રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. લોકસભા સચિવાલયે 24 માર્ચે આ સંદર્ભમાં એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, બંધારણની કલમ 102(1)(E)ની કલમ 8 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951) હેઠળ 23 માર્ચથી રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ ગુજરાતની એક અદાલતે તેમને સંસદના સભ્યપદને અયોગ્ય ઠેરવવાનો આધાર બનાવ્યું છે. લોકસભા સચિવાલયની આ સૂચના બાદ હવે ચૂંટણી પંચ વાયનાડ સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેમજ કોંગ્રેસના નેતાને સાંસદ તરીકે તેમને ફાળવવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવી શકે છે.
રાહુલ ગાંધીને કયા કેસમાં સજા થઈ?
રાહુલ ગાંધીને જે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે તે કેસ 5 વર્ષથી વધુ જૂનો છે. રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં ‘મોદી’ અટકને લઈને ટીપ્પણી કરી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા કોર્ટે 17 માર્ચે આ મામલે સુનાવણી પૂર્ણ કરી હતી અને ત્યારબાદ ચુકાદો અનામત રાખ્યો હતો. 23 માર્ચે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, કોર્ટે તેમને જામીન આપ્યા હતા અને તેમને ઉચ્ચ અદાલતનો સંપર્ક કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ શું કહે છે?
સુરતની કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા બાદ તરત જ કાયદાના જાણકારો એ વાતની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે, રાહુલ ગાંધીની સાંસસ સદસ્યતા છિનવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8(3) મુજબ, સંસદ સભ્યને બે વર્ષથી ઓછી કેદની સજા થઈ શકે તેવા કોઈપણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવે કે તરત જ તે સંસદના સભ્ય તરીકે ગેરલાયક થઈ જશે.
રાહુલ ગાંધી પાસે હવે શું વિકલ્પ?
જાણકારોનું માનવું છે કે, રાહુલ ગાંધી ગેરલાયકતાથી બચી શકે છે, જો તે દોષિત ઠેરવવામાં આવેલા નિર્ણયને પલટાવી શકવામાં સપળ થાય તો.
આ પણ વાંચો – રાહુલ ગાંધીની સજા બાદ : એક સાંસદ ગેરલાયક કેવી રીતે બને છે?
શું છે કોંગ્રેસનો તર્ક?
બીજી તરફ કોંગ્રેસે લોકસભા સચિવાલયની આ સૂચના પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ચૂંટણી પંચ સાથે વાતચીતના આધારે માત્ર રાષ્ટ્રપતિ જ સાંસદનું સભ્યપદ રદ કરી શકે છે.