Women Reservation Bill: મહિલા અનામત બિલ વિશે સંસદનું વિશેષ સત્ર ખરા અર્થમાં ઐતિહાસિક સાબિત થઈ રહ્યું છે. મહિલા અનામત બિલ બુધવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. વિરોધ, વિવાદ અને સમર્થન વચ્ચે છેવટે પાસ કરી દેવાયું છે. હવે આવતીકાલે એટલે કે ગુરુવારે તેને રાજ્યસભામાં પાસ કરાવાશે. મોટી વાત એ છે કે બિલ પસાર થયા પછી પણ તે અત્યારે કાયદો બની શકશે નહીં.
મહિલા અનામત અમલ ક્યારે?
મહિલા અનામત બિલ પાસ તો થયું છે પરંતુ એનો અમલ હાલ થાય એવા સંકેત નથી. જ્યાં સુધી દેશમાં વસ્તી ગણતરી અને સીમાંકન ન થાય ત્યાં સુધી નારી શક્તિ વંદન કાયદો કાયદો બની શકે નહીં. મતલબ કે મહિલાઓને આ કાયદાનો લાભ 2029માં જ મળી શકશે. હવે આ બિલની આ જ જોગવાઈ તેને વિવાદમાં લાવી રહી છે, વિપક્ષ સરકારની ઈરાદા પર સવાલો ઉઠાવી રહ્યો છે. સરકારની એક જ દલીલ છે કે તેમના માટે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ મહિલાઓના સન્માનનો મુદ્દો છે, તેમને સમાન અધિકાર આપવાનો મુદ્દો છે.
લોકસભામાં મહિલા અનામત માટે 181 બેઠકો
જ્યારે આ બિલ કાયદો બનશે ત્યારે મહિલાઓ માટે 33 ટકા અનામત હશે. સરળ શબ્દોમાં કહીએ તો લોકસભાની 543 બેઠકોમાંથી 181 મહિલાઓ માટે આરક્ષિત હશે. આ સિવાય દેશમાં SC-ST માટે અનામત 131 બેઠકોમાંથી 43 બેઠકો મહિલાઓ માટે હશે.
મહિલા અનામત બિલ ઓબીસી માંગ
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલા અનામત બિલમાં ઓબીસી માટે અનામતની માંગ કરી છે. હવે ભાજપનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસ રાજ્યસભામાં આ બિલ લાવ્યું ત્યારે ઓબીસી અનામતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જો આપણે આ બિલ સાથે સંબંધિત ઈતિહાસ તપાસીએ તો ખબર પડશે કે માર્ચ 2010માં રાજ્યસભામાં મહિલા અનામત બિલ લાવવામાં સફળ રહેલી યુપીએ સરકારનો દ્રષ્ટિકોણ અલગ હતો.





