું છે કે, “મેં અંતરિયાળ વિસ્તારો માટે, પ્રાથમિક શાળાઓ સ્થાપવા, આરોગ્ય કેન્દ્રો સ્થાપવા અને સ્થાનિક લોકોના જીવનમાં સુધારો લાવવા સુધીની ઘણી પહેલ કરી છે.” મેં 50 કુશળ એર ટ્રાફિક કર્મચારીઓની ટીમનું નેતૃત્વ કર્યું હતું. મેં પંજાબના મુશ્કેલ ભૂપ્રદેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉડ્ડયન કામગીરીની યોજના બનાવી અને સફળતાપૂર્વક પાર પાડી છે.”
ચૌહાણે લખ્યું છે, “અમે મુશ્કેલ સમયમાં મોખરે હતા. પૂર જેવી સ્થિતિમાં, અમે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી પહોંચાડી, જીવન બચાવ્યું અને સૈનિકોને આવશ્યક પુરવઠો પહોંચાડ્યો. તેમણે પોતાની લિંક્ડઇન પ્રોફાઇલમાં એમ પણ કહ્યું છે કે ભારતીય સેનામાં તેની પાસે 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે.
રાજવીર સિંહ ચૌહાણ 2007માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ.ની ડિગ્રી મેળવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયપુર શહેરની શાસ્ત્રી નગર કોલોનીમાં રહેતી રાજવીર સિંહની પત્ની દીપિકા ચૌહાણ પણ લેફ્ટિનેન્ટ કર્નલ છે. રાજવીર સિંહ ચાર મહિના પહેલા જ પિતા બન્યા હતા.
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ મહત્વની બેઠક યોજી
ઉત્તરાખંડમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોની ગંભીર નોંધ લેતા સીએમ પુષ્કરસિંહ ધામીએ હેલિકોપ્ટર ઓપરેશનને લઇને મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં સીએમ ધામીએ કહ્યું કે, રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP તૈયાર કરવામાં આવે, જેમાં ઉડાન ભરતા પહેલા હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ અને હવામાનની સચોટ જાણકારીની સંપૂર્ણ તપાસ કરાવવી ફરજિયાત હોવી જોઈએ.
સીએમ ધામીએ મુખ્ય સચિવને તકનીકી નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાની સૂચના આપી છે, જે હેલિકોપ્ટર ઉડાન કામગીરીના તમામ તકનીકી અને સલામતી પાસાઓની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી SOP તૈયાર કરશે.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કમિટી એ સુનિશ્ચિત કરશે કે હેલિકોપ્ટર સેવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શી રીતે અને નિયત માપદંડો અનુસાર સંચાલિત કરવામાં આવે છે.