ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સહિત પાંચ પ્રદેશ પ્રમુખની ચૂંટણી વિલંબમાં! જાણો શું છે કારણ?

BJP President 2025: ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ જાહેર કરવામાં કોઇ કારણોસર વિલંબ થઇ રહ્યો છે. ભાજપ દ્વારા અધ્યક્ષની વરણી કેમ કરવામાં આવતી નથી અને નામ જાહેર કરવામાં આવતા નથી? રાજકીય ગલીઓમાં આ મુદ્દો ચર્ચાનું કારણ બની રહ્યો છે.

Written by Haresh Suthar
Ahmedabad May 22, 2025 18:05 IST
ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સહિત પાંચ પ્રદેશ પ્રમુખની ચૂંટણી વિલંબમાં! જાણો શું છે કારણ?
BJP President 2025 Election: ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાંચ રાજ્યોના પ્રમુખની વરણીમાં વિલંબ ચર્ચાનો મુદ્દો (ફોટો ક્રેડિટ સોશિયલ)

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ (BJP President) અને પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખ ચૂંટણી મામલે મૂંઝવણ અનુભવી રહી છે. મુદત પૂર્ણ થઇ હોવા છતાં ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની પસંદગી અટવાઇ છે. માનવામાં આવી રહ્યું હતું કે એપ્રિલ મહિનાના અંતમાં ભાજપને પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે પરંતુ એવું થઇ શક્યું નથી. રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશમાં પણ પાર્ટી હજુ સુધી પોતાના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરી શકી નથી. આની પાછળનું કારણ શું છે?

ભાજપ અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ વરણી કેટલાક કારણોસર અટવાઇ છે. પહેલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના કારણે હજુ થોડો સમય લાગી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ગયા વર્ષે જૂનમાં સમાપ્ત થયો હતો અને ત્યારથી તેઓ ઇનચાર્જ છે. જેપી નડ્ડા મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રાલય પણ સંભાળી રહ્યા છે.

ભાજપનું બંધારણ કહે છે કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે અડધાથી વધુ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થાય તે જરૂરી છે. ભાજપે હજુ 37 રાજ્યોમાંથી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવાની બાકી છે. જેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા મોટા રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવાની બાકી છે.

આ દરમિયાન ભાજપના તમામ રાજ્ય એકમો ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં તિરંગા યાત્રાના આયોજનમાં લાગી ગયા છે. ભાજપના સૂત્રોએ સ્વીકાર્યું છે કે અનેક રાજ્ય એકમોમાં અંદરોઅંદરની ખેંચતાણને કારણે પ્રદેશ પ્રમુખની પસંદગીમાં વિલંબ થયો છે.

ગુજરાતના નવા પ્રમુખ કોણ બનશે?

ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને પણ ઉચાટ જેવી સ્થિતિ જોવા મળે છે. ભાજપના એક સાંસદે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ એ નક્કી નથી કરી શક્યું કે તેને વર્તમાન અધ્યક્ષ સી આર પાટિલ જેવા નેતા જોઈએ છે કે લો-પ્રોફાઈલ ચહેરો જોઈએ છે. પાટિલ કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન પણ છે.

રાજકોટમાં ભાજપના સંગઠનાત્મક પ્રભારી ધવલ દવેએ પક્ષના હોદ્દા પર કરવામાં આવેલી નિમણૂકોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાબરકાંઠામાં ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ઝાલાનું નામ પોંજી કૌભાંડ સાથે જોડાયું હતું. મનરેગાને લગતા કૌભાંડમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં શું છે વિવાદ?

ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ પાર્ટી હજુ સુધી પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરી શકી નથી. રાજ્યના ભાજપના એક સાંસદે કહ્યું કે, એવું લાગે છે કે ટોચનું નેતૃત્વ દ્વિધામાં છે. એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા નિર્વિવાદ છે. તો બીજી તરફ ઘણા પ્રભાવશાળી નેતાઓ, જેમાંના મોટા ભાગના ઓબીસી વર્ગના છે. ટોચના સ્તરે પરિવર્તનની માંગ કરી રહ્યા છે અને તે પણ અવગણી શકાય એમ નથી.

ભાજપના સાંસદે કહ્યું કે ભાજપને ઓબીસીને નિરાશ કરવાનું પોસાય તેમ નથી. કારણ કે તેઓ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપ સાથે ઉભા રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે ઓબીસી કાર્ડનો ઉપયોગ ભાજપ વિરુદ્ધ કર્યો હતો અને તેના કારણે પાર્ટીને નુકસાન થયું હતું.

મધ્ય પ્રદેશ સરકાર vs ધારાસભ્યો

મધ્ય પ્રદેશની વાત કરીએ તો ભાજપે નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવાની છે. પરંતુ પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે સરકાર અને મંત્રીઓ સામે વધી રહેલી ફરિયાદોને કારણે અહીં સ્થિતિ સારી નથી. આ ફરિયાદો ટોચની નેતાગીરી સુધી પહોંચી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વના હસ્તક્ષેપથી જ વસ્તુઓનું સમાધાન થઈ શકે છે. જેને પગલે નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવી પાર્ટી માટે સરળ નથી. વર્તમાન પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્માનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને તેઓ ચાર્જમાં છે.

ગુનાથી ભાજપના ધારાસભ્ય પન્ના લાલ શાક્યએ સ્થાનિક પ્રશાસન પ્રત્યે પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. જ્યારે શિવપુરીના ધારાસભ્ય દેવેન્દ્ર જૈને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ ધારાસભ્ય ચિંતામણી માલવીયને કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે. માલવિયાએ મોહન યાદવ સરકારની ટીકા કરી હતી.

પશ્વિમ બંગાળમાં ઘોષ અને સુવેન્દુ વિવાદ

પશ્ચિમ બંગાળમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવી પાર્ટી માટે મુશ્કેલ સાબિત થઇ રહી છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે આંતરિક લડાઇ નડી રહી છે. થોડા વર્ષો પહેલા પાર્ટીમાં સામેલ થયેલા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચેનો ઝઘડો પાર્ટીની અંદર એક મોટો મુદ્દો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુકંતા મજુમદાર પણ મોદી સરકારમાં મંત્રી છે.

આ પણ વાંચો | દેશના દુશ્મનોએ જોયું કે સિંદૂર જ્યારે…

તેલંગાણા બંદી સંજય વિવાદ

તેલંગાણા ભાજપમાં પણ અંદરોઅંદરની લડાઈ ચાલી રહી છે. હાલના પ્રદેશ અધ્યક્ષ જી કિશન રેડ્ડી કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને ટૂંક સમયમાં તેમની બદલી કરવામાં આવી શકે છે. પરંતુ પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે નેતૃત્વ માટે આમ કરવું સરળ નહીં હોય. કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમાર તેલંગાણાના રાજકારણમાં પાછા ફરવા માંગે છે. ઇટાલા રાજેન્દ્રનું નામ પણ ચક્કર લગાવી રહ્યું છે, પરંતુ પાર્ટીના કેટલાક નેતાઓ તેમને “બહારના” તરીકે નકારી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ