શ્યામલાલ યાદવ : પહેલવાનોના ધરણાના કારણે ભાજપ પર પોતાના સાંસદ અને કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે. હાલ બ્રિજભૂષણ સિંહ ઉત્તર પ્રદેશની કેસરગંજ લોકસભા સીટથી સાંસદ છે. 1991માં બ્રિજભૂષણ પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. એક વખત તેમના પત્ની પણ સાંસદ રહી ચુક્યા છે.
1996માં જ્યારે દાઉદ ઇબ્રાહિમના સાથીઓને આશ્રય આપવાના આરોપસર ટાડા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ બ્રિજભૂષણને ટિકિટ મળી ન હતી. આ સમયે તેમના પત્ની કેતકીદેવી સિંહને ભાજપે ગોંડાથી મેદાનમાં ઉતાર્યા હતા અને જીત્યા હતા. 1998માં બ્રિજભૂષણનો ગોંડાથી સમાજવાદી પાર્ટીના કીર્તિવર્ધન સિંહ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
તેમના પ્રભાવશાળી ચૂંટણી પ્રભાવ ઉપરાંત બ્રિજભૂષણ દ્વારા સંચાલિત લગભગ 50 શૈક્ષણિક સંસ્થાઓની શ્રેણી દ્વારા પોતાનો દબદબો ધરાવે છે, જે અયોધ્યાથી શ્રાવસ્તી સુધીના 100 કિમી ના પટ્ટામાં ફેલાયેલ છે. તેમના સંબંધીઓએ પણ આવી સંસ્થાઓની સ્થાપના કરી છે. ભાજપના સ્થાનિક સૂત્રો કહે છે કે તેમનું ચૂંટણી તંત્ર લગભગ સંપૂર્ણપણે આ વ્યવસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, જે પાર્ટીથી સ્વતંત્ર છે.
સ્થાનીય ભાજપ નેતા 2009નું ઉદાહરણ આપે છે, જ્યારે બ્રિજભૂષણ સિંહ બીજેપીથી અલગ થઇને સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા અને તે કેસરગંજથી ભાજપના ઉમેદવારને હરાવીને જીત્યા હતા. કેન્દ્રમાં 2009ની ચૂંટણી યૂપીએ જીતી હતી, જેમાં સપા સહયોગી હતી. બ્રિજભૂષણ સિંહે જુલાઈ 2009માં ભાજપના સાંસદ તરીકે પરમાણુ સમજૂતીની ચર્ચા દરમિયાન ભાજપ છોડવાની જાહેરાત કરી હતી.
બ્રિજભૂષણ સિંહના સંઘ પરિવાર સાથેના સંબંધો ભાજપમાં જોડાયા તે પહેલાના છે. વીએચપીના દિવંગત પ્રમુખ અશોક સિંઘલની નજીકના ગણાતા બ્રિજભૂષણ અયોધ્યામાં ભણ્યા હતા અને વિદ્યાર્થી રાજકારણમાં સંકળાયેલા હતા. જ્યારે 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી ત્યારે તેઓ ત્યાં હતા અને આ માળખાને તોડી પાડવા માટે કારસેવકોને ઉશ્કેરવા બદલ અન્ય લોકો સાથે તેમની સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ દરમિયાન તે ભાજપના ઉમેદવાર તરીકેની તેમની પ્રથમ ચૂંટણી જીતી ચૂક્યા હતા.
બ્રિજભૂષણનો કુસ્તી પ્રેમ પણ તેમના અયોધ્યાના દિવસોમાં વિકસ્યો હતો, કારણ કે તેઓ હનુમાન ગઢી નજીક એક અખાડામાં કુસ્તી શીખ્યા હતા. લોકસભાની વેબસાઇટ પર બ્રિજભૂષણની પ્રોફાઇલમાં તેમને ખેડૂત સમાજસેવક, સંગીતકાર, રમતવીર, કેળવણીકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
કુસ્તીબાજોએ તેમનો વિરોધ શરૂ કર્યો ત્યારથી તે મોટા ભાગે લો પ્રોફાઇલ રહે છે. પોતાના પ્રથમ નિવેદનમાં તેમણે ગુરુવારે કહ્યું કે જે દિવસે મને લાગે છે કે સંઘર્ષ કરવાની મારી ક્ષમતા સમાપ્ત થઈ ગઈ છે. હું મોતને ગળે લગાવીશ.
તેમના દ્વારા સંચાલિત એક કોલેજના આચાર્યએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે સિંહની ભૂમિકાને અવગણી શકાય નહીં. તે ગોંડા, બહેરાઇચ, શ્રાવસ્તી અને બલરામપુરમાં શિક્ષણ લાવ્યા છે, જે નેવુંના દાયકાની શરૂઆત સુધી શૈક્ષણિક રીતે પછાત જિલ્લાઓ હતા. જ્યાં જ્યાં તેમને લાગ્યું કે કોઈ કોલેજ નથી, ત્યાં તેમણે એક કોલેજ સ્થાપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બ્રિજભૂષણના સંબંધો વણસ્યા છે. આદિત્યનાથ પક્ષની હિન્દુત્વવાદી ચહેરા તરીકેની છબી ધરાવે છે, તેથી અયોધ્યા વિસ્તારમાં બંને વચ્ચે હિતોનો ટકરાવ ચાલી રહ્યો છે. જ્યારે પક્ષના ટોચના નેતાઓ સાથે બ્રિજભૂષણનો સીધો સંબંધ તણાવનું કારણ બન્યો છે.
બીજેપીના એક નેતાનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનીય પ્રશાસન બ્રિજભૂષણ સિંહ સામે વધારે સહાયક રહ્યું નથી. પાર્ટીના નેતાએ આ વર્ષની ફેબ્રુઆરીની એક ઘટનાનો હવાલો આપે છે. જ્યારે બ્રિજભૂષશ સિંહના ભત્રીજા સુમિત સિંહ પર ગોંડામાં લગભગ 3 એકર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો આરોપ લાગ્યો હતો. જેથી તેના પર બનેલી દિવાલ પ્રશાસને તોડી પાડી હતી અને સુમિત અને તેના સાથીઓ સામે એફઆરઆઈ નોંધાઇ હતી.
ડિસ્ક્લેઈમર : આ આર્ટિકલ ધ ઈન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો