/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-21.jpg)
પ્રદૂષિત હવાથી માનવ જીવન પર ગંભીર અસરો થાય છે. (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષ 5 જૂને ઉજવાય છે. હાલ સમગ્ર દુનિયા હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, જમીન પ્રદૂષણ જેવી વિવિધ પર્યાવરણીય સમસ્યાનો સામનો કરી રહી છે અને તેની સીધી અસર માનવ જીવન પર થઇ રહી છે. એક રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે કે, પ્રદૂષણને કારણે ભારતમાં લોકોની સરેરાશ ઉંમર ઘટી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) એ તેના રિપોર્ટ 'સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન્ટ 2023 ઈન ફિગર્સ'માં આ માહિતી આપવામાં છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020માં હવા પ્રદૂષણને કારણે ભારતીયની સરેરાશ ઉંમર 4 વર્ષ અને 11 મહિના ઘટી છે. ગ્રામીણ વિસ્તારો આનાથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં સરેરાશ આયુષ્યમાં 5 વર્ષ અને 2 મહિનાનો ઘટાડો થયો છે. શહેરી લોકોનું આયુષ્ય ગ્રામીણ લોકો કરતાં ત્રણ મહિના વધારે છે.
આ અહેવાલમાં પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર - ચાર માપદંડો પર ભારતના રાજ્યોનું 'રેન્કિંગ' પણ આપવામાં આવ્યું છે. જેમાં તેલંગાણા, મધ્યપ્રદેશ, દિલ્હી અને ગુજરાત આ યાદીમાં ટોચ પર છે. આ રિપોર્ટ અનુસાર પર્યાવરણ ક્ષેત્રે પ્રદર્શનના મામલે તેલંગાણા સૌથી આગળ છે. તેને પ્રાથમિક રીતે વન આવરણ વધારવા અને મ્યુનિસિપલ ઘન કચરાનો ઉપચાર કરવા માટે ક્રમાંક આપવામાં આવ્યો છે, જો કે રાજ્યનું પ્રદર્શન જળાશયોના સંરક્ષણ, ભૂગર્ભજળનું દોહન અને નદીના પ્રદૂષણના સંદર્ભમાં સરેરાશ કરતાં ઓછું છે. ત્યારબાદ ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રનો ક્રમે છે અને આ યાદીમાં સૌથી નીચેના ત્રણ રાજ્યોમાં રાજસ્થાન, નાગાલેન્ડ અને બિહારનો સમાવેશ થાય છે. સૌથી નીચો ક્રમ ધરાવતા 10 રાજ્યોમાંથી છ રાજ્યો ઉત્તર પૂર્વના રાજ્યો છે, જેમાં અસમનો પણ સમાવેશ થાય છે.
સ્વાસ્થ્યના મામલે દિલ્હી મોખરેઃ સ્વાસ્થ્ય ક્ષેત્રે દિલ્હી સૌથી આગળ છે. દેશની રાજધાની તેના બજેટનો સૌથી મોટો હિસ્સો આરોગ્ય ક્ષેત્ર પર ફાળવ્યો છે અને હેલ્થકેરનું મજબૂત નેટવર્ક ધરાવે છે. જોકે રાજ્યમાં રસીકરણનો દર ઓછો છે. દિલ્હી પછી સિક્કિમ, ગોવા અને મિઝોરમનો નંબર આવે છે. મધ્યપ્રદેશ આ બાબતે સૌથી પાછળ છે, જ્યાં માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુદર ઊંચો છે. છત્તીસગઢ, આસામ અને ઉત્તર પ્રદેશ પણ આરોગ્ય ક્ષેત્રે સૌથી નીચા ક્રમે છે.
કૃષિ ક્ષેત્રે મધ્યપ્રદેશ આગળ: સમગ્ર ભારતમાં કૃષિ ક્ષેત્રે મધ્ય પ્રદેશ ટોચ પર છે. નેટ વેલ્યુ એડિશન અને ખાદ્યાન્ન ઉત્પાદનના સંદર્ભમાં રાજ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન છે, જો કે રાજ્યના લગભગ અડધા પાક વિસ્તારનો વીમો લેવામાં આવ્યો નથી. આ યાદીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. સૌથી નીચા સ્તરે દિલ્હી, ગોવા અને મેઘાલય છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ વિકાસમાં ગુજરાત નંબર વન: ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ વિકાસની બાબતમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતે રોજગારી પૂરી પાડીને અને નળના પાણીના જોડાણો પૂરા પાડીને તેની કામગીરીમાં સુધારો કર્યો છે, જો કે રાજ્યમાં લિંગ અનુપાત પ્રમાણમાં ઓછો છે અને ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના લોકો સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરતી નથી. આ મામલે ઝારખંડ સૌથી પાછળ છે. ત્યારબાદ નાગાલેન્ડ, રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશ આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us