Uniform Civil Code : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સમાન નાગરિક સંહિતા એટલે યૂનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરતા કહ્યું કે શું એવું ઘર ક્યારેય ચાલી શકે જ્યાં પરિવારના દરેક સભ્ય માટે અલગ અલગ કાયદા હોય? પીએમના આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓ ભલે હોબાળો મચાવી રહી હોય પરંતુ એ સ્પષ્ટ છે કે ભાજપ સરકારે સમાન નાગરિક સંહિતા પર આગળ વધવાનો નિર્ણય કર્યો છે. યુસીસી એક એવો મુદ્દો છે જે લાંબા સમયથી ભાજપ અને આરએસએસના એજન્ડામાં છે. ભાજપના ઘણા નેતાઓ 2024ની લોકસભામાં આને ગેમ ચેન્જર માની રહ્યા છે, પરંતુ ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં આ મુદ્દે પાર્ટી માટે આગળ વધવું એટલું સરળ નથી.
ઉદાહરણ તરીકે મિઝોરમને લઇ લો. ત્યાં ભાજપની સહયોગી પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ની સરકાર છે. પરંતુ એમએનએફે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે સમાન નાગરિક સંહિતાની તરફેણમાં નથી. મિઝોરમમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ સામે પડકાર છે કે આ મુદ્દે તે કેવી રીતે આગળ વધે છે.
મિઝોરમ વિધાનસભાએ આ વર્ષની શરૂઆતમાં સર્વાનુમતે સમાન નાગરિક સંહિતાના અમલીકરણ સામે ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં એક પણ પગલું લઘુમતીઓની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ, સંસ્કૃતિ અને પરંપરાનો નાશ કરશે. જે કોઈ પણ દૃષ્ટિકોણથી યોગ્ય નથી.
પૂર્વોત્તરમાં ક્યાં-ક્યાં છે વિરોધ?
પૂર્વોત્તર ભારતમાં મિઝોરમ એકમાત્ર એવું રાજ્ય નથી કે જ્યાં સમાન નાગરિક સંહિતાનો વિરોધ છે. નાગાલેન્ડ અને મણિપુર જેવા આદિવાસીઓની નોંધપાત્ર વસ્તી ધરાવતાં રાજ્યોમાં પણ વિરોધનો સામનો કરી પડી રહ્યાં છે. મણિપુરમાં ભાજપની સરકાર હોવા છતાં છેલ્લા ત્રણ મહિનાથી પરિસ્થિતિ એક સરખી જ છે અને જે રીતે બે સમુદાય આમને સામને છે. તેવી સ્થિતિમાં યુનિફોર્મ સિવિલ કોડ પર એક અભિપ્રાય બનાવવો આગ સાથે રમવા બરાબર છે.
આ પણ વાંચો – આર્ટિકલ 370, રામ મંદિર અને હવે યૂનિફોર્મ સિવિલ કોડ, પીએમ મોદીએ એમ જ નથી કરી UCC ની વાત, સમજો બીજેપીનો પ્લાન
2016માં આદિવાસીઓ માટે કામ કરતી સંસ્થા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને પોતાના રિવાજો અને ધાર્મિક પરંપરાઓ (જેમાં બહુપત્નીત્વના અધિકાર અથવા એકથી વધુ પતિ હોવાનો પણ સમાવેશ થાય છે)ની જાળવણી કરવાની માંગ કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે આદિવાસીઓના પોતાના નિયમો, વિવિધ દેવી-દેવતાઓ અને તેમની પોતાની માન્યતાઓ હોય છે. આ બધા મુદ્દાઓ છે જે સમાન નાગરિક સંહિતાના એજન્ડામાં મહત્વપૂર્ણ છે. એકતા પરિષદ 11 કરોડ આદિવાસીઓનું નેતૃત્વ કરવાનો દાવો કરે છે.
શું સરકાર વચલો રસ્તો અપનાવી શકે છે?
સૂત્રોનું કહેવું છે કે સરકાર સમાન નાગરિક સંહિતામાં આદિવાસી સમુદાય, તેમની પરંપરાઓ, રીતરિવાજો પર વચલો રસ્તો અપનાવી શકે છે. આદિવાસી સમુદાય વચ્ચે નજીકથી કામ કરતા સંઘના એક નેતા પણ આ જ રીતે ધ્યાન દોરે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેઓ કહે છે ડ્રાફ્ટને પહેલા આવવા દો. અત્યારે જે ચાલી રહ્યું છે તે માત્ર એક અફવા છે. કોને ખબર, આદિવાસી સમુદાયની જે ચિંતાઓ છે યુસીસીમાં તેનું સમાધાન હોય.
પડકાર ફક્ત પૂર્વોત્તરમાં જ નથી
ભાજપને યુસીસી પર માત્ર પૂર્વોત્તર તરફથી પડકાર મળી રહ્યો નથી. આંધ્રપ્રદેશના સત્તા પક્ષ વાયએસઆરસીપીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સમાન નાગરિક સંહિતાની તરફેણમાં નથી. વાયએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાયએસઆરસીપી સાથે ભાજપના સારા સંબંધો છે. હાલમાં જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભારે હાર બાદ ભાજપ 2024 પહેલા વાયએસઆરસીપીને નજીક રાખવા માંગશે.
તેવી જ રીતે અકાલી દળે યુસીસીનો વિરોધ કર્યો છે. ભલે તે એનડીએ ગઠબંધનમાં ન હોય પરંતુ હાલના સમયમાં ફરી ગઠબંધનમાં પરત ફરવાના સંકેત આપ્યા છે.