તમને મેવાડની પરમ કૃષ્ણ ભક્ત મીરા બાઇ વિશે તો ખબર હશે પરંતુ આવી જ એક મીરા આજના ટેકનોલોજી યુગમાં છે જેણે કૃષ્ણને પતિ માન્યા છે અને કૃષ્ણની મૂર્તિ સાથે સાત ફેરા ફરીને લગ્ન કર્યા છે. આજની આધુનિક સમયમી મીરા ઉત્તરપ્રદેશના ઓરૈયા જિલ્લાના બિધુના વિસ્તારમાં રહે છે. ઉત્તર પ્રદેશના ઓરૈયાની એલએલબીનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા છે.
કૃષ્ણની મૂર્તિ સાથે સાત ફેર ફર્યા
ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. એલએલબીનો અભ્યાસ કરતી 30 વર્ષીય રક્ષા સોલંકી નામની એક વિદ્યાર્થીની નવવધુની જેમ સોળ શણગાર સજીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે સાત ફેરા ફર્યા છે.
વૃંદાવન દર્શન કરવા ગઇ અને શ્રીકૃષ્ણને પતિ માની લીધા
રક્ષા સોલંકી વર્ષ 2002માં પિતા રણજીત સિંહ સોલંકી સાથે શ્રીકૃષ્ણના દર્શન કરવા વૃંદાવન ગઇ હતી. બસ ત્યારથી જ તેણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા હતા. રક્ષાએ ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન મંડપમાં સાત ફેરા લીધા અને લગ્ન સહિતની તમામ વિધિ સંપન્ન કરી હતી. આ લગ્નપ્રસંગે રક્ષા સોલંકીના પરિવારે સૌની માટે જમણવારનું પણ આયોજન કર્યું હતું.

શ્રીકૃષ્ણ સ્વપ્નમાં આવતા હતા
રક્ષા સોલંકીના પતિ રણજીત સિંહ સોલંકીએ જણાવ્યું કે, રક્ષા જુલાઇ 2022થી ‘ઠાકુર જી’ સાથે લગ્ન કરવાની જીદ કરી રહી હતી. દિકરીની ભક્તિ જોઇને તેઓ તેની વિનંતીનો અસ્વીકાર કરી શક્યા નહીં. 11 માર્ચના રોજ તમામ સગાસંબંધીઓ સાથે મથુરા આવીને ‘ઠાકુર જી’ની સાથે રક્ષાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ઔરૈયાની એક કૉલેજના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલા રણજીત સિંહે કહ્યું કે, રક્ષાને ઘણા સમયથી સપનામાં શ્રીકૃષ્ણ આવી રહ્યા હતા જેમાં તેણે ભગવાન કૃષ્ણને તેમના ગળામાં માળા પહેરાવતા જોયા હતા. ત્યારથી તેણે શ્રી કૃષ્ણ સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું.
રક્ષાની બહેન અનુરાધાએ કહ્યું કે રક્ષાના લગ્ન તેના પરિવારના સભ્યો અને તમામ સંબંધીઓની સંમતિથી થયા હતા. લગ્ન પ્રસંગે બધા હાજર રહ્યા હતા. હવે તો ભગવાન પણ આપણા સગા થઈ ગયા છે. યુવતીના માતા-પિતા પણ કહે છે કે ભગવાન કૃષ્ણ હવે મારા સંબંધી બની ગયા છે. તેઓ હવે અમારા જમાઈ બની ગયા છે. આ લગ્નની ચર્ચા હવે દેશભરમાં થઇ રહી છે. આ લગ્નની તસવીરો પણ બહુ વાયરલ થઈ રહી છે.